વિસનગરમાં રૂા.૧૦ના સિક્કાની આડમાં નાક દબાવતા તત્વોથી વેપારીઓમાં રોષ
લેભાગુ તત્વોએ મોટા વેપારીઓની સાથે રાજકીય આગેવાનોનુ પણ નાક દબાવી પોતાનો અંગત ફાયદો કર્યો છે
વિસનગરમાં રૂા.૧૦નો સિક્કો ગ્રાહકો નહી સ્વિકારતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રૂા.૧૦ના સિક્કાની આડમાં લેભાગુ તત્વો વેપારીઓનું નાક દબાવી હેરાન કરે છે. અત્યારે રૂા.૧૦નો સિક્કો મજુરી વગર પૈસા કમાવવા ફરતા લેભાગુ તત્વો માટે આવકનુ સાધન બની ગયુ છે. ત્યારે પોલીસ રૂા.૧૦ની સિક્કાની આડમાં વેપારીઓનુ નાક દબાવતા આવા લેભાગુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માગણી ઉઠી છે. આવા લેભાગુ તત્વો સામે વેપારી મંડળો પણ રોષે ભરાયા છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂા.૧૦ના સિક્કને ચલણમાં મુકવામાં આવ્યો છે. જેમાં અત્યારે મોટા શહેરના વેપારીઓ અને ગ્રાહકો નાણાંકીય લેવડ-દેવડમાં રૂા.૧૦નો સિક્કો સ્વિકારે છે. જ્યારે નાના શહેરોમાં ઘણા સમયથી વેપારી અને ગ્રાહકો વચ્ચે નાણાંકીય વ્યવહારમાં રૂા.૧૦ના સિક્કાનું ચલણ ઓછું થયુ છે. મોટેભાગે નાના વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે રૂા.૧૦ના સિક્કાની લેવડ-દેવડ થતી હોય છે. મોટા ધંધા રોજગાર વાળા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે રૂા.૧૦ના સિક્કાની લેવડ-દેવડ હોતી નથી. જેથી મોટા વેપારીઓ નાણાંકીય વ્યવહારમાં રૂા.૧૦નો સિક્કો લેવાનું ટાળતા હોય છે. ત્યારે મોટા વેપારીઓ મજુરી વગર પૈસા કમાવવા ફરતા લેભાગુ તત્વોના સ્ટીંગ ઓપરેશનમાં ફસાય છે. લેભાગુ તત્વો મોટા વેપારીઓનુ રૂા.૧૦ સિક્કાની આડમાં નાક દબાવી પોતાનો રોટલો શેકી રહ્યા છે. વિસનગરમાં નાણાંકીય વ્યવહારમાં મોટેભાગે રૂા.૧૦ના સિક્કાનું ચલણ ખુબજ ઓછુ છે. જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો લેવડ-દેવડમાં રૂા.૧૦નો સિક્કો સ્વિકારતા નથી. ત્યારે કેટલાક લેભાગુ તત્વો જ્યાં રૂા.૧૦ના સિક્કાનો નાણાંકીય વ્યવહાર મા ઉપયોગ થતો નથી તેવા મોટા વેપારીઓનું સ્ટીંગ ઓપરેશન કરી નાક દબાવી પોતાનો ફાયદો કરે છે. જો કોઈ વેપારી આવા લેભાગુ તત્વોની ઈચ્છા પુરી ન કરે તો તેને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. આ લેભાગુ તત્વો અવાર-નવાર પોલીસ સ્ટેશનમાં ચક્કર મારી ગુપ્ત માહિતી મેળવી ગુનેગાર સુધી પણ પહોંચી જાય છે. જોકે પોલીસ શહેર-તાલુકામાં વગોવાયેલા લેભાગુ તત્વોથી અંતર રાખે છે. વધુમાં આવા લેભાગુ તત્વો શહેરમાં દારૂ-જુગારના અડ્ડા ક્યાં ચાલે છે, ગેર કાયદેસર બાંધકામ ક્યાં થાય છે. તેની તપાસ કરી પોતાનો રોટલો શેકી રહ્યા છે. શહેરના એક લેભાગુ તત્વ સામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. જેની તપાસ પણ ચાલી રહી છે. રૂા.૧૦ના સિક્કાની આડમાં મોટા વેપારીઓનું નાક દબાવતા આવા લેભાગુ તત્વો રાજકીય આગેવાનોનુ પણ નાક દબાવી રહ્યા છે. ત્યારે આગેવાનો રાજકીય નુકશાન થવાના ડરમાં છેવટે રોટલો નાખી કાઢી મુકે છે. શહેરમાં ફરતા આવા લેભાગુ તત્વોથી રાજકીય આગેવાનો અને વેપારીઓ ત્રાસી ગયા છે. ત્યારે પોલીસ રૂા.૧૦ના સિક્કાની આડમાં મોટા વેપારીઓનું નાક દબાવી આવક મેળવતા લેભાગુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી વેપારીઓની માગણી છે.