સાંકળચંદ યુનિવર્સિટીમાં SC,STના ભૂતિયા એડમિશનના કૌભાંડની ચર્ચા
સરકાર દ્વારા મળતી સ્કૉલરશિપમાં આર્થિક ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાનો આક્ષેપ
- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિભાઈ પટેલના હોમટાઉનની યુનિવર્સિટીમા સ્કાલરશિપમા થયેલ ગેરરીતીની તપાસ કેમ થતી નથી?
- વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યાજ નથી તો તેમના ખાતામાથી સ્કાલરશિપના પૈસા કોણે ઉપાડ્યા!
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ચાર વર્ષ અગાઉ અનુ.જાતિ અને અનુ. જનજાતિના ભૂતિયા એડમિશન થયા હોવાની ચર્ચાથી શૈક્ષણિક નગરીમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. કોલેજના એક પુર્વ પ્રોફેસર દ્વારા સ્કૉલરશિપ કૌભાંડના ડોક્યુમેન્ટરી પુરાવા સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમા રજુ કર્યા છે. પરંતુ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિભાઈ પટેલના હોમટાઉનની યુનિવર્સિટીમા આર્થિક ગુનાહિત પ્રવૃત્તિ થયાની રજુઆતની તપાસ કેમ થતી નથી તે પણ પ્રશ્ન છે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલને ફોન કરતા ફોન રિસિવ કરતા નહી હોવાથી ભૂતિયા એડમિશન અને સ્કૉલરશિપ કૌભાંડની શંકા વધુ ઘેરી બની છે. ગુજરાતની ઘણી કોલેજોમાં એસ.સી, એસ.ટી. વિદ્યાર્થીઓના નામે ભૂતિયા એડમિશન કરી કરોડો રૂપિયાની સ્કૉલરશિપ ચાઉં થઈ હોવાનું જાણવા મળ્યુ છે. ગેરહાજર શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો વિરૂધ્ધ સરકાર કાર્યવાહી કરી શક્તી હોય તો સરકારને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ શિક્ષણ માફીયાઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડની તપાસ કેમ કરતા નથી. શિક્ષણ માફીયાઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે. તે એક પ્રશ્ન છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ હોસ્ટેલની ફી મા ૩૦ થી ૪૦ ટકાનો વધારો કરી દેતા હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓ દ્વીધામાં મુકાયા છે. હોસ્ટેલ ફી મા વધારો કરતા પુજ્ય સાંકળચંદકાકાના વિચારોથી વિપરીત સંસ્થાના વહીવટને લઈને શૈક્ષણિક નગરીમાં અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફીના વધારાનો વિવાદ ચાલી રહ્યો છે. એવામાં એક યુ ટ્યુબ ચેનલના સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના અહેવાલથી આખુ શિક્ષણ તંત્ર હચમચી ગયુ છે. એમાય ચેરમેન પ્રકાશભાઈ પટેલની કરતુતોથી યુનિવર્સિટી અનેક વિવાદોથી ઘેેરાયેલી છે. તેવામાં ભૂતિયા વિદ્યાર્થીઓના નામે સ્કૉલરશિપ કૌભાંડ થયુ હોવાના અહેવાલથી યુનિવર્સિટીના સંકુલમાં નિતિમત્તા અને નિષ્ઠાના ભાષણો ફક્ત શૈક્ષણિક કાર્યક્રમો પુરતાજ સિમિત હોય તેમ જણાય છે.
રાજ્યના આદિવાસી વિસ્તારના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ખર્ચ વગર ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્કૉલરશિપ આપવામાં આવે છે. સરકારની આ યોજના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે માટેના છે. ત્યારે આ યોજનાનો ગેરલાભ ઉઠાવી શિક્ષણ માફીયાઓ પગભર બની રહ્યા છે. ગુજરાતની ઘણી કોલેજોમાં એસ.સી., એસ.ટી.ના ભૂતિયા વિદ્યાર્થીઓના એડમિશન અને સ્કૉલરશિપ કૌભાંડ ચાલતુ હશે. પરંતુ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ઉપર છાંટા ઉડતા પૂજ્ય સાંકળચંદકાકાએ સ્થાપેલી સંસ્થા કઈ દિશા તરફ આગળ વધી રહી છે તે સવાલ ઉભો થયો છે.
વર્ષ ૨૦૨૦-૨૧મા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં એસ.સી., એસ.ટી. વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવ્યા હતા. તેમાં કેટલીક કોલેજો માતો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ આંગળીના વેઢે ગણાય તેટલાજ છે. બાકીના તમામ વિદ્યાર્થીઓ એસ.સી, એસ.ટી. કેટેગરીના હોવાનુ બહાર આવ્યુ છે. યુ ટ્યુબ ચેનલના અહેવાલ પ્રમાણે થયેલા એડમિશનમા મોટા ભાગના વિદ્યાર્થીઓ કોલેજમા આવ્યા પણ નથી છતાં સ્કૉલરશિપ ફળવાઈ છે અને બેંકમાંથી ઉપડી ગઈ છે. યુનિવર્સિટીના એક પુર્વ કર્મચારી દ્વારા કોલેજોમાં થયેલા ભૂતિયા એડમીશન અને સ્કૉલરશિપ કૌભાંડના ડોક્યુમેન્ટરી પુરવાઓ સાથે સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સહિતની લાગતી વળગતી ઓફીસો અને અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે દાહોદ, વ્યારા, ચીખલી, વાસદા, આહવા, વલસાડના આદિવાસી વિસ્તારોની સ્કુલોમાથી વિદ્યાર્થીઓને કોલેજમા એડમિશન કરવા એજન્ટને રૂા.૧.૫ કરોડ ચુકવવામાં આવ્યા છે.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનોજ આ પ્રશ્ન છે અને તમામ ડોક્યુમેન્ટરી પુરાવા વિભાગમાં પહોંચી ગયા છે. ત્યારે સ્કૉલરશિપ કૌભાંડની તપાસ કે રીકવરી માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાનુ જાણવા મળ્યુ નથી.