Select Page

કેબીનેટ મંત્રી સમક્ષ ડેરીની સત્તાનુ સુકાન મેળવવા લોબીંગ

કેબીનેટ મંત્રી સમક્ષ ડેરીની સત્તાનુ સુકાન મેળવવા લોબીંગ

મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા વિસનગર તાલુકાના દૂધ ઉત્પાદકોએ બીજા અઢી વર્ષ માટે સમાજમાં ભામાશા તરીકે ઓળખાતા બિલ્ડર અને દૂધ સાગર ડેરીના ભાજપ સમર્થિત પેનલના ડીરેક્ટર કનુભાઈ ચૌધરી (દગાવાડીયા)ને ચેરમેન બનાવવા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ ટેકેદારો દ્વારા રજુઆત કરાઈ હતી. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે દૂધ સાગર ડેરીના ચેરમેન કોને બનાવવા તે ભાજપ સરકાર નક્કી કરશે તેવુ જણાવતા અત્યારે દૂધ સાગર ડેરીનું સત્તાનુ સિંહાસન મેળવવા ભાજપના દાવેદારો વચ્ચે લોબીંગ શરૂ થયુ છે.
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનુ સત્તાનુ સિંહાસન રહેશે કે જશે તેવી ચર્ચાઓ શરૂ
મહેસાણા અને પાટણ જીલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી મનાતી મહેસાણા દૂધ સાગર ડેરીનુ સત્તાનું સિંહાસન મેળવવા માટે અગાઉ દૂધ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી અને વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌધરી વચ્ચે ભારે રાજકીય ધમાસણ થયુ હતુ. આ દરમિયાન પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી સાગરદાણ કૌભાંડના કેસમાં કાયદાની ચુંગાલમાં ફસાતા ડેરીની ચુંટણીમાં ભાજપ સમર્થિત અશોકભાઈ ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય થયો હતો. દૂધ સાગર ડેરીની ચુંટણીનુ એ.પી.સેન્ટર વિસનગર હતુ અને સરકારની સુચનાથી કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે ભાજપ સમર્થિત અશોકભાઈ ચૌધરીની પરિવર્તન પેનલના ઉમેદવારોને વિજયી બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ સરકારના સહયોગથી અશોકભાઈ ચૌધરીને પ્રથમ અઢી વર્ષ માટે દૂધ સાગર ડેરીનુ સુકાન સોંપવામાં આવ્યુ હતુ. અત્યારે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની અઢી વર્ષની ટર્મ પુરી થતા હવે બીજા અઢી વર્ષ માટે ચૌધરી સમાજના જાણીતા યુવા બિલ્ડર અને ભાજપ સમર્થિત પેનલના ડીરેક્ટર કનુભાઈ ચૌધરી (દગાવાડીયા)ને દૂધ સાગર ડેરીના ચેરમેન બનાવવા માટે તેમના સમર્થકો મેદાને પડ્યા છે. જેમાં વિસનગર તાલુકાના ચૌધરી સમાજ તથા અન્ય સમાજના દૂધ ઉત્પાદકો અને સમર્થકોએ ગત શનિવારના રોજ ધારાસભ્ય કાર્યાલયમાં આવી ડીરેક્ટર કનુભાઈ ચૌૈધરીને દૂધ સાગર ડેરીના ચેરમેન બનાવવા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે દૂધ સાગર ડેરીના ચેરમેન કોને બનાવવા તે ભાજપ સરકાર નક્કી કરશે તેવુ કનુભાઈ ચૌધરીના સમર્થકોને જણાવતા અત્યારે દૂધ સાગર ડેરીનુ સત્તાનુ સિંહાસન મેળવવા ભાજપના જ બે દાવેદારો વચ્ચે રાજકીય લોબીંગ શરૂ થઈ છે. ત્યારે આગામી સમયમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે યોજાનારી ચુંટણી ભારે રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ભાજપ હાઈકમાન્ડ દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનનો તાજ કોને સોંપે છે તે જાણવા દૂધ ઉત્પાદકો ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. અત્યારે દૂધ સાગર ડેરીના ચેરમેન પદને લઈને ભાજપના જ બે ગૃપ આમને સામને આવતા મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts