હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડી ભાજપે અહમ પોષ્યો-ચીક્કીની પ્રસાદીની એન્ટ્રી
અભિમાન લંકાપતિ રાજા રાવણનુ ટક્યુ નહોતુ તો ૧૫૬ ની શુ વિસાત…
તંત્રી સ્થાનેથી…
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં ભ્રષ્ટાચાર વધતા તેમજ ભાજપના કાર્યકરો અને પ્રજાના કામ નહી થતા હોવાની બુમરાણ મચતા દિલ્હીમાં વૉચ રાખીને બેઠેલા ભાજપના મોવડી મંડળે આખી સરકાર બદલી નાખી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રી મંડળે સવા વર્ષ મહેનત કરી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરતા તેમજ વિધાનસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર માટે ગુજરાત ઘમરોળતા ભાજપને ૧૫૬ સીટ મળી. ઐતિહાસિક જીત મેળવ્યા બાદ લોક વિશ્વાસ કેળવવાની જગ્યાએ ૧૫૬ ના નશામાં ગુજરાતની ભાજપ સરકારે ફક્ત અઢી માસના શાસનમાં પોતાનુ પોત પ્રકાશ્યુ છે. સરકાર પોતેજ સર્વસ્વ છે તેવા ગુમાનમાં હિન્દુઓની આસ્થા સાથે ખીલવાર કરી યાત્રાધામ અંબાજીમાં વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ બંધ કરી સીંગની ચીક્કીના પ્રસાદનો ખોટો વિવાદ ઉભો કર્યો. મોહનથાળનો પ્રસાદ વર્ષોથી બનાવવામાં આવે છે અને આપવામાં આવે છે. કાગળનુ બોક્ષ ઘી પી જતુ હોવાથી બોક્ષ બદલવાના વિવાદ થયા છે, પરંતુ મોહનથાળ બગડી જવાનો કે મોહનથાળનો પ્રસાદ બદલવાની માગણી ક્યારેય થઈ નથી. પરંતુ જ્યારે પોતેજ સર્વસ્વ છે તેવુ અભિમાન આવે છે ત્યારે બુધ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને વિનાશકાળે વિપરીત બુધ્ધિ થતી હોય છે. સીંગની ચીક્કીના પ્રસાદ માટે કોઈ ભક્તએ ક્યારેય માગણી કરી હોય તેવુ જાણવા મળ્યુ નથી. છતા ૧ લી માર્ચથી ભાજપના શાસને વર્ષોની પરંપરા તોડી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કર્યો. ૧૫૬ ની બહુમતીથી તાકાત હોય તો ભાજપ મુસ્લીમ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન મજાર કે દરગાહમાં ચાલતી પરંપરાને બદલવાની હિમ્મત કરી બતાવે. વિશ્વ હિન્દુ પરિષદે તો એ પણ ટોણો માર્યો હતો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ મહુડીમાં ચાલતા સુખડીના પ્રસાદની પરંપરાને બદલીને બતાવે. યાત્રાધામ અંબાજીમાં કોની ભ્રષ્ટ નિતિથી મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો અને ચીક્કીનો પ્રસાદ શરૂ કરાયો તેની ચર્ચા સાથે સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થયો. જેના કારણે ભાજપ સત્તા ઉપર પહોચ્યુ એ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓની આસ્થા સમાન પ્રસાદ માટે લડત શરૂ કરી. યાત્રાધામ અંબાજીના વેપારીઓમાં ચીક્કીના પ્રસાદનો વિરોધ થયો અને એક દિવસ અંબાજી બંધ રાખ્યુ. વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ભારે વિરોધ કર્યો. વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ મોહનથાળ પ્રસાદ બંધ કરવાના સરકારના નિર્ણય સામે પસ્તાળ પાડી. ત્યારે વિસનગરના ધારાસભ્ય તેમજ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિભાઈ પટેલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રસાદમાં ચીક્કીજ મળશે હવે મોહનથાળ મળશે નહી તેમ કહી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. એટલુજ નહી પરંતુ મોહનથાળ પ્રસાદ બગડી જાય છે તેમ કહી પ્રસાદનુ પણ અપમાન કર્યુ. અંબાજી મંદિરમાં રોજેરોજ મોહનથાળ પ્રસાદ બનાવાય છે અને માતાજીને થાળી ધરાવ્યા બાદ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતા માતાજીએ પણ પરચો આપ્યો. પ્રસાદના વિવાદના સમય દરમ્યાન માતાજીની ધજા બે વાર ફાટી, ગર્ભગૃહમાં આગ લાગી, યંત્ર પણ તુટ્યુ છતા અમે તો ૧૫૬ વાળા શેના નમીએ? તેવા અભિમાનમાં ભાજપ સરકાર પ્રસાદમાં ચીક્કીના નિર્ણયને વળગી રહી. કોંગ્રેસના ધારાસભ્યો સાથે કેટલાક ભાજપના ધારાસભ્યોનુ પણ મોહનથાળનો પ્રસાદજ હોવો જોઈએ, બંધ કરવો જોઈએ નહી તેવુ મંતવ્ય હતુ. લોકશાહીમાં છેવટે તો પ્રજાજ સર્વોપરી છે. ભાજપ સરકાર સામે વિરોધના વંટોળથી છેવટે સરકારે નમતુ જોખ્યુ સાથે પોતાનો અહમ પણ પોષ્યો. ચીક્કીનો પ્રસાદ ચાલુ રાખ્યો અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કર્યો. પ્રસાદ બદલવાનો નિર્ણય દેવસ્થાન ટ્રસ્ટનો હતો એમ કહી ભાજપ સરકારે કાચંડાની જેમ રંગ બદલી વિવાદનુ ઠીકરૂ ટ્રસ્ટ ઉપર ફોડ્યુ. પરંતુ બહુમતીના અભિમાનમાં રાચતા ભાજપના ૧૫૬ ધારાસભ્યોએ એ ક્યારેય નથી ભુલવાનુ કે અભિમાન તો લંકાપતિ રાજા રાવણનુ પણ ટક્યુ નહોતુ.