Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો
વિસનગરમાં વડનગર-વલસાડ ટ્રેન સ્ટોપેજને મંજુરી

વડનગર વલસાડ સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ ત્યારે વિસનગરને સ્ટોપેજમાંથી બાદ કર્યુ હતુ. વિસનગર પંથકના સુરતમાં રહેતા લોકો દ્વારા સુપરફાસ્ટ ટ્રેનને વિસનગર સ્ટેશને સ્ટોપેજ મળે તેવી માગણી બુલંદ બની હતી. ત્યારે ઋષિભાઈ પટેલને વિજયી બનાવતા અને કેબીનેટ મંત્રી બનતા તેમના વગની અસર જોવા મળી અને વિસનગર સ્ટોપેજને મંજુરી મળી. ટ્રેન શરૂ થઈ ત્યારે સાંસદ સભ્ય શારદાબેન પટેલે પણ રેલ્વે રાજ્ય મંત્રીને પત્ર લખી વિસનગરમાં સ્ટોપેજ માટે રજુઆત કરી હતી. ૨૬ મી જાન્યુઆરીના રોજ સાંસદ સભ્ય શારદાબેન પટેલે વિસનગર રેલ્વે સ્ટેશને આવતી વડનગર-વલસાડ ટ્રેનને પ્રથમ દિવસના સ્ટોપેજને આવકારી લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ સાંસદ સભ્ય ટ્રેનમાં બેસી મહેસાણા ગયા હતા.
દિવાળી બાદ તથા વિધાનસભાની ચુંટણી પહેલા તા.૩-૧૧-૨૦૨૨ ના રોજ વડનગર વલસાડ સુપરફાસ્ટ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રેનનુ શિડ્યુલ જાહેર કરાયુ તેમાં વિસનગર સ્ટેશનની સ્ટોપેજમાં બાદબાકી જોતા વારે તહેવારે વિસનગર સુરત આવન જાવન કરતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. છતા દિવાળીના તહેવારમાં સુરતથી વિસનગર આવેલા લોકોએ વિસનગર સ્ટેશન ઉપર વલસાડથી આવતી ટ્રેનનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. જોકે ટ્રેન શરૂ થઈ ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને ફોન કરી તેમજ પત્ર લખીને વિસનગરના લોકો માટે ટ્રેનનુ કેટલુ મહત્વ છે તેની જાણ કરી વિસનગર રેલ્વે સ્ટેશન સ્ટોપેજ માટે ભલામણ કરી હતી. સાંસદ શારદાબેન પટેલે ટ્રેન શરૂ થઈ તેના આગળના દિવસે તા.૨-૧૧-૨૦૨૨ ના રોજ રેલ્વે રાજ્યમંત્રીને પત્ર લખી વિસનગરમાં સ્ટોપેજ માટે રજુઆત કરી હતી.
• ટ્રેન શરૂ થઈ ત્યારથીજ વિસનગરમાં સ્ટોપેજની માગણી બુલંદ બની હતી
• સાંસદ શારદાબેન પટેલે વિસનગરમાં સ્ટોપેજ માટે રજુઆત કરી હતી
વિસનગર પંથકના ઘણા લોકો ધંધા વ્યવસાર્થે સુરતમાં રહે છે. જેમને સુરત જવા માટે વડનગર રેલ્વે સ્ટેશન જવુ પડે છે. વિસનગર રેલ્વે સ્ટેશન ઉપરથી ટ્રેન પસાર થાય છે ત્યારે વિસનગરમાં બે મિનિટ ટ્રેનનો હોલ્ટ મળે તેવી માગણી બુલંદ બની હતી. સુરત જતા વિસનગરથી વડનગર જવામાં તેમજ સુરતથી આવતા વડનગરથી વિસનગર આવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપર ઋષિભાઈ પટેલ જંગી મતોથી વિજયી થતા અને કેબીનેટ મંત્રી બનતા સરકારના સેકન્ડ મુખ્યમંત્રીના હોદ્દાનો લાભ મળવાની શરૂઆત થઈ ગઈ અને વિસનગરને સુપરફાસ્ટ ટ્રેન સ્ટોપેજનો લાભ મળ્યો. રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે ટ્રેન નં. ૨૦૯૫૯/૨૦૯૬૦ વસલાડ વડનગર ટ્રેનને વિસનગરમાં
સ્ટોપેજ મળવાની ટ્‌વીટર ઉપર જાહેરાત કરતાજ સુરત અપડાઉન કરતા પંથકના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુંક સમયમાંજ લાબા રૂટની વડનગર ઉજ્જૈન તાનારીરી એક્ષપ્રેસ ટ્રેનની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વડનગર વલસાડ ટ્રેનના સ્ટોપેજની મંજુરી બાદ હવે નવી શરૂ થનાર ટ્રેનોનો પણ વિસનગરને લાભ મળશે. વડનગર વલસાડ ટ્રેનની વિસનગર સ્ટોપેજને મંજુરી આપતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us