કેબીનેટ મંત્રીએ હેરીટેજ ટાઉનશીપને મીટરના ભેદભાવથી મુક્ત કર્યુ
પાલિકા દ્વારા એકમાત્ર ટાઉનશીપમાં મીટરથી પાણી આપવામાં આવતુ હતુ
વિસનગર શહેર તાલુકાના તમામ વિસ્તાર તેમજ તમામ સમાજને એક સમાન ન્યાય અને લાભ મળે તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પ્રથમથીજ આગ્રહી રહ્યા છે. હેરીટેજ ટાઉનશીપને પાલિકા દ્વારા મીટરથી પાણી આપવામાં આવતુ હતુ. જેની જાણ થતાજ કેબીનેટ મંત્રીએ મીટર કાઢીને પાણી આપવા પાલિકાને સુચના આપી મીટર પ્રથાથી મુક્તી અપાવતા ટાઉનશીપના રહીસોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વિસનગર શહેરના વધતા વિસ્તારને અને વિકાસને સુવિધાઓ આપવી તે પાલિકાની પ્રાથમિક ફરજ છે. કડા રોડ ઉપરના હેરીટેજ ટાઉનશીપમાં ટ્યુબવેલ તથા ઓવરહેડ ટાંકી છે. ટાઉનશીપ દ્વારા પાલિકાને રોડ તથા લાઈટ સોપવામાં આવ્યા હતા. શહેરના વિસ્તારમાં આવેલ આ ટાઉનશીપને પાણીની સુવિધા આપવી તે પાલિકાની ફરજ છે. ત્યારે પાલિકાના ગત સમયના બોર્ડમાં મીટરથી પાણી આપવાની શરત કરવામાં આવતા ટાઉનશીપને મજબુરીથી આ શરત સ્વિકારવી પડી હતી. વિસનગર શહેરમાં આ એકમાત્ર ટાઉનશીપ હતી. જ્યા મીટરથી પાણી આપવામાં આવતુ હતુ અને મીટર પ્રમાણે બીલ આપવામાં આવતુ હતુ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી નર્મદા આધારીત વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના શરૂ થતા શહેરમાં પાણીની છુટ થઈ છે. ત્યારે હેરીટેજ ટાઉનશીપ દ્વારા મીટરમાંથી મુક્તી આપવા પાલિકામાં રજુઆત કરાઈ હતી. પરંતુ ગણકારવામાં આવ્યુ નહોતુ. નવરાત્રી દરમ્યાન કેબીનેટ મંત્રીએ હેરીટેજ ટાઉનશીપના ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. જેમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પણ હાજર હતા. કાર્યક્રમ દરમ્યાન હેરીટેજ ટાઉનશીપના પ્રમુખ એડવૉકેટ એન્ડ નોટરી જગદીશભાઈ પટેલે ટાઉનશીપને મીટરથી પાણી મળે છે. તેમાંથી મુક્તી આપવા કેબીનેટ મંત્રીને રજુઆત કરી હતી. ત્યારે કેબીનેટ મંત્રીએ મીટર હોય તો આખા વિસનગરમાં હોવુ જોઈએ. હેરીટેજ ટાઉનશીપને મીટરથી પાણી ન આપવુ જોઈએ તેવુ જણાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખને લાઈનમાંથી મીટર કાઢી નાખવા સુચના આપી હતી. કેબીનેટ મંત્રીની સુચનાથી મીટરના ભેદભાવમાંથી મુક્તી મળતા હેરીટેજ ટાઉનશીપના રહીસોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને તમામને સમાન ન્યાય તેમજ સમાન સુવિધાની કેબીનેટ મંત્રીની લાગણીને આવકારી હતી.