Select Page

કાયદો પાંગળો હોવાથી ભેળસેળીયાઓને કોઈનો ડર નથી હાર્ટએટેક અને કેન્સરનો ભોગ બનતા અટકાવવા ભેળસેળના કડક કાયદા જરૂરી

કાયદો પાંગળો હોવાથી ભેળસેળીયાઓને કોઈનો ડર નથી હાર્ટએટેક અને કેન્સરનો ભોગ બનતા અટકાવવા ભેળસેળના કડક કાયદા જરૂરી

તંત્રી સ્થાનેથી…
ખાદ્ય ચીજોમાં ભેળસેળ નિવારણ માટે અને ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના અધમ કૃત્યો રોકવા માટે એક સર્વગ્રાહી કાયદાની જોગવાઈ કરવાના હેતુથી સંસદમા ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ ૧૯પ૪ ઘડવામા આવ્યો. આ અગાઉ ભારતના જુદા જુદા રાજ્યોમા ખોરાકમા થતી ભેળસેળના નિવારણ માટે અલગ અલગ કાયદા ઘડવામા આવ્યા હતા. જેે અલગ અલગ રાજ્યમા કરવામા આવેલી કાયદાની જોગવાઈઓ પર્યાપ્ત ન હતી. જેથી સંસદમા ૧૯પ૪ નો ખાદ્ય સામગ્રી અને અન્ય ચીજવસ્તુઓમા થતી ભેળસેળ રોકવા માટે ખરડો પસાર કર્યો. આ ખરડામા ત્યારબાદ કેટલાક સુધારા પણ કરવામા આવ્યા. આ કાયદાનુ ઉલ્લઘંન કરનારને સખ્ત નશ્વત કરવાની જોગવાઈ કરવામા આવી છે. ખોરાકમા ભેળસેળમા તમામ જવાબદાર વ્યક્તિને ૬ માસથી ૩ વર્ષ સુધીની કેદ અને રૂા.૧૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. જેમા કોઈપણ વ્યક્તિ ભારતમા ભેળસેળયુક્ત ખોરાકની ચીજવસ્તુની આયાત, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે વિતરણ અથવા અધિનિયમ અને નિયમોની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંગ કરતી જણાય તો જણાવેલ સજા થઈ શકે છે. આરોગ્ય માટે હાનિકારક હોય તેવા ખોરાકની ભેળસેળ કરવા માટેના પદાર્થની આયાત, ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે જવાબદાર વ્યક્તિ પણ સજાને પાત્ર ગણાશે. જો કે ભારતમાં ખાદ્ય વસ્તુઓમા ભેળેસેળ અટકાવવા માટેના કાયદો, સજા, તથા દંડએ ફક્ત દેખાવ પુરતો સીમીત છે. દમ વગરનો કાયદો હોવાથી ભેળસેળ કરનાર અસમાજીક તત્વો ઉપર તેની કોઈ અસર જોવા મળતી નથી. અત્યારે યુવાનોમા હાર્ટ એટેકના વધુમા વધુ કિસ્સા જોવા મળી રહ્યા છે, જેનુ કારણ છે જંકફૂડનો વધેલો વ્યાપ. મોટી હોટલો, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના સ્ટોલ દ્વારા પીરસવામા આવતા જંકફૂડમા મોટાભાગે બટર, પનીર, ચીઝ જેવી વસ્તુઓ ડુપ્લીકેટ ભેળસેળવાળી હોય છે. જેના કારણે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ખાદ્ય સામગ્રી વાસી પીરસવામા આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ થતુ નથી કે નમૂના લેવામા આવતા નથી એવુ નથી. કાગળ ઉપર બતાવવા પુરતી કાર્યવાહી થાય છે. સેમ્પલ અને નમૂના લેવાય છે પરંતુ રીપોર્ટ આવતા નથી. વિસનગરની જ વાત કરીએ તો દિવાળી પહેલાના બે માસ દરમ્યાન ખાદ્ય ચીજ વસ્તુ વેચતા વેપારીઓના ત્યા તપાસ કરી ૮૦ જેટલા નમૂના લેવામા આવ્યા છે. સ્થળ ઉપરના પરિક્ષણમા સેમ્પલ ફેલ થતા અખાદ્ય સામગ્રીનો નાશ કરવામા આવ્યો હતો. પરંતુ હજુ સુધી લેવામા આવેલા નમૂના માંથી એકપણ રીપોર્ટ આવ્યો નથી. ભેળસેળીયાઓ સાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મીલીભગતના કારણે ઉંઝામા બનાવટી જીરૂ બનાવનાર વેપારી દસ માસના ગાળામા બે વખત ઝડપાયા છે. બનાવટી જીરૂનો લાખ્ખોનો જથ્થો સીઝ કરવામા આવે છે. છતા ફૂડ એન્ડ ડ્રગ્સના પાંગળા કાયદાના કારણે ભેળસેળીયા ગભરાતા નથી. જીવનમા કોઈપણ પ્રકારનુ વ્યસન કરતા ન હોય તે કેન્સરનો ભોગ બને છે. જેનુ કારણ છે ખેત ઉત્પાદનમા જંતુ નાશકોનો બેફામ ઉપયોગ. લોકો કેન્સરના અસાધ્ય રોગથી બચે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડુતો ગૌ મુત્ર અને છાણ આધારીત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટેના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન માટે શીબીરો યોજવામા આવી રહી છે. યુવાવસ્થામા હાર્ટ એટેકનો ભોગ બનનારને હોસ્પિટલમા પહોચતા પહેલા પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી શકાય તે માટે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલના સુચનથી સી.આર.પી.તાલીમ આપવામા આવી રહી છે. સરકાર દ્વારા લોકો કેન્સરનો ભોગ બનતા અટકે કે હાર્ટ એટેકમાંથી બચે તે માટેના પ્રયત્નો કરવામા આવે છે. પરંતુ ભેળસેળીયા અસામાજીક તત્વો ભેળસેળ કરતા અટકે તે માટે કોઈ કડક કાયદો અમલમા કેમ લાવતા નથી ? સુરત વરાછા રોડ ભાજપના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણીએ સરકારમાં પત્ર લખી લોકોના જીવન સાથે રમત રમતા નકલી ખાદ્યસામગ્રી બનાવતા બેફામ બનેલા ભેળસેળીયાઓને કાબુમા લેવા આગામી વિધાનસભા સત્રમા કડક કાયદો બનાવવા માંગણી કરી છે. ત્યારે લોકોના જીવ સાથે ખીલવાર કરતા ભેળસેળીયાઓ સામે સરકાર કેમ કડક કાયદો બનાવતી નથી ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us