Select Page

મામલતદાર ઓફીસના આઠ માસથી ધક્કા ખાતી લાચાર નિઃસહાય વિધવાઓ વિધવા સહાય મંજુરીના હુકમ બાદ પણ મળતી નથી

મામલતદાર ઓફીસના આઠ માસથી ધક્કા ખાતી લાચાર નિઃસહાય વિધવાઓ વિધવા સહાય મંજુરીના હુકમ બાદ પણ મળતી નથી

મામલતદાર ઓફીસના આઠ માસથી ધક્કા ખાતી લાચાર નિઃસહાય વિધવાઓ
વિધવા સહાય મંજુરીના હુકમ બાદ પણ મળતી નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારની વિધવા સહાયનો લાભ તમામ નિરાધાર વિધવાઓને મળે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગામેગામ કેમ્પ કરી રહ્યા છે. ત્યારે બીજીબાજુ મામલતદારની નિષ્ક્રીયતા અને નિષ્કાળજીના કારણે ધારાસભ્યની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ છે. મંજુરીનો હુકમ મળ્યા બાદ વિધવા સહાય મેળવવા ઘણી વિધવાઓ મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહી છે. મામલતદાર કોના ઈશારાથી ધારાસભ્યની આબરૂ ઓછી થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે તે અત્યારે શહેર અને તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વધુમાં વધુ વિધવાઓને સહાય મળે તેવી ધારાસભ્યની મહેનત ઉપર પાણી ફેરવ્યુ
નિરાધાર અને નિઃસહાય વિધવાઓને સરકારની માસીક રૂા.૧૨૫૦/- ની સહાયનો લાભ મળે તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા ગામેગામ કેમ્પ કરવામાં આવ્યા હતા. એક કેમ્પમાં લગભગ ૩૦૦ ઉપરાંત્ત મંજુરી હુકમ આપવામાં આવ્યા હતા. આવા તો લગભગ ૬ થી ૭ કેમ્પ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયા છે. વિધવાઓ આવતા મહિનાથી ખાતામાં રૂા.૧૨૫૦/- જમા થશે તેવી આશાએ હોશે હોશે મંજુરીના હુકમ મેળવે છે. પરંતુ વિધવા સહાય આપવા વિસનગર મામલતદારની નિષ્કાળજીથી આ વિધવાઓની આશાઓ નિરાશામાં પરિણમી રહી છે. મંજુરીના હુકમ બાદ સહાય ખાતામાં જમા નહી થતા આ વિધવા માતાઓ મામલતદાર ઓફીસના ધક્કા ખાતા જોવા મળી રહી છે.
વિસનગર શહેરની વાત કરીએ તો ફતેહ દરવાજા, કડા દરવાજા, દિપરા દરવાજા વિસ્તારના સવિતાબેન મહેન્દ્રભાઈ પટેલ, કૈલાસબેન રમણલાલ પટેલ, લક્ષ્મીબેન દશરથભાઈ પટેલ, શર્મિષ્ઠાબેન અમરતલાલ પટેલ, બબીબેન કાન્તીલાલ પટેલ, સવિતાબેન સાંકળચંદભાઈ પટેલ, આશાબેન જનાવરભાઈ ગાવડે, સવિતાબેન ફકીરચંદભાઈ પટેલ, શારદાબેન ચંદુભાઈ પટેલ વિગેરે વિધવા બહેનોએ વિધવા સહાયની અરજી કરતા ઓગષ્ટ-૨૦૧૯ માં વિધવા સહાય મંજુરીના હુકમ મળ્યા હતા. મંજુરીના હુકમ બાદ પોસ્ટમાં ખાતા ખોલાવી પાસબુકની ઝેરોક્ષ, આધારકાર્ડ તથા અન્ય વિગતો મામલતદાર ઓફીસમાં આપી હતી. બે માસ બાદ પોસ્ટ ખાતામાં સહાયની રકમ જમા નહી થતા મામલતદાર ઓફીસમાં તપાસ કરતા આધારકાર્ડ લીંક થયા નહી હોવાનુ કારણ જણાવ્યુ હતુ. ત્યારબાદ પણ વિધવા સહાય નહી મળતા લગભગ ત્રણ વખત આધારકાર્ડ લીંક કરવા માટે વિધવા બહેનોએ આધારકાર્ડની ઝેરોક્ષ મામલતદાર ઓફીસમાં જમા કરાવી છે.
રજુઆત કરવા ગયેલ વિધવા મહિલાઓને મામલતદારે
ગણકાર્યા પણ નહી
વિધવા સહાય મંજુરીના હુકમ મળ્યાના ૮ માસ બાદ પણ વિધવા સહાયની રકમ જમા નહી થતા મામલતદારનો સંપર્ક કરવામાં આવતા એકજ રટણ કરવામાં આવે છેકે, આધારકાર્ડ લીંક થશે એટલે સહાય આવી જશે. પરંતુ વિધવા સહાયની યોજના પ્રત્યે મામલતદારની નિરસતા અને નિષ્ક્રીયતાના કારણે આધારકાર્ડ લીંક થતુ નથી અને વિધવાઓને સહાય મળતી નથી. જાણવા મળ્યા પ્રમાણે વિસનગર શહેરની નહી પરંતુ તાલુકાના ગામડાની ગણી વિધવાઓ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે મંજુરીના હુકમ મેળવ્યા બાદ ખાતામાં ક્યારે સહાયની રકમ જમા થાય છે તેની રાહ જોઈને બેસી રહી છે. વિધવા માતાઓનો રોષ છેકે ધારાસભ્ય અમારા ખાતામાં સહાયની રકમ જમા કરાવી શકતા નથી તો મંજુરીના હુકમ આપવાના તાયફા કેમ કરે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us