સ્વસ્થ જીવનમાં રક્તદાન અને બ્રેઈન ડેડ બાદ અંગદાન મહાદાન
તંત્રી સ્થાનેથી…
“આથી હુ પ્રતિજ્ઞા લઉ છું કે, જો હુ આકસ્મિક રીતે બ્રેઈન ડેડ જાહેર થઉ તો અન્યને જીવનદાન આપવા માટે મારા અંગોનુ દાન કરવા મારી સંમતિ આપુ છુ. આ ભગીરથ કાર્યમાં મારા સંકલ્પને પૂર્ણ કરવા માટે મારા પરિવારજનોનો પણ સહકાર મળશે. આ સીવાય મારા પરિવારમાં, મારા મિત્રવર્તુળમાં, મારા સમાજમાં કે મારી આસપાસ કોઈપણ વ્યક્તિ આકસ્મિક બ્રેઈન ડેડ જાહેર થશે તો તેમના અંગોનુ દાન કરવા માટે તેમના પરિવારજનોને હુ સમજાવીશ અને પ્રેરીત કરીશ.” આ પ્રતિજ્ઞા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરી જાહેર કરવામાં આવી છે. માનવ શરીરના અંગોનુ કેટલુ અને શુ મહત્વ છે તેની જેને જરૂર પડી હોય તેનેજ ખબર પડે. જાણીતા સમાજ સેવક દિલીપભાઈ દેશમુખના લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતાપૂર્વક થયા બાદ પોતાનુ શેષ જીવન અંગદાન જાગૃતિ માટે ઘસી નાખવા સંકલ્પબધ્ધ થયા છે. જેમના આ અભિયાનને હવે સરકારનો પણ સહકાર મળ્યો છે અને દરેક શાળા, કોલેજ, સમાજના ફંક્શનોમાં અંગદાન જાગૃતિ તેમજ પ્રતિજ્ઞાના કાર્યક્રમો થઈ રહ્યા છે. મૃત્યુ બાદ તબીબ ક્ષેત્રે અભ્યાસ કરતા બાળકો માટે જેટલુ દેહદાન જરૂરી છે તેટલુજ જરૂરી અંગદાન છે. કાળા માથાનો માનવી મંગળ ગ્રહ સુધી પહોચ્યો, બ્રહ્માંડના ગુઢ રહસ્યોને જાણવામાં સફળ રહ્યો, પરંતુ કુદરતે રચેલી જીવસૃષ્ટીની કૃત્રિમ રચના કરવામાં પાંગળો સાબીત થયો છે. કૃત્રિમ રક્ત બની શકતુ નથી એટલે રક્તદાનનુ મહત્વ છે, તેવીજ રીતે માનવીના કૃત્રિમ અંગ બની શક્યા નથી એટલે અંગદાનનુ પણ એટલુજ મહત્વ વધી ગયુ છે. જોકે અંગદાન જાગૃતિનુ પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યુ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ ઘોષિત થયો છે. પરંતુ અમેરિકા અને ચીન પછી અંગદાનમાં ભારત ત્રીજા સ્થાને છે. WHO ના એક સર્વે મુજબ ભારતમાં માત્ર ૦.૦૧ ટકા લોકોજ અંગદાન કરે છે. જે ભારતની જરૂરીયાત સામે ખુબજ ઓછુ છે. લોકોમાં જાગૃતિનો અભાવ, ડર, અંધશ્રધ્ધા, નિરક્ષરતા અને સ્વજન પ્રત્યેના અતુટ પ્રેમના કારણે પશ્ચિમિ દેશો કરતા ભારતમાં અંગદાનનુ પ્રમાણ ખુબજ ઓછુ છે. હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો એ કહેવત હાથીના કિંમતી દાંતના કારણે પડી છે. પરંતુ બ્રેઈન ડેડ માણસ હાથી કરતા પણ મૂલ્યવાન છે. જો માનવી ધારે તો પોતાના મૃત શરીરમાં રહેલા અંગોના દાનથી એક સાથે સાત વ્યક્તિના બુઝાઈ રહેલા દિપકને પુનઃ ઝગમગતો કરી શકે છે. અંગદાન માટે બ્રેઈનડેડની જાગૃતિ ખુબજ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું બંધ થઈ ગયુ હોય તે ફરીથી ભાનમાં આવવા કે જાતે શ્વાસ લેવા સક્ષમ રહેતો નથી. એટલે કે કૃત્રિમ શ્વાસ પર જીવીત રહે છે. એટલે કે વેન્ટીલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઈન ડેડ કહેવામાં આવે છે. આવા દર્દી જીવીત લાશ સમાન હોય છે. આ દર્દીના નિકટના સગાસબંધી બ્રેઈન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, બે કિડની, લીવર, ફેફસા, સ્વાદુપીંડ અને નાના આંતરડાનુ દાન કરે તેને અંગદાન કહેવાય છે. બે વર્ષ પહેલાના સર્વે મુજબ ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે. પરંતુ તેમાના ફક્ત ૩૦૦૦ નેજ અંગદાનથી કિડની મળી છે. ભારતની વાર્ષિક લીવર પ્રત્યાર્પણની જરૂરીયાત ૨૫૦૦૦ ની છે તેની સામે ૮૦૦ લીવર અંગદાનથી મેળવી શકાયા છે. અકસ્માતમાં વધુમાં વધુ લોકો બ્રેઈન ડેડ થાય છે. એક સર્વે મુજબ ભારતમાં દર ૪ મિનિટે માર્ગ અકસ્માતમાં એકનુ મૃત્યુ થાય છે. જેમાં બ્રેઈન ડેડ થયેલા દર્દીના અંગદાનમાં સગા સબંધીઓ ખચકાટ ન અનુભવે તો ભારતમાં વર્ષે ઉભી થતી અવયવોની માંગ પુરી થાય તેમ છે. ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા અંગદાનની જાગૃતિ માટે અંગદાન આપનાર દર્દીના કુટુંબીજનોનુ સન્માન કરાયુ હતું. અંગદાનથી મેળવેલ અવયવો ઝડપી પહોચતા કરવા સરકારની સુચનાથી ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઈ છે. ૧૦૦ વર્ષની વય સુધી આંખ અને ત્વચા, ૭૦ વર્ષની વય સુધી કિડની – લીવર, ૫૦ વર્ષની વય સુધી હૃદય – ફેફસા અને ૪૦ વર્ષની વય સુધી હૃદયના વાલ્વનુ દાન કરી શકાય છે. બ્રેઈનડેડનુ મૃત્યુ નિશ્ચીત છે. સમયસર નિર્ણય લેવામાં ન આવે તો અવયવો રાખ કે માટીમાં મળી જાય છે અને હિંમતપૂર્વક નિર્ણય કરવામાં આવે તો બીજા સાતની જીંદગી બચાવી શકાય છે. એટલેજ અંગદાન એ મહાદાન છે.