Select Page

પીંડારીયુ તળાવ ભરાતા જુની દિવાલ ધસી પડી

પીંડારીયુ તળાવ ભરાતા જુની દિવાલ ધસી પડી

રૂા.૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ તળાવનુ ગત વર્ષેજ લોકાર્પણ થયુ હતુ

વિસનગરના પીંડારીયા તળાવનો રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો હતો. ગત વર્ષેજ લોકાર્પણ કરાયુ હતુ. ત્યારે તળાવ ભરાતા જુની દિવાલ ધસી પડી હતી. પાલિકા દ્વારા તાત્કાલીક પ્રોટેક્શન માટે આડાશો ઉભી કરવામાં ન આવે તો કિનારો ખુલ્લો થતા કોઈનો જીવ જોખમાય તેમ છે.
વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના શાસનમાં આગવી ઓળખની ગ્રાન્ટમાંથી રૂા.૪ કરોડના ખર્ચે પીંડારીયા તળાવનો વિકાસ કરવામાં આવ્યો હતો. વિકાસ કામ ચાલતુ હતુ તે સમયેજ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી કરવામાં આવતી હોવાનો હોબાળો થયો હતો. તળાવની ચારેબાજુ નવી પ્રોટેક્શન વૉલ બનાવવાની હતી. ત્યારે કોન્ટ્રાક્ટરે ત્રણ બાજુની દિવાલમાં પથ્થર પીંચીંગ તથા વરંડાનું કામ કર્યુ હતુ. જ્યારે પીંડારીયા હનુમાન મંદિરની સામે સુકાયેલા બે વૃક્ષ છે તે બાજુની જુની દિવાલ યથાવત રાખવામાં આવી હતી. જુની દિવાલની જગ્યાએ નવી દિવાલ નહી બનાવી કોન્ટ્રાક્ટરે બીલ મંજુર કરાવી દીધુ હોવાનુ પણ ચર્ચાય છે.
પીંડારીયા તળાવના વિકાસ બાદ ગત વર્ષે ચોમાસાના સમયેજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે તળાવનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ વર્ષે ભારે વરસાદમાં તળાવ છલોછલ ભરાતા જુની દિવાલનો ભાગ ધારાશાયી થયો હતો. દિવાલ પડતા તળાવનો કિનારો ખુલ્લો થઈ ગયો છે. તળાવના વિકાસ બાદ લોકો હરવા ફરવાના સ્થળ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નાના બાળકોની પણ અવરજવર રહે છે. વળી પીંડારીયા હનુમાન મંદિરે પણ દર્શનાર્થીઓનો ઘસારો રહે છે. કોઈ અકસ્માત બને તે પહેલા પાલિકા દ્વારા વાસની કે લોખંડની જાળીની આડાશો મુકવામાં આવે તે ખુબજ જરૂરી છે. તળાવના વિકાસમાં થયેલી ગેરરીતીના કારણે દિવાલ પડી જતા કોઈનો ભોગ લેવાય તે પહેલા પાલિકા દ્વારા ત્વરીત નિર્ણય કરવામાં આવે તે હિતાવહ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts