ટી.ડી.ઓ.મેઘાબેન ભગતે મનરેગાના મસ્ટર ઈશ્યુ નહી કરતાવિસનગર તાલુકાના ૮ ગામમાં અમૃત સરોવર યોજનાનો ફિયાસ્કો
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સરકારે અમૃત સરોવર યોજના હેઠળ રાજ્યના દરેક જીલ્લામાં ૭૫ તળાવો ઉંડા કરવાનું તથા બ્યુટીફિકેશન કરવાનું અભિયાન ઉપાડ્યુ છે. જે અંતર્ગત મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ વિસનગર તાલુકાના આઠ (૮) ગામોમાં મનરેગા યોજનામાં તળાવો ઉંડા કરવા અને તળાવના બ્યુટીફિકેશન માટે જાન્યુઆરી મહિનામાં વહીવટી મંજુરી આપી જૂલાઈ મહિના સુધીમાં કામ પુર્ણ કરવા સુચના આપી હતી. જેમાં ટી.ડી.ઓ.એ મનરેગાના મસ્ટર ઈશ્યુ નહી કરતા કેબિનેટમંત્રીના તાલુકામાં સરકારની અમતૃ સરોવર યોજનાનો ફિયાસ્કો થયો છે.
દેશની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડામાં પાણીનો સંગ્રહ થાય અને ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા અભિગમથી રાજ્યના દરેક જીલ્લામાં મનરેગામાં અમૃત સરોવર યોજના હેઠળ ૭૫ તળાવો ઉંડા કરવા તથા તળાવનું બ્યુટીફિકેશન કાર્ય કરવાનું અભિયાન ઉપાડ્યુ છે. જે અંતર્ગત મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ વિસનગર તાલુકાના કુવાસણા, દેણપ, પાલડી, ઉમતા, મગરોડા, કાંસા, કડા અને ભાલક ગામમાં તળાવ ઉંડુ કરવા તથા તેના બ્યુટીફીકેશન માટે જાન્યુઆરી મહિનામાં મનરેગામાં વહીવટી મંજુરી આપી હતી અને આ કામ ૩૧ જૂલાઈ-૨૦૨૩ સુધીમા પુર્ણ કરવાની સુચના આપી હતી. પરંતુ ગમે તે કારણે ટી.ડી.ઓ. મેઘાબેન ભગતે સરકારની અમૃત સરોવર યોજનાને સાકાર કરવા મનરેગા મસ્ટર ઈશ્યુ કર્યા ન હતા. જેના કારણે રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારના તાલુકામાં અમૃત સરોવર યોજનાનો ફિયાસ્કો થયો છે. તાલુકાના આગેવાનોમાં થતી ચર્ચા મુજબ વિસનગરમાં રાજકીય ડખલગીરીના લીધે ટી.ડી.ઓ. મેઘાબેન ભગતને અહી નોકરી કરવાની જરાય ઈચ્છા નથી. જેથી તેઓ પોતાનું પ્રમોશન આવે કે બદલી થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
અગાઉ પુર્વ ધારાસભ્ય સ્વ.ભોળાભાઈ પટેલ,
સ્વ.પ્રહલાદભાઈ પટેલ(ગોસા) તથા પુર્વ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ(ભાન્ડુ)ના શાસનમાં અધિકારીઓને રાતોરાત બદલી થવાનો ડર રહેતો હતો. જ્યારે અત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી હોવા છતાં અધિકારીઓને તેમનો કોઈ ડર નથી
આ ટી.ડી.ઓના મનસ્વી વર્તનથી તાલુકા પંચાયતમાં હોદ્દેદારો અને કર્મચારીઓ પણ કંટાળી ગયા છે. ટી.ડી.ઓની હેરાનગતી બાબતે આગેવાનોએ મંત્રી ઋષિભાઈ પટેલને વારંવાર રજુઆત કરી છે. છતાં ટી.ડી.ઓ. સામે કોઈ પગલા લેવામાં કેમ આવતા નથી? તે પ્રશ્ન દરેક આગેવાનોના મનમાં સતાવી રહ્યો છે. આગેવાનોમાં એવી પણ ચર્ચા છે કે, અગાઉ પુર્વ ધારાસભ્ય સ્વ. ભોળાભાઈ પટેલ, સ્વ. પ્રહલાદભાઈ ગોસા તથા કિરીટભાઈ પટેલ (ભાન્ડુ)ના શાસનમાં દરેક કચેરીના અધિકારીઓને રાતોરાત સજારૂપ બદલી થવાનો ડર રહેતો હતો. જેથી અધિકારીઓ કાર્યકરોની રજુઆત ગંભીરતાથી ધ્યાને લેતા હતા. પ્રજાના કામો પણ ઝડપી થતા હતા. જ્યારે અત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી હોવા છતાં અધિકારીઓને તેમનો કોઈ ડર નથી. જેના કારણે તાલુકાની પ્રજા હેરાન થઈ રહી છે. સરકારની વિવિધ યોજના વિકાસકામો થતા નથી. જેમાં ટી.ડી.ઓ. મેઘાબેન ભગતે મનરેગા મસ્ટર ઈશ્યુ નહી કરતા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના તાલુકામાં સરકારની અમૃત સરોવર યોજનાનો ફિયાસ્કો થયો છે.