Select Page

ખેરાલુ-સતલાસણા તા.માં કિસાન સૂર્યોદય યોજના માટે ખેડૂતોની માંગણી

સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ખેડુતો દિવસે સિંચાઈ કરી શકે તે માટે ખેતી ફિડરોમાં લાઈટ આપવા માટે કિસાન સૂર્યોદય યોજના બનાવી છે. જેમા વિસનગર, વિજાપુર, મહેસાણા, તાલુકાના ખેડુતોને લાભ અપાયો છે. પરંતુ ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજતંત્ર દ્વારા ઈરાદાપુર્વક દિવસે લાઈટ આપવામાં આવતી નથી. ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પાસે કિસાન સુર્યોદય યોજનાનો અમલ કરાવવા માંગણી કરી રહ્યા છે. હવે સરદારભાઈ ચૌધરી ખેડૂતોની માગણી સંતોષે છે કે નહી તે જોઈએ.
ગુજરાત સરકારે ખેડુતોને સિંચાઈ માટે દિવસે લાઈટ આપવા માટે સરાહનીય પ્રયાસ કર્યા. છે. જેના કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ખેડુતોને પડતી તકલીફોમાંથી કાયમી છુટકારો મળે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખેતી માટે રાત્રે લાઈટ આપતા ઠંડીથી ખેડુતોના મૃત્યુ પામવાના બનાવો પણ બને છે. ખેરાલુ-સતલાસણા તાલુકામાં દિવસે પણ દિપડા, રીંછ જેવા જંગલી જાનવરો આવી જવાના અસંખ્ય બનાવો બને છે. જંગલી પ્રાણીઓથી ખેડુતોમાં વ્યાપક ભયના ઓછાયા તળે રાત્રે લાઈટ આવી હોય તો પણ ખેતરોમાં સિંચાઈ માટે જવુ પડે છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ-સતલાસણા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્તારમાં જંગલી જાનવરો દ્વારા પશુઓ ઉપર હુમલાના બનાવો બન્યા છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ વિધાનસભાના તમામ પ્રશ્નોથી વાકેફ છે. છતા ખેડુતોને ઉપયોગી કિસાન સુર્યોદય યોજનાના અમલ માટે કેમ રજુઆત કરતા નથી. તેવા પ્રશ્નો ખેડુતો દ્વારા પુછાઈ રહ્યા છે.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ રજુઆત કરાઈ
વિસનગર, વિજાપુર અને મહેસાણા તાલુકામાં કિસાન સુર્યોદય યોજનાનો અમલ તબક્કા વાર ધીરેધીરે થઈ રહ્યો છે. તો ખેરાલુ અને સતલાસણા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાના અમલ માટે કેમ અધિકારીઓ સમક્ષ રજુઆત કરાતી નથી. આ બાબતે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે ખેરાલુ-સતલાસણા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો કેમ અમલ કર્યો નથી તે બાબતે હું જાણતો નથી પરંતુ જો શક્ય હશે તો આ યોજનાનો અમલ કરાવીશું. ખેરાલુ સતલાસણા તાલુકો પછાત તાલુકો છે તેમજ બન્ને તાલુકાની તકલીફો વિશે ધારાસભ્ય માહિતગાર હોય તેવું લાગતુ નથી. જે રીતે વિધાનસભાની ચુંટણી પહેલા ગત ઉનાળામાં ખેડુતોએ સીંચાઈના પાણી માટે આંદોલન કર્યુ તે જ રીતે કિસાન સુર્યોદય યોજનાના અમલ કરાવવા ખેડુતોની રાજકીય અગ્રણી સાથી મિટીંગ પણ થઈ હતી. તો શુ કિસાન સૂર્યોદય યોજનાના અમલ કરાવવા ખેરાલુ- સતલાસણા તાલુકામાં ખેડુતોએ ફરીથી આંદોલન કરવું પડશે ?
ગુજરાત સરકાર દ્વારા પહેલા પ્રાયોગીક ધોરણે કેટલાંક જિલ્લાઓ સાથે વિસનગર, વિજાપુર અને મહેસાણા તાલુકામાં દિવસે સિંચાઈ માટે લાઈટ આપવાનું શરૂ કર્યુ. ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ખેડુતો સિંચાઈના પાણી માટે પારાવાર દુઃખી છે. તેમાં પણ જંગલી જાનવરોનો ભય હોવા છતા ખેરાલુ -સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને કિસાન સુર્યોદય યોજનાનો લાભ ન મળતા ખેડુતોમાં વ્યાપક નારાજગી જોવા મળે છે. સોશિયલ મિડીયામાં સતલાસણાના કિસાન મોરચાના પ્રમુખ રાકેશભાઈ પટેલે પણ દિવસે લાઈટ માટે માંગણી કરી છે.
ગુજરાત સરકાર દ્વારા દોઢ વર્ષ પહેલા ૩પ૦૦/- કરોડ રૂપિયાના ખર્ચે કિસાન સૂર્યોદય યોજના માટે ફંડ ફાળવ્યુ હતુ. જંગલ વિસ્તાર ધરાવતા તાલુકાઓ અને જિલ્લાઓને આ યોજનામાં આવરી લેવાના હતા. પરંતુ ખેરાલુ-સતલાસણા તાલુકાની નબળી નેતાગીરીને કારણે જંગલ વિસ્તાર હોવા છતા કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળ્યો નથી. તેના બદલામાં વિસનગર, વિજાપુર અને મહેસાણા તાલુકો કે જ્યાં જંગલ વિસ્તારનું નામ નિશાન નથી છતાં જાગૃત નેતાગીરીથી આ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લઈ ગયા છે. અગાઉ સિંચાઈના પાણીથી છેલ્લા ર૦ વર્ષથી તકલીફ ભોગવતા ખેડુતોએ ગત વર્ષે આંદોલન કર્યુ હતુ. હવે કિસાન સૂર્યોદય યોજનામાં ખેરાલુ -સતલાસણા તાલુકાને થતા અન્યાય સામે આંદોલન કરવુ પડશે તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુ છે. જોઈએ હવે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનુ સરકારમાં કેટલુ ઉપજે છે તે જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us