Select Page

વિસનગરમાં રોજના ૪૦૦ ઉપરાંત્ત કેસથી અખિયા મિલાકેનો તરખાટ

વિસનગરમાં રોજના ૪૦૦ ઉપરાંત્ત કેસથી અખિયા મિલાકેનો તરખાટ
  • સિવિલમાં સારવાર ઉપલબ્ધ – તાલુકા આરોગ્ય વિભાગ એક્શનમાં
  • ચેરમેન પ્રકાશભાઈ પટેલની માનવતા-નૂતન હોસ્પિટલમાં વિનામૂલ્યે અખિયા મિલાકે રોગની સારવાર માટે આખો વિભાગ ઉભો કર્યો

કોરોના કાળ બાદ કન્ઝક્ટીવાઈટીસ એટલેકે અખિયા મિલાકે રોગના ઘેર ઘેર દર્દિઓ જોવા મળી રહ્યા છે. કોરોના પ્રાણઘાતક હતો જ્યારે અખિયા મિલાકે આંખનો રોગ ચાર દિવસનો મહેમાન હોવાથી એટલી રાહત છે. સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૦૦ ઉપરાંત્ત અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦ થી ૨૫૦ ઉપરાંત્ત કેસ નોધાતા આંખ આવવાના રોગે અત્યારે તરખાટ મચાવ્યો છે. કોરોના કાળમાં જેમ નૂતન હોસ્પિટલના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા તેમ ચેરમેન પ્રકાશભાઈ પટેલે અખિયા મિલાકે રોગ માટે નૂતન હોસ્પિટલમાં એક આખો વિભાગ ધમધમતો કરી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. આ રોગથી લોકોમાં જાગૃતિ આવે તેમજ આગળ વધતો અટકે તે માટે તાલુકા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયુ છે. આંખના રોગની સારવાર આપતી શહેરની હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે.
કોરોના કાળમાં જે રીતે ઘેર ઘેર દર્દિ જોવા મળતા હતા તેમ ખાસ કરીને ચોમાસામાં જોવા મળતા આંખ આવવાના એટલે કે કન્ઝક્ટીવાઈટીસના કેસ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. વિસનગર સિવિલ હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલે જણાવ્યુ છેકે, હોસ્પિટલમાં અત્યારે છેલ્લા એક સપ્તાહથી ૧૫૦ થી ૨૦૦ જેટલા કન્ઝક્ટીવાઈટીસના દર્દિઓ સારવાર લઈ રહ્યા છે. આંખના ટીપા અને જરૂરીયાત મુજબની દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. આંખના રોગના ર્ડા.નેહાબેન શાહ દ્વારા કન્ઝક્ટીવાઈટીસ વાયરલના દર્દિઓને સંતોષકારક સેવા આપી રહ્યા છે. આંખ આવવાના રોગમાં કોઈ દર્દિ સારવાર વગર ન રહે તેની પુરતી કાળજી રાખવામાં આવી રહી છે.
તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છેકે, તાલુકાના ગામડાના દર્દિઓને ઘર આગણેજ સારવાર મળે તે માટે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સબ સેન્ટર કક્ષાએ જરૂરીયાત મુજબની તમામ દવાઓ ઉપલબ્ધ કરાવી છે. વિસનગર શહેર અને તાલુકામાં થઈને રોજના ૪૦૦ ઉપરાંત્ત કેસ નોધાય છે. જેમાં તા.૨૬/૭ – ૪૩૭, ૨૭/૭ – ૫૧૮, ૨૮/૭ – ૪૮૫, ૨૯/૭ – ૩૦૧, ૩૧/૭ – ૪૯૪, ૧/૮ – ૫૭૦, ૨/૮ – ૪૦૮ કેસ નોધાયા છે. આર.બી.એસ.કે.ની ચાર ટીમ, ૧૮૯ આશા વર્કર બહેનો, ૫૧ ફીમેલ હેલ્થ વર્કર, ૫૧ મેલ હેલ્થ વર્કર, ૧૦ મેલ ફીમેલ સુપરવાઈઝર, આયુષ અને પી.એમ.સી.ના મેડિકલ ઓફિસરો દ્વારા કન્ઝક્ટીવાઈટીસ વાયરલના રોગ અંતર્ગત લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં રોગ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. શાળામાં ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને આંખ આવવાનો રોગ થયો હોય તો ચારેક દિવસ શાળામાં નહી આવવા સુચન કરાયુ છે. જેથી ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓમાં રોગ ફેલાય નહી. આ રોગ ચાર દિવસમાં મટી જાય છે. વારંવાર હાથ ધોવા, દર્દિના કપડા, રૂમાલ અલગ રાખી ગરમ પાણીમાં ધોવા, ગરમ હુંફાળા પાણીથી દર્દિની આંખો સાફ કરવી, આંખો આવે તો અન્ય લોકોથી અલગ રાખવા જેથી રોગ ફેલાતો અટકાવી શકાય છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે ઓક્સીજનની તંગી હોવા છતા પોતાના જોખમ ઉપર ઓક્સીજન બેડની વ્યવસ્થા કરી પંથકના લોકોની સારવાર માટે નૂતન હોસ્પિટલના દ્વારા ખોલી નાખ્યા હતા. આજ રીતે અત્યારે અખિયા મિલાકે રોગમાં દર્દિઓ માટે નૂતન હોસ્પિટલના દ્વાર ખોલી દીધા છે. નૂતન હોસ્પિટલમાં આંખ આવવાના રોગની વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી રહી છે. આંખ આવવાના રોગનો આખો વિભાગ નૂતન હોસ્પિટલમાં ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી ધમધમતો કરવામાં આવ્યો છે. જેનો લાભ લેવા ચેરમેન પ્રકાશભાઈ પટેલે પંથકના દર્દિઓને અપીલ કરી છે.

  • રોગમાં સાવચેતી અને સારવાર

આ રોગની સચોટ તપાસ અને યોગ્ય સારવાર લેવાથી સંપૂર્ણ રીતે મટી શકે છે. જેની સારવારમાં એન્ટિબાયોટિક ટીંપા તથા એન્ટિવાઈરલ અને જરૂર પડે સ્ટીરોઈડ નો ઉપયોગ થતો હોય છે. આ રોગ ખૂબ જ ચેપી હોવાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ રોગ દર્દીની આંખમાં જોવાથી થતો નથી, પરંતુ દર્દીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આથી આ રોગનું સંક્રમણ અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે કે દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું તથા સમયાંતરે સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, દર્દીના હાથ રૂમાલ તથા કપડા ગરમ પાણીથી ધોવા.

  • નૂતન હોસ્પિટલમાં આંખના રોગ માટે વિનામુલ્યે સારવાર

સાંકળચંદ યુનિ. સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સંસ્થાના વડા પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા તાજેતરમાં ફેલાઈ રહેલ આંખના રોગના દર્દીઓ માટે આંખના વિભાગ ખાતે વિશેષ કન્ઝક્ટીવાઈટીસ ઓપીડી અને મફત સારવાર આપવાની સેવા શરૂ કરેલ છે.
નૂતન હોસ્પિટલના આંખ વિભાગના ડો.નિશાંત પટેલના જણાવ્યા મુજબ તાજેતરમાં આંખ આવવાના (કન્ઝક્ટીવાઇટીસ) અથવા (પિંક આઇ) ના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહેલ છે.આ રોગ એડીનો નામના વાયરસથી થતો રોગ છે આ ચેપની અંદર આંખ લાલ થવી, આંખમાં પિયા આવવા, ખૂબ પાણી ટપકવું, આંખના પોપચા ફૂલી જવા, આંખમાં ખૂંચવું, હળવો તાવ આવવો વગેરે લક્ષણો જોવા મળે છે.
હાલમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલ આંખની બીમારીની સારવાર માટે જરૂરિયાતમંદ દર્દી લાભ લે તેમ સંસ્થાના વડા પ્રકાશભાઈ અને ટ્રસ્ટીગણ દ્વારા જણાવાયુ છે. આ સિવાય નૂતન હોસ્પિટલના આંખ વિભાગમાં બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિના મૂલ્ય મોતિયાના ઓપરેશન થાય છે તથા કીકીના રોગ,આંખના રોગ પડદાના રોગ, ઝામર સહિત દરેક પ્રકારના આંખના રોગોનું નિદાન અને સારવાર થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us