
એક દેશ એક કાયદો હશે તો રાષ્ટ્રવાદની લાગણી પ્રબળ બનશે

તંત્રી સ્થાનેથી…
હાલમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે ભારતમાં નાગરિકો માટે સમાન કાયદો બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ કાયદા અંતર્ગત ભારતના તમામ નાગરિકોના તેમના ધર્મ, લિંગ અને જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વિના સમાનરૂપે ચૂસ્તપણે અમલમાં મુકવાનો પ્રસ્તાવ રજુ કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. આ એક સામાજિક બાબતોને લગતો કાયદો છે. લગ્ન,છૂટાછેડા,ભરણપોષણ,બાળક દત્તક અને વારસાઈ હક્કો માટે યુનિફોર્મ સિવિલ કોડને ઈ.સ.૧૮૩૫ માં બ્રિટીશ સરકાર દ્વારા ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. ભારત દેશમાં વિવિધ સંપ્રદાય (ધર્મ)ના લોકો હોવાથી બ્રિટીશ સરકારે ફક્ત હિન્દુ અને મુસ્લિમો માટે જ અલગ કાયદો બનાવવાની જોગવાઈ કરતા આ કારણથી અન્ય સંપ્રદાયના લોકો દ્વારા દેશભરમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો લાગુ થાય તેવી તીવ્ર માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ.૧૯૪૭ માં સ્વતંત્રતા મળ્યા પછી આપણા બંધારણ સભામાં હિન્દુ કોડ બીલની રજુઆત કરવામાં આવી. તેમાં હિન્દુ સ્ત્રીઓ માટે સમાજિક બાબતો જેવી કે બાળ વિવાહ, સતી પ્રથા,ઘૂંઘટ પ્રથા,દહેજ પ્રથા જેવા અનેક કુરિવાજોથી હિન્દુ મહિલાઓને સ્વંત્રતા મળે તે હેતુથી યુનિફોર્મ સિવિલ કોટ જરૂરી બન્યો હતો. ઈ.સ.૧૯૫૧માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પત્ર લખી ર્ડા.ભીમરાવ આંબેડકરે યુનિફોર્મ સિવિલ કોડની રજુઆત કરી હતી. ત્યારબાદ ઈ.સ.૧૯૫૫/૫૬માં ભારતના બંને ગૃહોમાં રાજ્ય સભા અને લોકસભામાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેમાં હિન્દુ લગ્ન અધિનિયમ, ઉત્તરાધિકાર અધિનિયમ, દત્તક અને જાળવણી અધિનિયમ તેમજ લઘુમતી અને વાલીપણું જેવા હિન્દુ અધિનિયમ બીલનો પ્રસ્તાવ રજુ કર્યો. જેમાં તમામ સાંસદોએ આ બીલને પાસ કરવાની સંમતિ દર્શાવી હતી. ત્યારબાદ ફરી દેશભરમાં હિન્દુ સમુદાયના લોકો માટે જ યુનિફોર્મ સિવિલ કોડ શા માટે અને અન્ય સંપ્રદાયો (ધર્મ)ના લોકો માટે કેમ નહીં ? તેવા વિવાદથી અન્ય સંપ્રદાયો માટે યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. જેમાં મુસ્લિમ લગ્ન અધિનિયમ-૧૯૩૭, ઇસાઈ લગ્ન અધિનિયમ-૧૮૩૦, પારસી અધિનિયમ-૧૯૯૩, શીખ લગ્ન અધિનિયમ-૨૦૧૨ વિગેરે કાયદાઓ ઘડવામાં આવ્યા. આપણા ન્યાય તંત્ર પર વિવિધ ધર્મના અલગ-અલગ કાયદાઓનું ભારણ વધુ હોવાથી દેશભરના તમામ નાગરિકો માટે ફક્ત એક જ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવવાથી કાયદા ઉપરનુ ભારણ દૂર થશે અને કોર્ટમાં વર્ષો જૂના પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ થશે. યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં સમાનતા જળવાશે અને દેશમાં એક્તાનો માહોલ બનશે. જે દેશના નાગરિકોમાં એક્તા હોય તે દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધે છે. દેશમાં દરેક ભારતીય સમાન કાયદાના અમલને કારણે દેશના રાજકારણ ઉપર પણ અસર થશે અને રાજકીય પક્ષો વોટબેંકનું રાજકારણ કરી શકશે નહીં અને મતોનું ધ્રુવીકરણ થશે નહીં. વિગેરે બાબતોના આધારે યુનિફોર્મ સિવિલ કોડની માગ થઈ રહી છે. શાહબાનોના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને તત્કાલિન રાજીવ ગાંધીની સરકારે ધાર્મિક દબાણ હેઠળ સંસદના એક અધિનિયમ દ્વારા પલટી નાખ્યો હતો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ભારતની મહિલાઓની સ્થિતિમાં પણ સુધારો થશે. હાલમાં કેટલાક ધર્મોના અંગત કાયદામાં મહિલાઓના અધિકારો મર્યાદિત રહી ગયા છે. આ નિયમોના આધારે મહિલાઓ પિતાની સંપત્તિ અને દત્તક લેવાના અધિકારો પણ મેળવી શકશે. ધાર્મિક રિત-રિવાજોના કારણે અન્ય સંપ્રદાયના દરેક સમાજના કોઈપણ વર્ગના અધિકારોનો વિરોધ થતો અટકવો જોઈએ. માટે આ કાયદો વધુ મજબૂત અને એક સમાન હોવાથી ભારત દેશના તમામ નાગરિકો માટે એક સમાન વ્યવહાર થશે. સમાજમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે તેથી તેમના અધિકારો અને તેમની સ્વતંત્રતાનો અભાવ મહિલાઓના વ્યક્તિત્વ અને સમાજ માટે નુક્શાનકારક છે. સર્વોચ્ચ અદાલતમાં મંદિર પ્રવેશ,મિલકત અધિકાર જેવા ન્યાયિક નિર્ણયો દ્વારા સમાજમાં સમાનતા માટે નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. જેથી સરકાર અને દેશના ન્યાય તંત્ર સમાન નાગરિક સંહિતા અમલ માટે સર્વગ્રાહી અને ગંભીર પ્રયાસો કરી રહી છે.