૨૧૯ ખેડૂતોને રૂા.૫૭.૧૭ કરોડ વળતર માટે નોટીસ બાયપાસ હાઈવે માટે રૂા.૨૧૦.૪૪ કરોડની મંજુરી
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરના વર્ષોથી પડતર પ્રશ્નોનો અત્યારે રોકેટ ગતિએ નિકાલ થઈ રહ્યો છે. શહેરના લોકો ટ્રાફીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે વાહનો બાયપાસ થાય તે માટે વિસનગર બાયપાસ હાઈવેની કાર્યવાહી અસાધારણ ગતિથી આગળ વધી રહી છે. બાયપાસ હાઈવે જમીન સંપાદનની ખેડૂતોને નોટીસ આપવામાં આવી છે તેના સમાંત્તર હાઈવે કામગીરી માટે રૂા.૨૧૦.૪૪ કરોડ મંજુર થયા છે. સરકારમાં એવા જુજ કિસ્સા છેકે જમીન સંપાદનની સાથે ગ્રાન્ટ ફળવાઈ હોય. જે આરોગ્ય મંત્રીની પૂર્વ ભાગનો ઝડપી વિકાસ થાય તેવી લાગણીને આભારી છે.
વિસનગર બાયપાસ હાઈવેનો સર્વે કરવા વર્ષ ૨૦૧૨ મા તત્કાલીન માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલે રૂા.૭ કરોડ મંજુર કર્યા હતા. ત્યારબાદ રાજકીય કિન્નાખોરીમાં બાયપાસ હાઈવેનુ કામ ખોરંભે પડ્યુ હતુ. શહેરની આસપાસના વિકાસમાં ફક્ત પૂર્વ તરફનો વિકાસ અટકી પડતા બાયપાસનુ કામ ઝડપી આગળ વધે તેવી ઘણા સમયથી માગણી થઈ રહી હતી. વર્ષ ૨૦૨૧મા ઋષિભાઈ પટેલને મંત્રી મંડળમાં સ્થાન મળતા બાયપાસ હાઈવેની પ્રક્રિયા આગળ વધી હતી. બાયપાસમાં કુલ ૨૧૯ ખેડૂતોની ૪૧-૮૬-૭૬ (હે.આરે. ચોમી) જમીન સંપાદીત કરવામાં આવી હતી. જેમાં સંપાદિત કરેલ જમીનના વળતર પેટે રૂા.૫૭.૧૭ કરોડ મંજુર કરવામાં આવતા જિલ્લા જમીન સંપાદન અધિકારી દ્વારા ખેડૂતોને વળતર આપવા નોટીસ કાઢવામાં આવી હતી. વિસનગર માર્ગ મકાન વિભાગની ઓફીસના અધિકારી ડી.આર.પટેલે વળતર માટેની નોટીસ ખેડૂતોને આપી હતી. વળતર ઓછુ મળતા ખેડૂતોએ વધુ વળતરના વાંધા સાથે નોટીસનો જવાબ આપવાની પણ તજવીજ હાથ ધરી છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી જુજ કિસ્સામાં જમીન સંપાદનના વળતરની સાથે હાઈવે કામગીરીની ગ્રાન્ટ ફળવાઈ
કડા રોડથી મહેસાણા રોડ નેશનલ હાઈવેને જોડતા રોડની પણ કામગીરી શરૂ
કોઈપણ મોટા હાઈવે માટે પ્રથમ સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ જમીન સંપાદનની કાર્યવાહી કરી વળતર આપવામાં આવે છે. ત્યારબાદ હાઈવે નિર્માણની ગ્રાન્ટ ફાળવી કામ આગળ વધે છે. વિસનગરમાં બાયપાસ હાઈવે માટે જમીન સંપાદનના વળતર માટેની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રીની આ યોજના પાછળ સતત દેખરેખથી તેમના પ્રયત્નોથી જમીન સંપાદન વળતરની કાર્યવાહીની સમાંત્તર ૮.૨૦૦ કિ.મી.નો બાયપાસ ચાર માર્ગીય હાઈવે બનાવવા રૂા.૨૧૦૪૪ લાખ એટલે કે રૂા.૨૧૦.૪૪ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. નકશા અંદાજોની સક્ષમ કક્ષાએ પુરતી ચકાસણી કરી તાંત્રીક મંજુરી બાદ વહિવટી મંજુરી મળતાજ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિસનગરમાં વડનગર રોડ, ઉમતા રોડ, દેણપ રોડ, કાંસા-ઉંઝા રોડ, મહેસાણા રોડ, કમાણા રોડ અને કડા રોડનો વિકાસ થયો છે. એક માત્ર વિજાપુર અને ભાલક-સુંશી રોડજ એવો છેકે જ્યા સુવિધાઓના અભાવે વિકાસ થયો નથી. શહેરના પૂર્વ ભાગનો વિકાસ થાય તે માટે રૂા.૨૭૦ કરોડની માતબર રકમની ગ્રાન્ટ આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી ફળવાઈ છે. કડા રોડથી મહેસાણા રોડને જોડતા બાયપાસ બાકી રહે છે, ત્યારે કડા રોડથી મહેસાણા રોડ ઉપર નેશનલ હાઈવેને જોડતા રોડ માટેની પણ પ્રક્રિયા શરૂ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.