Select Page

કેમ્પસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના કાર્યાલય સામે વિરોધ
એમ.એન.કોલેજને રાજકીય અડ્ડો નહી બનવા દેવાય-જીવણભાઈ દેસાઈ

કેમ્પસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના કાર્યાલય સામે વિરોધ<br>એમ.એન.કોલેજને રાજકીય અડ્ડો નહી બનવા દેવાય-જીવણભાઈ દેસાઈ

એમ.એન.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા કોલેજના વિકાસમાં સરાહનીય સહયોગ આપવામાં આવી રહ્યો છે. પરંતુ કોલેજ કેમ્પસમાં પૂર્વ વિદ્યાર્થી મંડળનુ કાયમી કાર્યાલય બનાવવાની ચર્ચાથી વિરોધનો શૂર ઉભો થયો છે. સામાજીક અગ્રણી જીવણભાઈ દેસાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, કોલેજને રાજકીય અડ્ડો નહી બનવા દેવાય. કોલેજના હિત માટે ૧૬ વર્ષ પહેલા પણ લડ્યા હતા અને અત્યારે પણ લડત આપવા તૈયાર છીએ. કેબીનેટ મંત્રીના નામે પ્રિન્સીપાલ, અધ્યાપકો તથા સ્ટાફ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા દ્વારા થતુ તોછડુ વર્તન પણ આ તબક્કે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગરની એમ.એન.કોલેજનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે તેની ઉપર દેખરેખ રાખવા માટે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા સમયાંત્તરે મીટીંગ કરવામાં આવે છે. તા.૧-૩-૨૦૨૩ ના રોજની મીટીંગમાં કોલેજ કેમ્પસમાં પૂર્વ વિદ્યાર્થી મંડળનુ કાયમી કાર્યાલય બનાવવા માટેનો મુદ્દો ચર્ચામાં હતો. જેની સામે વિસનગરના સામાજીક કાર્યકર જીવણભાઈ દેસાઈએ કોલેજના પ્રિન્સીપાલને વાંધા અરજી આપી હતી કે, સરકારી કોલેજનુ સંચાલન વ્યવસ્થિત થાય છે. ત્યારે કેટલાક હિતશત્રુ લોકો પોતાનુ વર્ચસ્વ સ્થાપી સરકારી વહિવટમાં દખલગીરી ઉભી કરવા તથા કોલેજ કેમ્પસમાં પોતાનો કાયમી અડ્ડો જમાવવા માટે બદ ઈરાદો રાખી રહ્યા છે. બદ ઈરાદો ધરાવતા લોકોને સરકારી વહિવટમાં કાયદેસરનુ સ્થાન હોઈ શકે નહી. કોલેજમાં રાજકીય અડ્ડો સ્થાપવા દઈશુ નહી. કેમ્પસમાં પૂર્વ વિદ્યાર્થી મંડળના કાયમી કાર્યાલય માટેનો નિર્ણય કરવામાં આવશે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
પ્રિન્સીપાલ તથા અધ્યાપકો સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાનુ તોછડુ વર્તન શરમજનક
મીટીંગના થોડા સમય પહેલા પ્રિન્સીપાલની ઓફીસમાં પૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્ય ઈશ્વરલાલ નેતા, સમીરભાઈ દેસાઈ સામે જીવણભાઈ દેસાઈ અને શામળભાઈ દેસાઈની ઠેરી હતી. ઈશ્વરલાલ નેતાએ વિકાસમાં કેમ રોડા નાખો છો તેવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે જીવણભાઈ દેસાઈ અને શામળભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ કોલેજના વિકાસમાં સહયોગ આપી રહ્યુ છે તે અભિનંદનને પાત્ર સરાહનીય છે. પરંતુ કોલેજ કેમ્પસમાં પૂર્વ વિદ્યાર્થી મંડળના કાયમી કાર્યાલય સામે વિરોધ છે. અત્યારે સારા સમજુ વ્યક્તિઓનુ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ છે. ભવિષ્યમાં બોગસ વ્યક્તિઓ પૂર્વ વિદ્યાર્થી મંડળ ઉપર કબજો જમાવી કાર્યાલયને રાજકીય અડ્ડો નહી બનાવે તેની શુ ખાત્રી? કોલેજ કેમ્પસ બહાર કાર્યાલય બનાવો તેમાં કોઈ વાધો નહી હોવાનુ જણાવ્યુ હતુ. જીવણભાઈ દેસાઈએ તો એ પણ જણાવ્યુ હતું કે અત્યારે જો પૂર્વ વિદ્યાર્થી મંડળને કાર્યાલય માટે જગ્યા આપવામાં આવે તો ભવિષ્યમાં એ.બી.વી.પી., એન.એસ.યુ.આઈ. જેવા વિદ્યાર્થી મંડળો પણ કાર્યાલય માટે જગ્યાની માગણી કરશે. કેટલાને જગ્યા આપશો? પરીક્ષાના સમયમાં બપોરે ૩-૦૦ કલાકે મીટીંગ રાખવામાં આવતા વિદ્યાર્થીઓને ખલેલ પહોચી હતી તેની પણ ચર્ચા થઈ હતી. વિરોધના કારણે કાર્યાલયનો નિર્ણય મોકૂફ રાખવાનુ ઈશ્વરલાલ નેતાએ જણાવતા મામલો શાંત પડ્યો હતો. નોધપાત્ર બાબત છેકે, કેબીનેટ મંત્રીના નામે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના એક નેતા કોલેજના ક્લાસ વન અધિકારીનો હોદ્દો ધરાવતા પ્રિન્સીપાલ, કેટલાક અધ્યાપકો તથા સ્ટાફની સાથે ઉંચા અવાજે તોછડુ વર્તન કરી વારંવાર ધમકાવવામાં આવે છે જે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
જીવણભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, એમ.એન.કોલેજના હિત માટે ૧૬ વર્ષ પહેલા લડત કરી હતી. વર્ષ ૨૦૦૭ માં કોલેજમાં તાલુકા સેવા સદન માટે જગ્યા એક્વાયર કરવામાં આવી હતી. ગ્રાન્ટ પણ ફળવાઈ હતી. ત્યારે કોલેજના હિત માટે લડત ઉપાડતા ર્ડા.મીહીરભાઈ જોષી, ર્ડા.જે.કે.દવે, ર્ડા.જે.એન.ઝવેરી, ર્ડા.શંકરભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી જેવા જાગૃત આગેવાનોનો સહકાર મળ્યો હતો. ર્ડા.શંકરભાઈ ચૌધરીએ તો કાયદાકીય લડત માટે ફંડ આપવાની પણ ઓફર કરી હતી. આ લડત ન ઉપાડી હોત તો કોલેજમાં તાલુકા સેવાસદન બની ગયુ હોત અને અત્યારે અન્ય જે કોલેજો બની રહી છે તેના માટે જગ્યા પણ રહી ન હોત. જેતે વખતે જી.ડી.હાઈસ્કુલને પણ ટ્રસ્ટમાં લઈ જવાની પેરવી થઈ હતી. જેનો પણ વિરોધ કરતા અત્યારે જી.ડી.હાઈસ્કુલ બચી છે. એમ.એન.કોલેજના હિત માટે વર્ષોથી લડતા આવ્યા છીએ અને જરૂર પડે લડત આપીશુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us