સમગ્ર ગુજરાતમાં રાજકીય ડંકો વગાડનાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની પ્રદેશ ભાજપ કારોબારીમાં સદસ્ય તરીકે વરણી
ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તેમજ ગુજરાતના જાણીતા લોકપ્રિય રાજનેતા જયરાજસિંહ પી.પરમારની ગુજરાત પ્રદેશ ભાજપની પ્રદેશ કારોબારીમાં સદસ્ય તરીકે વરણી કરી પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવતા રાજપુત સમાજ સહિત દરેક સમાજના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે જયરાજસિંહ પરમારની રાજકીય ચાણક્ય નિતિ અને વર્ષોના રાજકીય બહોળા અનુભવથી આગામી ચુંટણીઓમાં ભાજપને મોટો ફાયદો થશે તેવુ રાજકીય વિષ્લેષકો માની રહ્યાછે.
ગુજરાતમાં કોંગ્રેસના અનેક દિગ્ગજો ભાજપમાં જોડાયા છે, પરંતુ ભાજપ સંગઠનમાં સમગ્ર ગુજરાતમાં જયરાજસિંહ પરમાર જેવું કોઈને પ્રતિષ્ઠા ભર્યું સ્થાન મળ્યું નથી
વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને રાજકીય ક્ષેત્રે વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલા જયરાજસિંહજી પ્રતાપસિંહજી પરમાર આજે સમગ્ર ગુજરાતમાં જાણીતા લોકપ્રિય રાજકારણી કહેવાય છે. અગાઉ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પાર્ટી માટે સતત ૩૭ વર્ષ સુધી એક વફાદાર સૈનિકની જેમ કામ કર્યુ હતુ. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમની કદર કરવાને બદલે સતત અવગણના કરતા વર્ષ ૨૦૨૨માં તેઓએ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારબાદ જયરાજસિંહ પરમારે બહોળા રાજકીય અનુભવ અને અંગત સબંધોથી કોંગ્રેસના અદના નેતાઓને પણ ભાજપમાં જોડી કોંગ્રેસને પોતાની રાજકીય શક્તિનો અનુભવ કરાવ્યો હતો. જયરાજસિંહ પરમારની રાજકીય ચાણક્યનિતિ અને પાર્ટી પ્રત્યેની વફાદારીને જોઈને ભાજપ હાઈકમાન્ડે તેમને ભાજપના પ્રદેશ પ્રવક્તા તરીકેની મહત્વની જવાબદારી સોંપી હતી. જોકે જયરાજસિંહ પરમાર અત્યારે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો એક મોટો કદાવર રાજકીય ચહેરો માનવામાં આવે છે. જયરાજસિંહ પરમારે પોતાની ૪૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી કે જ્ઞાતિવાદ રાખ્યા વગર પ્રજાના કામો કરી દરેક સમાજમાં લોકચાહના મેળવી છે. જયરાજસિંહ પરમારના રાજકીય બહોળા અનુભવ અને લોકચાહનાને ધ્યાને રાખી ભાજપ હાઈકમાન્ડે તેમની ગુજરાત પ્રદેશ ભાજપની પ્રદેશ કારોબારીમાં સદસ્ય તરીકે વરણી કરી પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી સોંપી છે. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસના અનેક દિગ્ગજો ભાજપમાં જોડાયા છે. પરંતુ કોઈપણને ભાજપ સંગઠનમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું નથી ત્યારે જયરાજસિંહ પરમારને પ્રદેશ કારોબારીમાં સ્થાન મળતા તેમણે પોતાની રાજકીય કાબેલિયત સાબિત કરી બતાવી છે.