Select Page

પાણી પુરવઠાની જુથ યોજના બાદ એક પણ દિવસ પાણી કાપ નહી આવે તેવી વાતો પોકળ સાબીત થઈભાજપ શાસિત પાલિકામાં વિસનગર રામભરોસે

વિસનગર પાલિકાના ખાડે ગયેલા વહિવટથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે પાલિકાના શાસનથી સંતોષ હોય. શાસકો કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી ભાજપ શાસિત પાલિકામાં વિસનગર શહેર તથા શહેરમાં વસતા લોકો રામભરોસે હોવાનુ પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છે. શહેરની અલાયદી પાણી પુરવઠા યોજના હોવા છતા અણઆવડતના કારણે વારંવાર પાણી કાપનો માર સહન કરવો પડતો હોવાનુ પણ વિરોધ પક્ષે જણાવ્યુ છે.
વિસનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ તથા વિરોધ પક્ષના સભ્યો મુસ્તાકભાઈ બહેલીમ, બીલ્કીશબેન મનસુરી, સુનિતાબેન ભીલ તથા હિરેનભાઈ પટેલે ભાજપ શાસીત પાલિકાની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, પાલિકાની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઈ છે. માત્ર ૩ થી ૪ ઈંચ વરસાદમાંજ શહેરમાં ગંજબજાર વિસ્તાર તથા જાહેર રોડ ઉપર બે ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયુ હતુ. પાલિકાના શાસકોએ પ્રિમોન્સુન કામગીરીમાં કોઈ જગ્યાએ ધ્યાન આપ્યુ નથી. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા કર્મચારીઓ ઉપર કોઈ પક્કડ નથી. કર્મચારીઓ કામ નહી કરતા શહેરીજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
પ્રિમોન્સુનની યોગ્ય કામગીરી નહી થતા ચાર ઈંચ વરસાદમાં પાણી ભરાયા
શહેરમાં ઠેર ઠેર પારાવાર ગંદકી જોવા મળે છે. ઘણા વિસ્તારોમાં ગટરો ઉભરાય છે. ફતેહ દરવાજા ઢોલના ટેબા વિસ્તાર ઉંચાઈમાં હોવા છતા ગટરો ઉભરાય છે. પીવાના પાણી સાથે ગટરનુ પાણી ભેગુ થતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી પરિસ્થિતિ છે. પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે. તેમ છતા પટણી દરવાજા મહાકાળેશ્વર મહાદેવ, વડનગરી દરવાજા છબીલા હનુમાનજીનુ મંદિર પીંડારીયા તળાવ જવાના રસ્તા ઉપર તથા જાળેશ્વર મહાદેવ જવાના રસ્તા ઉપર કચરાના ઢગલા ઝાડી જાખરા જોવા મળે છે. દેળીયા તળાવમાં પણ પારાવાર ગંદકી છે. વરસાદી વહેળાના ભાગમાં ગેરકાયદેસર બાંધકામો અને આર.સી.સી. નાળા બાધી પાણી જવાના માર્ગ બંધ કરી દીધા છે. જો એક સામટો ૧૦ ઈંચ વરસાદ પડે તો વિસનગર શહેરની કેવી હાલત થાય તે વિચાર માગી લે છે. શહેરમાં યોગ્ય સફાઈ નહી થતી હોવાથી કચરાના ઢગલા જોવા મળે છે. ગંદકી એટલી છેકે ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો પણ રોગચાળો ફેલાવાની પુરેપુરી શક્યતા છે.
શહેરમાં પીવાના પાણીની તંગી તેમજ વારંવાર પાણી કાપ બાબતે વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે, જ્યારે ફક્ત વિસનગર શહેર અને તાલુકા માટે જુથ પાણી પુરવઠા યોજના અમલમાં આવી ત્યારે એવુ કહેવામાં આવ્યુ હતું કે હવે ક્યારેય પાણી કાપ સહન કરવો પડશે નહી. પરંતુ જુથ યોજના અમલમાં આવ્યા બાદ શહેરને અનેક વખત પાણી કાપનો માર સહન કરવો પડ્યો છે. પ્લાન્ટ ઉપર લાઈટ મેઈન્ટેનન્સના બહાને વારંવાર પુરવઠો બંધ કરવામાં આવે છે. અત્યારે પાઈપ લાઈન જોઈન્ટના કારણે આંતરા દિવસે પાણી આપવામાં આવી રહ્યુ છે. આમ અણ આવડતના કારણે પાણી કાપ ક્યારેય સહન કરવો પડશે નહી તેવી વાતો પોકળ સાબીત થઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us