Select Page

કેબીનેટ મંત્રીનો લાભ લઈ શહેરનો વિકાસ કરો

વિસનગર પાલિકાની જનરલમાં વિરોધપક્ષના નેતાની ટકોર

  • શહેરની ગટર માટે જી.યુ.ડી.સી. દ્વારા ફરીથી સર્વે કરવામાં આવ્યો છે-પક્ષના નેતા અમાજી ઠાકોર
  • મહેસાણા રોડ વહેળામાં બનતા નાળાનો સખ્ત વિરોધ છે-બાંધકામ ચેરમેન
  • જેમ પોર્ટલ કમિટીની મંજુરી બાદ સ્વચ્છતાની લારીઓ બાબતનો વિવાદ તથ્યહિન-ઉપપ્રમુખ
ભાજપ શાસીત વિસનગર પાલિકામાં સભ્યોના અંદરો અંદરના વિખવાદના કારણે કેબીનેટ મંત્રીના હોદ્દાનો લાભ શહેરને મળી શક્યો નથી. વિધાનસભાની ચુંટણી બાદ વિસનગરને સેકન્ડ સી.એમ.ની જવાબદારી મળી છે તેમ છતા શહેરમાં મહત્વના વિકાસ માટેની કોઈ નક્કર કામગીરી આગળ વધતી જોવા મળી નથી. વિસનગર શહેરે ભાજપને લીડ આપી છે તેમ છતા શહેરની જનતાને કોઈ સુવિધા મળી નથી. જેની ચર્ચા વિસનગર પાલિકાની જનરલમાં જોવા મળી હતી. વિરોધપક્ષના નેતાએ ટકોર કરી હતી કે કેબીનેટ મંત્રીનો લાભ લઈને શહેરનો અન્ય શહેરોની જેમ વિકાસ કરો. ત્યારે કેબીનેટ મંત્રીના પસંદગીના સભ્યોને શહેરના વિકાસમાં કોઈ રસ નથી.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન આશાબેન પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર તથા સભ્યોની ઉપસ્થિતિમાં તા.૩૧-૧-૨૦૨૩ ના રોજ પાલિકાની જનરલ સભા મળી હતી. જનરલ સભામાં એજન્ડાના ૫૯ ઠરાવો ઉપર ચર્ચા કરી મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ સ્થાને રજુ થયેલા ૧૦ ઠરાવમાં મહેસાણા રોડ ઉપર વહેળામાં બનાવવામાં આવેલ નાળાની એન.ઓ.સી. આપવાનો તથા ગત બોર્ડમાં હિરો હોન્ડા શો-રૂમ પાસેના રસ્તામાં થયેલ કામગીરીનુ પેમેન્ટ આપવાનો ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચુંટણી બાદની આ પ્રથમ જનરલ હતી. જેમાં વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારીએ ઝીરો અવર્સમાં બોલતા જણાવ્યુ હતું કે, મહેસાણા રોડ ઉપર વરસાદી વહેળામાં પાણી ગાળી ન શકે તેવા નાળા બને છે. જેનાથી શહેરને મોટુ નુકશાન ન થાય તે ખાસ ધ્યાન રાખવું. શહેરમાં ગટર લાઈનનો ગંભીર પ્રશ્ન છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં ગટરનુ પાણી ખુલ્લામાં વહેતા દુર્ગંધ મારી રહી છે. ગટરની સફાઈ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવતી નથી. વિસનગરના ધારાસભ્ય કેબીનેટ મંત્રી બન્યા છે ત્યારે તેમનો લાભ લઈને સમગ્ર બોર્ડ ભેગા થઈને આવનાર બોર્ડ યાદ કરે તેવો વિકાસ કરવો જોઈએ. બીજા શહેરની હરોળમાં વિસનગર શહેર આવે તેવો વિકાસ કરવા વિરોધપક્ષના નેતાએ સુચનો કર્યા હતા.
ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે સ્વચ્છતા વિભાગમાં હાથ લારીઓની ખરીદી બાબતે થયેલા વિવાદમાં જણાવ્યુ હતું કે, જેમ પોર્ટલમાં ટેન્ડર પ્રક્રીયા કરી જેમ પોર્ટલ કમીટીની મંજુરી બાદ હાથલારી ખરીદવામાં આવી છે. પછી આ પ્રક્રીયાનો વિરોધ કરવો તે તથ્ય વગરનો છે. વિપક્ષ લારીઓનુ વજન કરે અને વજન કિંમત કરતા ઓછુ નિકળે તો યોગ્ય કાર્યવાહી કરી શકે છે. જોકે સ્વચ્છતાની લારીઓનો ખુલાસો ઉપપ્રમુખે કેમ કર્યો તેનો ગણગણાટ જોવા મળ્યો હતો. ઉપપ્રમુખે ગત બોર્ડમાં હિરો હોન્ડા શોરૂમ બાજુના રસ્તામાં થયેલી કામગીરીનુ રોકાયેલ પેમેન્ટ મંજુર કરવાના પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા ઠરાવ બાબતે જનરલમાં જણાવ્યુ હતું કે, આ વિવાદ કમિશ્નર કચેરીમાં ચાલે છે. કમિશ્નર કચેરીનો નિર્ણય આવશે તે પ્રમાણે પેમેન્ટની કાર્યવાહી કરવાની રહેશે. જી.યુ.ડી.સી.નો કોન્ટ્રાક્ટર કામ કરવા માગતો નહી હોવાથી જેટીંગ તથા અન્ય મશીનરી પાલિકા હસ્તગત કરવા જનરલમાં રજુઆત કરી હતી.
બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલે નાળાને એન.ઓ.સી. આપવાના પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા ઠરાવનો વિરોધ કરતા જણાવ્યુ હતું કે, બોર્ડ આવો કોઈપણ ઠરાવ કરવા માગતુ નથી. જેનો સંકલનમાં પણ વિરોધ કર્યો હતો. પક્ષના નેતા અમાજી ઠાકોરે ગટરલાઈન બાબતે જનરલમાં જાણ કરી હતી કે સમગ્ર શહેરની ગટરલાઈન માટે જી.યુ.ડી.સી. દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. નવી ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us