કેબિનેટ મંત્રી પદ મળ્યુ પણ વોટર બાઉઝર ન મળ્યુ
પ્રમુખ વર્ષાબેન પટેલની એમ્બ્યુલન્સની માગણી સાથે વિવિધ રજુઆત કરી
- ધરોઈ કોલોનીમાં સંપ તથા ઓવરહેડ ટાંકી માટેની જગ્યા ફાળવવા પ્રયત્નો
ઋષિભાઈ પટેલના મંત્રી પદનો ઉપયોગ કરી વિસનગરને સુવિધા મળે તેમજ કામ થાય તે માટે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ જાગૃત રહ્યા છે. પાલિકામાં એમ્બ્યુલન્સ, વોટર બાઉઝર, સંપ અને ટાંકી માટે ધરોઈ કોલોનીમાં જગ્યાની માગણી સાથે વિકાસના અટકેલા કામ આગળ વધે તે માટે પ્રમુખે મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. ત્યારે નવાઈની બાબત છે કે, વિસનગરને કેબિનેટ મંત્રી પદ મળ્યુ પરંતુ ફાયર સ્ટેશન વિભાગ માટે વોટર બાઉઝર મળતુ નથી.
વર્ષાબેન પટેલ વિસનગર પાલિકા પ્રમુખ બન્યા બાદ પાલિકાના અને શહેરના પડતર પ્રશ્નો માટે ગાંધીનગરના કેટલા ધક્કા ખાધા તેવો પ્રશ્ન કરવામાં આવે તો જવાબમાં સપ્તાહમાં એવરેજ બે ફેરા ગાંધીનગરના કર્યા હોવાનું સાંભળવા મળશે. આગામી સપ્ટેમ્બર માસમા અઢી વર્ષના પ્રમુખની મુદ્ત પુરી થાય છે. ત્યારે હુ નહી તો પાછળ આવનાર પ્રમુુખ વિકાસ કરશે. મને નહી તો આવનાર પ્રમુખને જશ મળશે તેવી ઉમદા ભાવનાથી વિકાસ માટે છેલ્લી ઘડીના પ્રયત્નો કરી રહ્યા છે. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો લાભ લઈ પડતર પ્રશ્નોનો નિકાલ થાય તે માટે પ્રમુખ દોડધામ કરી રહ્યા છે. પાટીદાસ અનામત આંદોલનમા વર્ષ-૨૦૧૫માં ફાયર સ્ટેશનનુ વોટર બાઉઝરને આગ લગાવવામાં આવતા અત્યારે વોટર બાઉઝરની વારંવાર જરૂર પડે છે. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલે વોટર બાઉઝર પાલિકામાં ફાળવાય તે માટે રજુઆત કરી હતી. પરંતુ વિસનગરને કેબિનેટ મંત્રી પદ મળ્યુ પણ હજુ સુધી વોટર બાઉઝર નથી મળ્યુ તે હકીકત છે. પાલિકામાં અત્યારે કાર્યરત એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમા છે. ત્યારે એમ્બ્યુલન્સ ફાળવાય તેમજ ધરોઈ કોલોની રોડ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ધરોઈ કોલોનીમાં સંપ અને ઓવરહેડ ટાંકીની જગ્યા ફાળવાય તે માટેની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂા.૨.૯૩ કરોડના ખર્ચમા આસ્ફાલ્ટ રોડ ગૌરવપથની તથા રૂા.૨.૩૭ કરોડની નગરપાલિકા ભવનની બાકીની વહિવટી મંજુરી મળે. જી.ડી.હાઈસ્કુલમા સાયન્સ લેબોરેટરી માટે રૂા.૯૯.૮૫ લાખની તાત્રીક તથા વહિવટી મંજુરી મળે ઉપરાંત સીટી પોઈંટથી કૃષ્ણનગર સંપ સુધી ડી.આઈ.પાઈપલાઈનની કામગીરીનુ ૨૨.૮૬ ટકા ઉંચુ ટેન્ડર આવતા તેની મંજુરી મળે તેમજ આ પાઈપ લાઈનમા ૪૬.૭૪ લાખની ગ્રાન્ટ તબદીલ માટે મોકલી આપી છે તેની મંજુરી મળે તે માટે પ્રમુખ દ્વારા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે.