Select Page

ખેરાલુમાં ભાજપના પ્રબુધ્ધ નાગરિક અને વેપારી સંમેલનમાં ખુરશીઓ ખુટી

ખેરાલુ શહેરમા કોઈ ધારાસભ્ય દ્વારા વેપારીઓની મીટીંગ બોલાવી હોય અને ખુરશીઓ ખુટી પડે તેવો દાખલો ઈતિહાસમાં જોવા મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષના સુશાસનની ઉજવણી રૂપે શહેર ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક અને વેપારી સંમેલન યોજાયુ હતુ. જેમા બજારના વેપારીઓ અને નગર શ્રેષ્ઠીઓ માટે લિમ્બચ માતાના મંદિરમાં એક વિભાગમાં ર૦૦ઉપરાંત ખુરશીઓ ગોઠવી હતી. પરંતુ જે કયારેય જાહેર મિટીંગોમાં કયાંય જોવા મળતા નથી તેવા નગર શ્રેષ્ઠી વેપારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેતા ખુરશીઓ ખુટી પડી હતી. યુવા વેપારીઓને નીચે બેસીને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને સાંભળ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય આયોજક રસીકભાઈ કડીયા, ખેરાલુ વિધાનસભાના ઈન્ચાર્જ હેમન્તભાઈ શુકલ, મોહનભાઈ સિંધી, શહેર ભાજપ પ્રમુખ વી.ડી. દેસાઈ સહીત ભાજપ ટીમ હતી. કાર્યક્રમમાં વેપારી અગ્રણી મહેશભાઈ બારોટ, ઉમેશભાઈ ઠક્કર, હરીભાઈ દેસાઈ, પ્રેમજીભાઈ દેસાઈ, નવિનભાઈ મોદી, ઓધવભાઈ સિંધી, બી.જી.પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મોહનભાઈ સિંધી દ્વારા વેપારીઓને આવકારી કરી હતી. મોહનભાઈ સિંધીએ જણાવ્યુ હતુ કે ભારે રસાકસી ભરી વિધાનસભાની ચુંટણીમા હારની બાજીને જીતમાં ફેરવનાર સરદારભાઈ ચૌધરીને બાજીગર કહ્યા હતા. હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે સરદારભાઈ ચૌધરીએ ચુંટણી જીત્યા પછી લોકોની સુખાકારી માટે સતત ચિંતા કરી છે. ખેરાલુ વિધાનસભાને લાભ ક્યાંથી મળે તેની સરકારમાં રજુઆતો કરી છે. રૂા. ૩૧૭ કરોડની યોજના સરકારે મંજુર કરી તેના આભાર માનવા ગયા ત્યારે તમામ મંત્રીઓએ જણાવ્યુ કે તમારા ધારાસભ્યએ આ યોજના માટે ચેનથી બેસવા દિધા નથી. ઓધવભાઈ સિંધીએ જણાવ્યુ કે સરદારભાઈ ચુંટાયા પહેલા ખેરાલુ શહેરના લોકોએ વિકાસના સપના જોવાનુ બંધ કરી દીધુ હતુ. હવે એવુ લાગે છે કે લોકોના સપના સાકાર થશે. સરદારભાઈ લાંબી રેસનો ઘોડો છે. જુનુ સરકારી દવાખાનુ, રૂપેણ નદીનો પુલ, રીવર ફન્ટ બનાવી રૂપેણ નદી જીવંત કરો. પ્રસુતીની જગ્યામાં ટાઉન હોલ બનાવો, મહાકાળેશ્વર અને વૃદાંવન મહાદેવના જર્જરીત ચેકડેમ રિપેર કરાવો તેવી માંગણી કરી હતી. હરીભાઈ દેસાઈએ જણાવ્યુ કે વેપારીઓની હાજરીથી લોકોનો ઉત્સાહ જોવા મળે છે. પ્રેમજીભાઈ દેસાઈએ જણાવ્યુ કે રૂા. ૧.૬પ કરોડના ખર્ચે સ્કુલોનુ રિનોવેશન કરાવ્યુ છે. દવાખાનામાં ડૉકટરની વ્યવસ્થા કરો, નાગરીક બેંક દ્વારા રૂા.૧.૧૦ કરોડનો નફો કર્યો છે. પરંતુ ગુજરાત સરકાર ઓડીટ કરતી નથી જેથી ડિવિડન્ટ મળતુ નથી. વર્ષો પૂર્વ બહુચરાજી માતાની વાડીમાં ગંજ બન્યો, ત્યારબાદ માજી ધારાસભ્ય મોહનભાઈ દેસાઈ ખેતરમા ગંજ બન્યો તે પછી રેલ્વે સ્ટેશન પાછળ ગંજ બન્યો જે બંધ થઈ ગયા હવે હાઈવે ઉપર ગંજ બન્યો છે. માત્ર ર૭ પેઢીઓ ચાલુ છે. માલ ઉતારવા ચડાવવા મજુર નથી જો આગ ગંજ બજાર બંધ થશે તો આગામી પેઢીઓ ગંજબજાર જોશે જ નહી. ખેરાલુના તળાવો ભરો પાંચ પાણ પાણી આપો. વડનગર કરતા અડધી ગ્રાન્ટ ખેરાલુને આપો, મુકેશભાઈ દેસાઈ સારુ કામ કરે છે. પણ કોઈ વેપારીને કોઈપણ પ્રકારનો પ્રશ્ન બને તો ધારાસભ્યનો સંપર્ક કરો. ખેરાલુ હાઈવે ઉપર પોલીસ ઉઘાડી લુંટ કરે છે. તે બંધ કરાવો.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વેપારીઓને દરેક પ્રશ્નોના સચોટ જવાબો આપ્યા હતા. જેમા જણાવ્યુ કે હું ચુંટાયો તેમા મારા સમાજ કરતા વેપારી મિત્રોનો હરણ ફાળો છે. તમામનો આભાર માન્યો હતો. હવે દિવસે સ્વપ્નો જોઈને સાકાર કરવાનો સમય છે. ખેરાલુનો સુરજ તમારા સહકાર અને આશિર્વાદથી ઉગ્યો છે. જે રીતે મોદી સાહેબ વિશ્વમાં કામ કરે છે તે રીતે ખેરાલુ વિધાનસભામા સારૂ કામ કરીએ તે માટે લિમ્બચ માતા શક્તિ આપે તેવી પ્રાર્થના. ખેરાલુની પાણીની સમસ્યા સરકારે રૂા.૩૧૭/- કરોડ આપતા હલ થઈ ગઈ છે. ટાઉનહોલ બનાવીશુ રિવરફ્રન્ટ બનાવીશુ, નવો પુલ બનાવીશુ, રૂપેણ નદી સજીવન કરીશુ રેલ્વે પાસેના સિડસ ફાર્મ ઉપર કલેકટર પ્રાંત અને મામલતદારની વિઝીટ કરાવી છે. જયાં મસાલા સંશોધન કેન્દ્ર બનાવીશુ. ખેડુતો કયા મસાલા વાવે તો સારી ઉપજ મળે તેની સમજ અપાશે. જુના સરકારી દવાખાના માટે કલેકટર દ્વારા વિઝીટ કરાઈ છે. અર્બન હેલ્થ સેન્ટર માટે આરોગ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેરાલુને સુરક્ષિત કરવા માટે રૂા. ૧.૦૮ કરોડના ખર્ચે સી.સી.ટીવી નું ટેન્ડર બહાર પડાશે. સિવિલમાં ૩૦ બેડના સામુહિક આરોગ્ય કેન્દ્ર નવુ બનાવવા રૂા. પ.૮પ કરોડનું ટેન્ડરીંગ કરાયુ છે. પરંતુ ૧૦૦ બેડની સબ ડ્રીસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે આરોગ્ય મંત્રી સમક્ષ રજુઆત કરાઈ છે. એ.પી.એમ.સી.ના વિકાસ માટે ભીખાલાલ ચાચરીયા સાથે ચર્ચા કરીશુ. પોલીસની તકલીફ દુર કરીશુ વેપારીઓના ખોટી રીતે સેમ્પલ લેવાતા હોય તો મને વાત કરો. પ્લાસ્ટીક થેલીઓની રેડમાં પાલિકાનો કર્મચારી વેપારીનું અપમાન કરે તો ચલાવી નહી લેવાય.
વિજકંપનીએ આપેલી ડિપોઝીટની નોટીસો કોઈએ ભરવાની નથી મોદી સાહેબ વૈશ્વીક નેતા બન્યા છે. ૯ વર્ષના સુશાસનની ઉજવણી કરવાની છે. ધરોઈ પ્રવાસન ધામ બની રહ્યુ છે. ડેમની નીચે ૩.પ કીલો મીટર દૂર ચેકડેમ અને રિવરફન્ટ બનાવવાનો છે. હોટલો બનશે. રેલ્વેને વરેઠા સુધી લંબાવવાની છે. રેલ્વે નાળામાં પાણી ભરાઈ રહે છે તે માટે સુચના આપી છે. દર ગુરુવારે જાહેર જનતાને મળવા સમય ફાળવ્યો છે. વિધાનસભા જીતવામા મારા સમાજ કરતા તમારો ફાળો મોટો છે. જેને હુ કયારેય ભુલીશ નહી. આગામી વર્ષથી સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન કરવાનું આયોજન થઈરહ્યુ છે. આવતા વર્ષે ૧૦૮ સમુહ લગ્ન કરવાના છે. અને જયાં સુધી મા અંબા શક્તિ આપે ત્યાં સુધી સમુહ લગ્ન મારા દ્વારા કરાશે. શિયાળામાં વસંત પંચમી આસપાસ સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન કરાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us