મા-બાપ વિહોણી છ દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્ન
માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના સેવા કાર્યને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા
મા-બાપ વિહોણી જરૂરીયાતમંદ પરિવારની છ દિકરીઓના સમુહલગ્ન કરનાર વિસનગરની માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના આ સેવા કાર્યને સર્વ સમાજ દ્વારા આવકાર મળી રહ્યો છે. ૨૭ જેટલી સહયોગી સંસ્થાઓના સહકારથી આ કાર્ય સફળ બન્યુ હતુ. માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના કાર્યની સેવાની સુવાસ હવે ગુજરાતભરમાં ફેલાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંસ્થાને અભિનંદન પાઠવી સાર્વજનિક સમુહલગ્નની સરાહના કરી હતી.
ગરીબ પરિવારની અને એ પણ માતા-પિતા વગરની દિકરીઓના લગ્ન કઈ રીતે થાય? ત્યારે વિસ્તારની સેવાભાવી સંસ્થા તેમજ વર્ષોથી વિવિધ સમાજ સેવાના પ્રકલ્પો કરનાર માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ વૈદ્ય અને તેમની ટીમે વિસનગરમા સાર્વજનિક સમુહલગ્નનુ આયોજન કરી અન્ય સંસ્થાઓને પણ નવો રાહ ચિન્ધ્યો છે. જાતિ-જ્ઞાતિમા વહેચાયેલા સમાજમાં મોટા ભાગના લોકો તેમના સમાજનીજ ચિંતા કરતા હોય છે. જ્યારે માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટે કોઈ એક જ્ઞાતિ નહી પરંતુ સમગ્ર સમાજની અને એ પણ માતા-પિતા વિહોણી ગરીબ દિકરીઓની ચિંતા કરી સમુહલગ્નનુ જે આયોજન કર્યુ તે અભિનંદનને પાત્ર છે.
સંસ્થાના છેલ્લા બે-ત્રણ માસની મહેનત બાદ તા.૧૭-૧૧-૨૦૨૪ને રવિવારના રોજ જી.ડી.હાઈસ્કુલના મેદાનમાં સેનમા, લુહાર, વાસફોડા અને રાવળ સમાજની જરૂરીયાતમંદ પરિવારની છ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મહત્વની બાબત એ છે કે, શરૂઆતમાં સંસ્થાની સહકાર તેમજ મદદ માટે વિનંતી હતી. પરંતુ સમુહલગ્ન નજદીક આવતા અન્ય દિકરીઓ પણ તૈયાર થઈ હતી અને દાતાઓનો સંપર્ક વધ્યો હતો. પરંતુ આયોજનમા પહોચીવળાય તેમ ન હોઈ આવતા વર્ષે યોજાનાર સર્વજ્ઞાતિય સમુહલગ્નમા ભાગ લેવા વિનંતી કરાઈ હતી તેમ છતાં આ સમુહલગ્નમાં ૧૧૧ જેટલા દાતાઓ દ્વારા કન્યાદાનની ભેટ આપવામાં આવી હતી.
મા-બાપ વગરની એ પણ જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓના સમુહલગ્નમાં
વિસનગરના મેલાજી સેંધાજી ઠાકોર (ભગત)એ મામેરૂ કરી દરેક દિકરીઓને લોખંડની મોટી તિજોરી અને પહેરામણી પેટે રૂા.૧૧૦૦નુ કવર આપવામાં આવ્યુ હતુ. જ્યારે પ.પુ.મહંતશ્રી મહેશપુરી બાપુજી મેલડી માતાનો મઠ ખણુસા દ્વારા ભોજન સમારંભનુ સૌજન્ય આપવામાં આવ્યુ હતુ. આ સીવાય દાતાઓ દ્વારા ચાંદીનુ મંગળસુત્ર, ચાંદીની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, ચાંદીના વેટલા, સોનાની ચુની, પાનેતર, રસોડા સેટ, ટ્રોલી બેગ, ફેન્સી વીંટી, રોકડ, દુલ્હન સેટ, હાથના ચુડા, હાથની કડલી, ડ્રેસ, સ્ટીલની તપેલી, નાસ્તાની ડીસો, જેન્ટ્સ ઘડીયાળ, લેડીઝ ઘડીયાળ, દિવાલ ઘડિયાળ, ઈલેક્ટ્રીક ઈસ્ત્રી, બ્લેન્ડર, સ્ટીલના ડબ્બા સેટ, મા માટલુ, મા માટલામાં મિઠાઈ, સ્ટીલનુ બેડુ, મલ્ટી કુકર, સ્ટીલની થાળી વાટકી, કુકર, મિક્ષર, ટેબલ ફેન, બંગડી તથા મેકઅપ બોક્ષ, લેડીઝ ચંમ્પલ, સુટકેશ, લગ્નના ટંક, પ્લાસ્ટીક ખુરશી, ટીપોઈ, સ્ટીલ બરણી, મસાલીયુ, કથરોટ, ટીફીન, ગાદલા, ઓશીકા, તાંબાનો લોટો, અખંડ દિવો, પુજાની થાળી, બાજોઠ વિગેરે અઢળક વસ્તુઓ આપી પારકી દિકરીઓના લગ્નમાં સહભાગી બન્યા હતા. મંડપ, ફટાકડા, લગ્ન કંકોત્રી, મિનરલ પાણી, ફોટો અને વિડોયોગ્રાફી વિગેરે સુવિધા માટે પણ દાન મળ્યુ હતુ. લગ્ન ગ્રંથીથી જોડાનાર દિકરીઓએ માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટે મા બાપની ખોટ પુરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટના સાર્વજનિક સમુહલગ્નને આવકારતા વિસનગરના ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો કે, સાંપ્રત સમાજમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નનુ આયોજનએ ખરેખર ખુબજ પ્રશંસનીય અને આવકારદાયક છે. જ્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અને સાંસદ હરિભાઈ પટેલે પણ સંસ્થાના આ નવતર અભિગમને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.