Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઈમેજને દાગ લગાવતો આક્ષેપ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઈમેજને દાગ લગાવતો આક્ષેપ

યાત્રાધામ અંબાજી ચીક્કીના પ્રસાદના વિવાદમાં

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિવાદમાં સરકારના પ્રવક્તા મંત્રી તેમજ વિસનગરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ચીક્કીના પ્રસાદના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. લોકોની આસ્થાને ઠેસ પહોચાડતા આ નિવેદન બાદ પ્રવક્તા મંત્રી ઉપર લોકોનો રોષ જોવા મળ્યો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઈમેજને દાગ લગાવતો એવો પણ આક્ષેપ થયો હતો કે ચીક્કીની ફેક્ટરી ધરાવતા સગાને લાભ કરાવવા મોહનથાળ બંધ કરવામાં આવ્યો છે.
ઋષિભાઈ પટેલ ગત ટર્મમાં સવા વર્ષ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી જે પણ ભલામણ લઈને ગયુ તેના કામ થયા છે. વિધાનસભાની ચુંટણી બાદ કેબીનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ અત્યારે નજીકના કાર્યકરો સહીત મોટાભાગના કાર્યકરો કામ થતા નહી હોવાનો ગણગણાટ વ્યક્ત કરી રહ્યા છે. વિસનગરના ધારાસભ્ય કેબીનેટ મંત્રી બનશે અને કોઈ સગા સબંધીનુ કામ નિકળશે તેવી આશાઓ નિરાશામાં પરિણમી છે. કેબીનેટ મંત્રીની ઓફીસમાં કામ થાય છે અને લોકોની ભલામણો પણ સંભળાય છે. ત્યારે વિસનગરનાજ ભાજપના કાર્યકરો અને આગેવાનોના કામ થતા નહી હોવાનો અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ હજુ ત્રણ માસનો પણ સમય થયો નથી ત્યારે મતદારો અને કાર્યકરોનો વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ નિવડેલા કેબીનેટ મંત્રી યાત્રાધામ અંબાજીના ચીક્કીના વિવાદમાં બરોબરના સપડાયા છે. ખોટાને ખોટુ કહેવાની નૈતિકતા તો હોવીજ જોઈએ. પછી પ્રજા વચ્ચે બેઠા હોઈએ કે સરકારમાં બેઠા હોઈએ. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાના સરકારના નિર્ણયનો ચોમેરથી વિરોધ થયો હતો. હિન્દુ સંસ્કૃતિ અને હિંદુઓની રક્ષા કરવાની વાતો કરતી ભાજપ સરકારમાંજ હિન્દુઓની આસ્થા ઉપર વજ્રઘાત કરતી ભાજપની આ સરકાર મોઘલ રાજાઓ કરતા પણ કૃર હોવાનો અનુભવ થયો.
આ વિવાદમાં સરકારના પ્રવક્તા મંત્રી વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, શ્રધ્ધાળુઓને પ્રસાદમાં ચીક્કી જ મળશે, મોહનથાળ મળશે નહી. આ પ્રસાદ એ બજારમાં મળતી ચીક્કી નથી. પ્રસાદની ચીક્કી એ આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનતુ મિષ્ઠાન છે. માતાજીના પ્રસાદમાં સ્વાદ નહી પરંતુ ભક્તોના ભાવનુ મહત્વ છે. ઋષિભાઈ પટેલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં આક્ષેપ થયો હતો કે ચીક્કીની ફેક્ટરી ધરાવતા નજીકના સગાને લાભ કરી આપવા માટે મોહનથાળ બંધ કરાવી ચીક્કીનો વેપલો ચાલુ કરાયો છે. વર્ષે કરોડો રૂપિયાનો મોહનથાળ પ્રસાદી રૂપે વેચાણ થાય છે. લાલચુઓની દાનત બગડતા મોહનથાળ બંધ કરાવ્યો અને ચીક્કી શરૂ કરવામાં આવી. જોકે સરકારે ચીક્કી સાથે મોહનથાળનો પ્રસાદ પણ શરૂ કરવાનો પાછળથી નિર્ણય કર્યો હતો.
વિધાનસભાની ચુંટણી દરમ્યાન પણ ઋષિભાઈ પટેલ વિરુધ્ધ ગેરરીતીના ઘણા આક્ષેપ થયા હતા. જોકે આ આક્ષેપ આક્ષેપ પુરતાજ સીમીત રહ્યા હતા. નવી સરકારમાં કેબીનેટ મંત્રીનો હોદ્દો સંભાળ્યા બાદ હજુ ત્રણ માસ પણ થયા નથી ત્યારે આક્ષેપ શરૂ થતા ખાસ કરીને વિસનગરમાં ચકચાર જાગી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us