Select Page

કીર્તિભાઈ કલાનિકેતન પ્રમુખ બનતાજ લોક પ્રશ્નોના નિકાલ માટે સક્રીયકોપરસીટી મરચન્ટ એસો.નુ પાલિકાને રખડતા ઢોર મુદ્દે અલ્ટીમેટમ

કીર્તિભાઈ કલાનિકેતન પ્રમુખ બનતાજ લોક પ્રશ્નોના નિકાલ માટે સક્રીયકોપરસીટી મરચન્ટ એસો.નુ પાલિકાને રખડતા ઢોર મુદ્દે અલ્ટીમેટમ

પટેલ કીર્તિભાઈ કલાનિકેતન કોપરસીટી મરચન્ટ એસો.વિસનગરના પ્રમુખ બનતાજ આ સંગઠનમાં નવચેતના જોવા મળી રહી છે. શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ખુબજ મોટો છે. જેની સામે પાલિકાના સત્તાધિશો ગાઢ નિંદ્રામાં છે. ત્યારે કોપરસીટી મરચન્ટ એસો.એ પાલિકાને અલ્ટીમેટમ આપ્યુ છેકે ૧૦ દિવસમાં રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલન કરતા પણ ખચકાઈશુ નહી.
ચોમાસામાં રખડતી ગાયો અને આખલાનો ત્રાસ રહે છે. ગત અઠવાડીયે વિસનગરમાં ખેરાલુ રોડ ઉપર ગાયે અડફેટે લેતા બાઈક સવાર દંપત્તીને ઈજા થઈ હતી. આ સીવાય આખલા બાખડતા શહેરના વિવિધ વિસ્તારોમાં દોડધામ મચી જતી હોવાના બનાવો રોજીંદા બની ગયા છે. મોટાભાગની પાલિકાઓ દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વિસનગર પાલિકા તંત્ર હજુ આ મુદ્દે તમાસો જોઈને બેસી રહ્યુ છે. ત્યારે કોપરસીટી મરચન્ટ એસો.વિસનગર દ્વારા પાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છેકે ૧૦ દિવસમાં રખડતી ગાયો અને આખલા પકડવા માટેની કાર્યવાહી કરવામાં નહી આવે તો પાલિકા સામે આંદોલન કરવાની ફરજ પડશે.
કોપરસીટી એસો.ના પ્રમુખ કીર્તિભાઈ કલાનિકેતન, રાજુભાઈ પટેલ આર.કે., પરેશભાઈ પટેલ, કેશવલાલ શેઠ, નટુભાઈ પટેલ સદુથલા તથા ગાંડાલાલ પટેલે વેપારીઓની સહીયો સાથે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીને તા.૧૧-૮-૨૩ ના રોજ આવેદન પત્ર આપ્યુ છેકે, શહેરના હાઈવે સહિતના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. રખડતી ગાયો અને આખલા રસ્તા વચ્ચે બાખડતા શહેરના લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. રખડતા ઢોરોથી બચવા લોકોને દોડીને સલામત સ્થળે સંતાવવા મજબુર થવુ પડે છે. આ ત્રાસ સામે પાલિકા સમક્ષ લોકોએ અનેકવાર લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતા પરિણામ શૂન્ય છે. આંતરે દિવસે રખડતી ગાયોના કારણે ઈજા થવાના બનાવો બની રહ્યા છે. કોઈ મોટી જાનહાની થાય તે પહેલા તંત્રને ચેતવીએ છીએ કે જો, ૧૦ દિવસમાં ઘટતુ કરવામાં નહી આવે તો શહેરના નાગરિકોના હિતમાં લોક આંદોલન કરતા પણ ખચકાઈશુ નહી. રખડતા ઢોરના કારણે હવે કોઈ જાનહાની થશે તો જવાબદારી પાલિકા ચીફ ઓફીસરની રહેશે.
શહેરમાં રખડતા ઢોરો ઉપરાંત્ત રેલ્વે ફાટકમાં મુકવામાં આવેલ બેરીકેટ બાબતે રજુઆત કરવામાં આવી છે કે, હાલમાં ફાટકની બન્ને બાજુ કામચલાઉ બેરીકેટ મુકવામાં આવ્યા હોવાથી ટ્રાફીક સમસ્યા હળવી થઈ છે. જેનુ સારૂ પરિણામ મળતા રેલ્વે ફાટકની બન્ને બાજુ રોડ ઉપર કાયમી ધોરણે ડીવાઈડર બનાવવા વિનંતી કરાઈ છે. ડીવાઈડર મુકવાથી ટ્રાફીક સમસ્યામાં કાયમી સુધારો થશે અને ડાબી સાઈડ હરોળમાં ઉભા રહેવાની ટ્રાફીક સેન્સ કેળવાશે. નોધપાત્ર બાબત છેકે પાલિકામાં ભાજપનુ શાસન છે અને આવેદન આપનાર કોપરસીટીના હોદ્દેદારો પણ ભાજપમાં માનનાર છે. તેમ છતા શહેરની પ્રજાના હિતમાં આંદોલન કરવાની ચીમકી આપતા શહેરની જનતા અને વેપારીઓએ કોપરસીટી મરચન્ટ એસો.ની ચીમકી આપતી કાર્યવાહીને બીરદાવી જરૂર પડે આંદોલનમાં સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us