Select Page

ઉત્તરાયણ પર્વ દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે ખાસ સાવચેતી રાખો

ઉત્તરાયણ પર્વ દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે ખાસ સાવચેતી રાખો

ઉત્તરાયણ પર્વ એ એક ઉત્સવ પુર્ણ તહેવારની સાથે દાન, ધર્મ અને જીવદયા પ્રેરણારુ પર્વ છે. આ પર્વમાં અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે પર્વ દુર્ઘટના પૂર્ણ ન બને તે માટે સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. ઉત્તરાયણમાં થોડી તકેદારી રાખવામાં આવે તો આપણે પોતે, કોઈ વ્યક્તિ કે નિર્દોષ પક્ષીઓ અકસ્માતનો ભોગ બનતા અટકી શકે છે.
ઉત્તરાયણનુ પર્વ એ આનંદ અને ઉલ્લાસનુ પર્વ છે. આ પર્વ આપણા પરિવાર માટે દુઃખદ તથા દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. અહી સાવચેતી માટે પ્રચાર વિસનગર સાપ્તાહિક દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. (૧) વહેલી સવારે સુર્યોદય પહેલા પતંગ ન ચગાવો. સવારે સુર્યોદય વખતે પક્ષીઓ માળામાંથી બહાર નીકળે છે. જે પક્ષીઓને દોરી નહી દેખાતા વિંધાય છે. (૨) સુર્યાસ્ત સમયે પણ પતંગ ચગાવવાનુ ટાળવુ જોઈએ. પક્ષીઓ તેમના માળામાં પરત ફરે છે અને ઓછા અજવાળાના કારણે દોરી નહી દેખાતા વિંધાય છે. (૩) ઉત્તરાયણના દિવસે સમી સાંજે ધાબા ઉપર ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાના અવાજથી પક્ષીઓ ઉડે છે અને દોરીમાં ભરાય છે. જેથી થોડુ અંધારૂ થાય ત્યારે ફટાકડા ફોડવા. (૪) નાના બાળકો ધાબા ઉપર કે અગાશીમાં પતંગ ચગાવતા હોય તો તેમના વાલીએ પતંગ ચગાવતા બાળક ઉપર સતત દેખરેખ રાખવી હિતાવહ છે. (૫) પતંગ ચગાવતા આગળીઓ ઉપર દોરી ન વાગે તે માટે મેડીકલ ટેપ કે આગળી ઉપર રબ્બરની કેપ પહેરવી જોઈએ. (૬) ધાબા કે અગાશી નજીકથી પસાર થતા વિજ વાયરમાં ભરાયેલા પતંગને કાઢવા માટે બાળક સળીયા જેવા સાધનથી પતંગ કાઢવાનો પ્રયત્ન ન કરે તે માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ. (૭) ચાઈનીઝ સીન્થેટીક દોરીથી પતંગ ચગાવવાનુ ત્યજવુ જોઈએ. સીન્થેટીક (પ્લાસ્ટીક) દોરી એટલી મજબુત હોય છેકે ટુ વ્હીલર ચાલક દોરીમાં ભરાય તો આ ચાઈનીઝ દોરી શરીરના મોં અને ગળાના ભાગમાં ઉતરી જાય છે અને ગંભીર ઈજા થાય છે. ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગવાથી મૃત્યુ થયાના અનેક બનાવો બન્યા છે.(૮) બે-ચાર રૂપિયાની કિંમતનો પતંગ પકડવાની લાલચમાં જાહેર રોડ ઉપર દોડવુ જોઈએ નહી. ખાસ કરીને નાના બાળકો પતંગ પકડવા જતા રસ્તા ઉપર આવતા-જતા વાહનો સાથે ટકરાય છે. (૯) ટુ વ્હીલર ચાલક ઉત્તરાયણ કે વાસી ઉત્તરાયણના દિવસે બહાર નીકળે તો હેલ્મેટ પહેરવાનુ ન ભુલે. ટુ વ્હીલર ચાલક રોડ ઉપર ક્રોસ થતી દોરીનુ ખાસ ધ્યાન રાખે. (૧૦) પતંગ રસીક પતંગ કપાયા બાદ દોરી રોડ ઉપરથી ક્રોસ થતી હોય તે વખતે ધ્યાનથી દોરી ખેચે. દોરીમાં કોઈ ટુ વ્હીલર ચાલક ભરાય તો તે સમયે દોરી ન ખેચે. આવા સમયે દોરી ખેચવાથી ટુ વ્હીલર ચાલકને દોરીથી ઈજા થવાની શક્યતા વધી જાય છે. (૧૧) ઉડતા પતંગની દોરીના કારણે કોઈ પક્ષી વિંધાય તો તુર્તજ એનીમલ હેલ્પલાઈનનો સંપર્ક કરી પક્ષીની સારવાર કરે. (૧૨) પતંગ વિજ વાયરમાં ભરાઈ જાય તો પતંગને કાઢવા દોરી ખેચવી નહી. દોરી ખેચવાથી વિજળીના બે તાર વચ્ચે શોર્ટસર્કીટ થવાના કારણે વિજળી ખોરવાઈ જતી હોય છે. (૧૩) ગીચ મકાનો ધરાવતા વિસ્તારમાં પતંગ નીચી ઉંચાઈએ ચગાવવાનુ ટાળવુ જોઈએ. ગીચ વિસ્તારમાં નીચી ઉંચાઈએ પતંગ ચગાવવાથી આગળના ધાબા કે અગાશીમાં પતંગ ચગાવતા વ્યક્તિના ગળામાં કે કાનના ભાગે દોરી વાગવાના અનેક બનાવો બન્યા છે. અને જેના કારણે પર્વનો દિવસ ઝઘડામાં પણ પરિણમ્યો છે. (૧૪) જેની ઉપર હાઈકોર્ટનો પ્રતિબંધ છે તેવા ચાઈનીઝ ગુબ્બારો કે ટુક્કલ સાંજના સમયે ઉડાવવાનુ ત્યજવુ જોઈએ. આવા સળગતા ગુબ્બારા પડવાથી આગના અનેક બનાવો બન્યા છે. ચાઈનીઝ ગુબ્બારાથી માલ મિલ્કત અને જાનમાલની નુકશાનીના અનેક બનાવો બન્યા છે. (૧૫) ગુંચ વાળી દોરી ખુલ્લામાં વિજ વાયર ઉપર કે ઝાડ ઉપર ન નાખી તેનો યોગ્ય નિકાલ કરવો. આવા ગુંચડામાં પક્ષીઓ ફસાતા મુશ્કેલીમાં મુકાય છે. (૧૬) મકાનની છત ઢાળવાળી હોય તો, આવી છત ઉપરથી પતંગ ન ચગાવવો. ઢાળવાળી છત ઉપર કપાયેલો પતંગ પકડવા દોડવુ નહી. ઉત્તરાયણના દિવસે છત ઉપરથી પડવાના અનેક બનાવો બને છે. આ તહેવાર વર્ષમાં બેજ દિવસ આવે છે. તેમાં સાવચેતી ન રાખીએ તો પડવા-વાગવા કે ભાગવાથી આખી જીંદગી સહન કરવાનો વારો આવે છે. જેથી પર્વની સાથે સાવચેતી પણ એટલીજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us