વિસનગર ભાજપની નિર્માલ્યતા-વલસાડ વડનગર ટ્રેન સ્ટોપેજમાં બાદબાકી
સાંસદ શારદાબેન પટેલ, કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, વિસનગર વેપારી મહામંડળની રજુઆત
વલસાડ વડનગર સુપરફાસ્ટ ટ્રેન શરૂ થતા વિસનગર ભાજપની નિર્માલ્યતા અને ઉંઘતી નેતાગીરીની પોલ ખુલ્લી પડી છે. આ ટ્રેનનું વિસનગરને સ્ટોપેજ નહી મળતા ગયેલી આબરૂ બચાવવા સફાળા જાગી સાંસદ શારદાબેન પટેલ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રેલ્વે વિભાગને પત્ર લખ્યો હતો. મહેસાણા તારંગા અંબાજી રેલ્વે અભિયાનના મુખ્ય સુત્રધાર વિસનગર વેપારી મહામંડળ દ્વારા પણ વિસનગરને સ્ટોપેજ મળે તે માટેની રજુઆત કરી છે. જ્યારે બાબુભાઈ વાસણવાળાએ તો સ્ટોપેજ નહી મળે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે.
મહેસાણા વડનગર બ્રોડગેજ રેલ્વે લાઈન શરૂ થતા તેમજ ઈલેક્ટ્રીફીકેશન કરાયા બાદ વડનગરથી લાબા રૂટની ટ્રેન શરૂ કરવાની ઘણા સમયથી માગણી હતી. વડનગર ગાંધીનગર ટ્રેન શરૂ કરાઈ હતી. પરંતુ કનેક્ટીવીટી નહી મળતા તેનો ઉપયોગ થઈ શકતો નહોતો. રેલ્વે વિભાગ દ્વારા તેમજ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે વલસાડથી વડનગર સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરી હોવાની જાહેરાત કરતાજ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતને જોડતી આ ટ્રેન સેવાથી લોકોમાં ખુશી સમાતી નહોતી. નવી ટ્રેન સેવાથી મહેસાણાથી વડનગર રૂટના શહેર અને ગામડામાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહેસાણા તારંગા અંબાજી બ્રોડગેજ રેલ્વે અભિયાન એસો.ના મુખ્ય સુત્રધાર વિસનગર વેપારી મહામંડળ હતુ. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૨ માં વિસનગરના વેપારીઓ દ્વારા આ રેલ્વે લાઈન શરૂ કરવા માટે દિલ્હી સુધી રજુઆત કરી હતી. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતા વિસનગર વેપારી મહામંડળના હોદ્દેદારો દિલ્હી જઈ મુલાકાત લઈ બ્રોડગેજ લાઈનનુ કામ શરૂ કરવા રજુઆત કરી હતી. આમ મહેસાણા વડનગર તારંગા રેલ્વે લાઈન શરૂ કરવામાં વિસનગરના વેપારીઓનુ મહત્વનું યોગદાન છે. જ્યારે હવે રેલ્વે સેવા શરૂ થઈ છે ત્યારે વિસનગરની બાદબાકી કરવામાં આવી છે. વલસાડથી વડનગર સુધીના ૪૨૨.૫૫ કી.મી.ના અંતરમાં નડીયાદ અને આણંદ વચ્ચે ૧૯ કી.મી.નુ અંતર હોવા છતા સ્ટોપેજ આપવામાં આવ્યુ છે. જોકે આ રેલ્વે સ્ટેશન ઉપરથી એક નહી પરંતુ અસંખ્ય ટ્રેન પસાર થાય છે. જ્યારે વિસનગરની બાદબાકી કરવામાં આવી છે.
વલસાડ – વડનગર ટ્રેનમાં વિસનગરની સ્ટોપેજમાંથી બાદબાકી કરવામાં આવતા વિસનગર ભાજપની નબળી નેતાગીરી સામે લોકોમાં ભારે રોષ છે. સાંસદ શારદાબેન પટેલનુ વિસનગર પીયર થાય છે તેમ છતાં ટ્રેનનુ સ્ટોપેજ અપાવી શક્યા નથી અને હવે સ્ટોપેજ માટે રજુઆત કરી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પણ ટ્રેનના સ્ટોપેજ માટે રજુઆત કરી આબરૂ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. મહેસાણા તારંગા રેલ્વે માટે લડત આપતા વિસનગર વેપારી મહામંડળ દ્વારા પણ સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે રજુઆત કરી છે. જ્યારે રેલ્વે વિભાગના અનુભવી અને ઘણા સમયથી વેસ્ટર્ન રેલ્વેમાં મેમ્બર તરીકે સેવા આપી ચુકેલા બાબુભાઈ વાસણવાળાએ વિસનગરને રેલ્વેના અન્યાય બાબતે લાલ આંખ કરતા જણાવ્યુ છેકે વિસનગરને સ્ટોપેજ આપવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.