Select Page

ઐતિહાસિક દેળીયા અને પીંડારીયા તળાવની બદતર હાલત

ઐતિહાસિક દેળીયા અને પીંડારીયા તળાવની બદતર હાલત

શહેરને આગવી ઓળખ આપવામાં પાલિકા ઉદાસીન

  • તળાવોની સફાઈ અને મરમ્મત કરવા પાલિકા સભ્ય તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલની પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરને રજુઆત

વિકાસમાં નિષ્ફળ નિવડેલ વિસનગર પાલિકા તંત્ર શહેરની સુંદરતા અકબંધ રાખવામાં પણ નિષ્ફળ ગયુ છે. શહેરના ઐતિહાસિક બે તળાવોની એટલી બદ્દતર હાલત છેકે હરવા ફરવા લાયક રહ્યા નથી. તળાવો ગંદકીથી ખદબદી રહ્યા છે અને સફાઈના અભાવે ઝાડી જાંખરા ઉગી નિકળ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલે બન્ને તળાવની મરમ્મત માટે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
વિસનગર પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા સભ્યો વિકાસ કરવામાં સદ્‌ત્તર નિષ્ફળ ગયા છે. શહેરમાં હરવા ફરવા લાયક એક બાગ અને બે તળાવ છે. જેમાં બન્ને તળાવની હાલત અત્યારે ખુબજ ખરાબ છે. ઐતિહાસિક દેળીયા તળાવમાં દરેક ઘાટ ઉપર ખુબજ ગંદકી જોવા મળી રહી છે. તળાવની સુંદરતા વધારતા નગીનાવાડીમાં ઝાડી જાંખરા ઉગી નિકળ્યા છે. પાલિકા દ્વારા તળાવ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં સફાઈ કરવામાં આવી નથી પરંતુ કેટલુક બીલ ચુકવાઈ ગયુ હોવાનું જાણવા મળ્યુ છે. વખતોવખત ટેન્ડર તળાવની સફાઈ કરવા માટે નહી પરંતુ ભ્રષ્ટાચાર કરવા માટે પડે છે. બીલો ચુકવાય છે પણ સફાઈ થતી નથી. તળાવના કિનારે આવેલા છબીલા હનુમાનદાદાના મંદિરે આવનાર દર્શનાર્થીઓ તળાવની બદ્દત્તર હાલત જોઈ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
બીજુ ઐતિહાસિક પીંડારીયા તળાવમાં આગવી ઓળખની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાંથી બ્યુટીફીકેશન કરવામાં આવ્યુ હતુ. તળાવના વિકાસ બાદ અને કિનારે મુકવામાં આવેલ સાધનોના કારણે પીંડારીયા તળાવ પીકનીક સ્થળ બની ગયુ હતુ. પરંતુ પાલિકા તંત્રની ઉદાસીનતાથી આ તળાવની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે તળાવની પાળ તુટી ગઈ હતી. તળાવની મુખ્ય દરવાજા સામેની પાળ તુટવાના આરે છે. પરંતુ પાલિકા દ્વારા તળાવના પાળની નવી દિવાલ બનાવવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ નથી. તળાવના કિનારે પથ્થરની બે ગાયની પ્રતિમા હતી. જેમાંથી એક ગાયની પ્રતિમા તુટીને પડી છે. જૈસે થે હાલત જોઈને એમ કહી શકાય કે પાલિકાને તળાવના વિકાસમાં કંઈ પડી નથી. વિધાનસભાની ચુંટણી પહેલા પીંડારીયા તળાવ કિનારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપની ટીફીન બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સફાઈ થઈ નથી. ટીફીન બેઠકમાં સ્થળ નિરિક્ષણ કરીને સુચનો કરાયા હતા. પરંતુ કોઈ અમલ થયો નથી. બન્ને ઐતિહાસિક તળાવો હરવા ફરવાનું સ્થળ બને તેવો વિકાસ થાય તે માટે પાલિકા સભ્ય તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ દ્વારા પાલિકામાં રજુઆત કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us