Select Page

વિસનગર કડામાં જીલ્લાનો સૌપ્રથમ H3N2 પોઝીટીવ કેસ

છ માસ બાદ કોવિડ પોઝીટીવ કેસ નોધાયો

  • તાલુકા આરોગ્ય વિભાગની તપાસમાં ઈન્ફ્લુએન્જા કેસમાં A કેટેગરીના પાંચ તથા B કેટેગરીના ૩ દર્દિ મળ્યા

વિસનગર તાલુકામા ઘણા લાબા સમય બાદ કોવિડ પોઝીટીવનો એક કેસ તથા જીલ્લામાં સૌપ્રથમ વિસનગર તાલુકાના ગામમાં H3N2 પોઝીટીવ કેસ સામે આવતો આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી તેજ બનાવવામાં આવી છે. શરદી, તાવ, ઉધરસ થઈ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
કોરોના કાળના લાબા સમય બાદ અત્યારે લોકો રોગચાળાનો બેવડો માર સહન કરી રહ્યા છે. ઈન્ફ્લુએન્જાના H3N2 વાયરસની સાથે કોવિડ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધારો થતા લોકો ફરીથી ચીંતામાં મુકાયા છે. ઓગષ્ટ ૨૦૨૨ માં છેલ્લે વિસનગરમાં કોવિડ પોઝીટીવ કેસ જોવા મળ્યો હતો. છ માસ બાદ તાલુકાના ગુંજાળા ગામમાં કોવિડ પોઝીટીવ કેસ નોધાયો છે. ગુંજાળા ગામના ૩૫ વર્ષના યુવાનને શરદી, તાવ અને ઉધરસ શરૂ થતા મહેસાણા સિવિલમાં તપાસ કરાવી હતી. આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. દર્દિ હાલ હોમ આઈસોલેશનમાં છે. આરોગ્યની ટીમે સર્વેલન્સ હાથ ધરતા બીજો કોઈ કેસ જોવા નહી મળતા હાલ પૂરતો હાશકારો અનુભવ્યો છે. જોકે જીલ્લામાં થતા ટેસ્ટમાં રોજના ૮ થી ૧૦ પોઝીટીવ કેસ નોધાતા સતર્ક રહેવુ જરૂરી છે.
અત્યારે કોવિડ કરતા ઈન્ફ્લુએન્જાના વાયરસે હાહાકાર મચાવ્યો છે. શરદી તથા સખ્ત ઉધરસના દર્દિઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. H3N2 વાયરસ સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ લાલબત્તી ધરી છે. વિસનગર તાલુકાના કડા ગામના ૬૫ વર્ષના વૃધ્ધ કાકાને બે દિવસથી ઉધરસ, માથામાં દુઃખાવો, ગળામાં દુઃખાવો, નાકમાંથી પાણી પડવાની બીમારી થતા લાયન્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યા સેમ્પલ લેવામાં આવતા મહેસાણા જીલ્લામાં સૌપ્રથમ H3N2 નો કેસ નોધાયો હતો. વિસનગર તાલુકાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે દર્દિના રહેણાંક વિસ્તારમાં તપાસ કરતા A કેટેગરીના પાંચ અને B કેટેગરીના ત્રણ દર્દિ જોવા મળ્યા હતા. જે તમામને સારવાર આપી હતી.
ઈન્ફ્લુએન્જા કેસમાં A, B અને C કેટેગરીની સમજ આપતા વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ હતુ કે, A કેટેગરીમાં જીર્ણ તાવ, ઉધરસ, ગળામાં દુઃખાવો, શરીરમાં કળતરના લક્ષણો જોવા મળે છે. B કેટેગરીમાં A કેટેગરી સાથે સખત તાવ, ગળામાં અવાજ બેસી જવો, ગળામાં સોજો આવવાના લક્ષણો જોવા મળે છે. B કેટેગરી સુધી કોઈ ટેસ્ટીંગ કરવાનુ રહેતુ નથી. જ્યારે C કેટેગરીમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો, બી.પી. ઘટી જાય, નખ બ્લ્યુ કલરના થઈ જાય, ગળફામાં લોહી આવે તેવા લક્ષણો જોવા મળે છે. C કેટેગરીમાં હોસ્પિટલમાં દાખલ થવુ જરૂરી છે. B અને C કેટેગરીમાં ટેમીફ્લુ ટેબલેટ આપવામાં આવે છે જે દરેક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જનરલ હોસ્પિટલમાં મળે છે. સાવચેતીમાં કોવિડના પ્રોટોકોલ મુજબ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, સેનેટાઈજરનો ઉપયોગ કરવા તેમજ સામાજીક અંતર જાળવવા જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us