કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ એ એક હિન્દુ વિરોધી માનસિકતા
તંત્રી સ્થાનેથી…
મોગલ બાદશાહ બાબરના લડવૈયા મીર બાકીએ ૧૫૨૮ માં રામ મંદિર ધ્વસ્ત કરીને બાબરી મસ્જીદ બનાવી ત્યારથી અયોધ્યા રામ મંદિરનો વિવાદ ચાલ્યો આવે છે. ભારત વર્ષમાં સનાતન કાળથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને પૂજતા આવ્યા છે. ત્યારે બાબરી મસ્જીદના સ્થળે રામ મંદિર બને તે માટેના અનેક યુધ્ધો થયા અને હિન્દુ રાજાઓ તથા સૈનિકોએ બલીદાન આપ્યા. દેશ આઝાદ થયો ત્યાર પછી અદાલતોમાં મંદિરની જગ્યાના વિવાદનો જંગ થયો. આઝાદી બાદ ૭૩ વર્ષે ૯ નવેમ્બર ૨૦૧૯ ના દિવસે સુપ્રિમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. જગ્યા ફાળવ્યા બાદ મંદિર બનાવવા તડામાર તૈયારીઓ શરૂ થઈ. દેશનો રૂપિયો કોઈ એક સમાજનો નહી પરંતુ દેશના તમામ લોકોનો હોવાથી સરકારી રૂપિયાથી નહી પરંતુ મંદિર લોકફાળાથી બનાવવા નિર્ણય કરાયો. મંદિર બનાવવા રૂા.૯૦૦ કરોડનુ બજેટ હતુ. પરંતુ ૫૦૦ વર્ષ પછી શ્રીરામ લલ્લાને પોતાના સ્થાનકમાં બેસાડવા દેશના હિન્દુઓએ એટલો બધો ઉત્સાહ દાખવ્યો કે રૂા.૩૨૦૦ કરોડનુ રોકડ દાન આપ્યુ. ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ ના દિને અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવ્યા બાદ મહોત્સવ દિન જેમ નજદીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં રામ મંદિરને લઈને એક અલગજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશનો તમામ હિન્દુ સમુદાય નાત જાતના ભેદભાવ ભુલીને પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાય તે માટે ઘેર ઘેર અયોધ્યાથી પૂજન થઈને આવેલા અક્ષત, શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકાઓ પહોચાડવામાં આવી રહ્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવની ફક્ત અયોધ્યામાજ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે એવુ નથી. પરંતુ સમગ્ર દેશનો એક મોટો વર્ગ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામના દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશના ખૂણે ખૂણામાંથી શ્રીરામ મંદિર માટે અલગ અલગ ભેટ અને ઉપહાર પહોચાડવામાં આવી રહ્યા છે. ગુજરાતના વડોદરામાં ભરવાડ સમાજના આગેવાન અને ગૌરક્ષક રામભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા ૧૯૧ કિલો ગીર ગાયનુ ઘી, ૩૭૬ કિલો ગુગળ ધૂપ, ૨૮૦ કિલો તલ, ૩૭૬ કિલો કોપરાની છીણ, ૪૨૫ કિલો હવન સામગ્રી તથા ૧૪૭૫ કિલો ગાયના છાણના ભૂકાથી તૈયાર કરવામાં આવેલ ૧૦૮ ફૂટ લાબી અગરબત્તી તૈયાર કરી અયોધ્યા પહોચાડવામાં આવી રહી છે. તામિલનાડુના રામેશ્વરમથી અષ્ટધાતૂનો ૧૨૦૦ કિલોનો ઘંટ, અમદાવાદથી મોટુ નગારૂ આમ વિવિધ ભેટ પ્રતિષ્ઠા મહોત્સવે શ્રીરામને અર્પણ કરવામાં આવી રહી છે. ફક્ત દેશમાંથીજ નહી પરંતુ ભગવાન રામનુ સસુરાલ, સીતામાતાનુ જન્મ સ્થળ પડોશી દેશ નેપાળના જનકપુરથી રામને આભૂષણો, વિવિધ વસ્તુઓથી ભરેલા ૧૧૦૦ જેટલા થાળ પહોચતા કરવામાં આવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાકલથી દરેક શહેર, ગામ અને વિસ્તારમાં રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ તથા ભક્તિ રસ ભજનોના કાર્યક્રમો શરૂ થયા છે. અયોધ્યાન રામ મંદિર મહોત્સવથી સમગ્ર દેશમાં સનાતન ધર્મનુ એક ઔલોકીક વાતાવરણ ઉભુ થયુ છે. મંદિરમાં ક્યારેય નહી જતો દેશનો યુવાવર્ગ પણ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ રહ્યો છે. શ્રીરામના માહોલમાં રંગાઈ જવાની જગ્યાએ અત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો શ્રીરામ અને મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ટીકા કરવામાં વ્યસ્ત બન્યો છે. જોકે અયોધ્યા રામ મંદિરમાં કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. તૃષ્ટિકરણના રાજકારણમાં કોંગ્રેસે હંમેશા અયોધ્યા રામ મંદિર વિવાદમાં વિરોધની ભૂમિકા ભજવી છે. જ્યારે રામ મંદિર જગ્યાના વિવાદ કોર્ટમાં ચાલતો હતો ત્યારે પ્રભુ શ્રીરામના અસ્તિત્વના સવાલો કરવામાં આવતા હતા. રામ એ એક કાલ્પનિક પાત્ર છે તેવો દાવો કરવામાં આવતો હતો. કોર્ટના રામ મંદિરની જગ્યાના વિવાદમાં વિરોધ કરવા માટે વકીલોની ફોજ ઉભી કરવામાં આવી હતી. દેશમાં શ્રીરામના નામનુ અસ્તિત્વજ ન રહે તેટલી હદે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશને સ્વિકારી રામ મંદિર મહોત્સવમાં જોડાઈ જવાના બદલે હજુ તૃષ્ટિકરણનુ રાજકારણ રમવામાં આવી રહ્યુ છે. મહોત્સવની આમંત્રણ પત્રિકા મળે ત્યારે હર્ષભેર સ્વિકારવાની જગ્યાએ જવુ કે ન જવુ તેનો લાબા દિવસો સુધી વિચાર કરવામાં આવે છે. કોંગ્રેસ અને સાથી પક્ષોના નેતાઓ દ્વારા હજુ પણ અયોધ્યા રામ મંદિર અને પ્રભુ શ્રીરામ પ્રત્યે ખરાબ ટીપ્પણીઓ કરવામાં આવે છે. છતા મોગલ રાજાઓની માનસિકતા ધરાવતા આ પક્ષો તેમના નેતાઓને રામ મંદિર અને શ્રીરામના વિરોધમાં જીભ ઉપર લગામ રાખવાનુ કહેવામાં આવતુ નથી. દેશના હિન્દુઓએ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ અને શ્રીરામનો વિરોધ કરતી માનસિકતાને સમજી ગયા છે.