Select Page

ડીડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન માટે રૂા. ૧૯ર કરોડ ફાળવાયા
ખેરાલુ તા.ના ૭ ગામને આગામી વર્ષોમાં સિંચાઈનો લાભ

ડીડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન માટે રૂા. ૧૯ર કરોડ ફાળવાયા<br>ખેરાલુ તા.ના ૭ ગામને આગામી વર્ષોમાં સિંચાઈનો લાભ

ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા રૂા.૩૧૭/- કરોડ રૂપિયાના ખર્ચે પ૪ ગામોના તળાવો ભરવાની યોજના બનાવી હતી. જેની જાહેરાત તત્કાલીન સિંચાઈ મંત્રી તથા હાલના કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ખેરાલુ ખાતે કરાઈ હતી. ત્યારબાદ ટેન્ડરીંગ કરવા માટે નાણા વિભાગમાં આ દરખાસ્ત મોકલવામાં આવી હતી. પરંતુ આયોજનમાં માત્ર રૂા. ૧૩૧ કરોડનો ખર્ચ કરવાની સૈધ્ધાંતિક મંજુરી મળી હતી. નાણાની જોગવાઈના અભાવે યોજના અટવાઈ ગઈ હતી. આ દરમ્યાન વિધાનસભાની ચુંટણી આવતી હતી. ખેરાલુ વિધાનસભામાં જાહેર કાર્યક્રમોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપર ભારે આક્ષેપો થયા. ત્યારબાદ વિધાનસભાની ચુંટણી આવી જેથી યોજનાની ગ્રાન્ટ ફાળવણી અટવાઈ હતી. વિધાનસભાની ચુંટણી પછી નવી સરકારનું પ્રથમ બજેટ બહાર પડયુ. ખેરાલુ સતલાસણા તાલુકાના તમામ ખેડુતો કાગડોળે વાટ જોતા હતા કે બજેટમાં રૂા.૩૧૭ કરોડની યોજનાની જાહેરાત થશે. પરંતુ બિન સત્તાવાર જાણવા મળ્યા પ્રમાણે અગાઉ રૂા. ૧૩૧ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ તે યોજનાને રૂા. ૩૧૭ કરોડની કરી દીધી પરંતુ હજુ સુધી સૈધ્ધાંતિક મંજુરી અપાઈ જ નથી જેથી હવે આવતા વર્ષના બજેટમાં મંજુરી મળે તેવી ચર્ચાઓ શરુ થઈ છે. ત્યારે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ડીડરોલ-મોકેશ્વરની ૩૩ કી.મીની પાઈપલાઈનમાં ૧૦૦ ક્યુસેક પાણી છોડવા રૂા. ૧૯ર/- કરોડ ફાળવતા ખેરાલુ તાલુકાના ફતેપુરા, વિઠોડા, સંતોકપુર, ચાણસોલ, ખેરાલુ સહીત સાત ગામોને સિંચાઈના પાણીનો લાભ મળશે.
કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ૪૧ તળાવો ભરવા ૩૩ કી.મી. પાઈપ લાઈનમાં ૧૦૦ કયુસેક પાણી પંપીંગ કરી મુક્તેશ્વર ડેમમાં નંખાશે
ડીડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામો માટે ચાલુ નાણાકીય બજેટ ર૦ર૩-ર૪ માં રૂા. ૧૯ર/- કરોડની ફાળવણી થતા સિધ્ધપુર તાલુકાના લુખાસણ-નાગવાસણ વચ્ચે સરસ્વતી નદી પર આવેલ ઉમરેચા ચેકડેમ સાથે કાકોશી, સદેસા, જાફરીપુરા, મામવાડા, ડુંગરીયાસણ સહીત પાંચ ગામના ૯ તળાવો વડગામ તાલુકાના રર ગામોના ૩ર તળાવો સાથે કુલ ૪૧ તળાવો ડીંડરોલથી મુક્તેશ્વર ડેમ સુધી ૩૩ કીલો મીટર પાઈપ લાઈન દ્વારા ૧૦૦ ક્યુસેક પાણી પંપીંગ કરી મુક્તેશ્વર ડેમમાં નાંખવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીની પાઈપ લાઈનો જયાં પણ ગુજરાતમાં પસાર થાય ત્યાં ત્રણ કી.મી. વિસ્તારમાં આવતા ગામોના તળાવો પણ ભરવાનું આયોજન કરાશે. જેના માટે અંદાજિત રૂા. રર૯.૪૦ કરોડની ફાળવણી થશે. મુક્તેશ્વર ડેમ સજીવન થવાની સરસ્વતી નદી પણ રિચાર્જ થશે. મુક્તેશ્વર ડેમ કાયમ ભરેલો રહેવાથી ખેરાલુ તાલુકાના સાત ગામોને પણ નિયમિત સિંચાઈનો લાભ મળશે. આ યોજનાથી ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવરમાં પણ દર ચોમાસામાં ઓવરફલો પાણીથી લાભ મળશે. ખેરાલુ તાલુકાના સાત ગામોના લોકોએ સિધ્ધપુર ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનો જાહેર આભાર કાર્યક્રમ યોજાવો જોઈએ. બલવંતસિંહ રાજપૂતે મંજુર કરેલ ડીંડરોલ- મોકેશ્વર પાઈપ લાઈનથી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના ગામ ફતેપુરાને પણ સિંચાઈનો લાભ મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us