Select Page

ટીફીન બેઠકમાં કેબીનેટ મંત્રી સમક્ષ રજુઆત કરાઈપાલિકામાં ઈતર સમાજના સભ્યોની પ્રમુખ પદની દાવેદારી

ટીફીન બેઠકમાં કેબીનેટ મંત્રી સમક્ષ રજુઆત કરાઈપાલિકામાં ઈતર સમાજના સભ્યોની પ્રમુખ પદની દાવેદારી

આગામી સપ્ટેમ્બર માસમાં પાલિકા પ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોઈ પ્રમુખ પદ માટે દોડ જામી છે. જેમાં ઈતર સમાજના સભ્યોએ પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે. ટીફીન બેઠકમાં કેબીનેટ મંત્રી સમક્ષ ઈતર સમાજને પ્રમુખ પદની રજુઆત કરવામાં આવતા પ્રમુખના સક્ષમ દાવેદારોમાં ફાળ પેઠી છે. ઈતર સમાજ ભાજપને સમર્થન આપતો સમાજ છે. ત્યારે કેબીનેટ મંત્રી ફક્ત આ નાના સમાજોના મત લેવામાંજ માને છેકે પછી પ્રમુખ પદનુ સન્માન આપવામાં પણ માને છે તે એકજ માસમાં ખબર પડશે.
વિસનગરના તત્કાલીન ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાએ વર્ષ ૨૦૦૧ માં શોભનાબેન મહેતાને પાલિકા પ્રમુખ બનાવ્યા બાદ ઈતર સમાજને બહુમાન આપનાર ધારાસભ્ય તરીકેનુ સન્માન મેળવ્યુ હતુ. ઈતર સમાજ વર્ષોથી ભાજપને સમર્થન આપતો સમાજ છે. વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના માહોલમાં ઈતર સમાજ જો ભાજપની પડખે રહ્યો ન હોત તો ઋષિભાઈ પટેલ ત્રીજી ટર્મ ધારાસભ્ય બની શક્યા ન હોત. જોકે રાજકારણમાં કોઈ કોઈનુ કાયમ દોસ્ત નથી કે દુશ્મન નથી તે કહેવત પ્રમાણે સમય જતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઈતર સમાજની મદદ ભુલી ગયા હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૨૧ ની પાલિકાની ચુંટણીમાં ભાજપને ૩૧ સભ્યોની બહુમતી મળતા ઈતર સમાજના સભ્ય પીનાબેન શાહને પ્રમુખ બનાવશે તેવો સૌને ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપર વિશ્વાસ હતો. પરંતુ પ્રદેશ સંગઠનની આગળ ઋષિભાઈ પટેલ ઝુકી જતા વર્ષાબેન પટેલ પાલિકાના પ્રમુખ બન્યા. પ્રદેશ સંગઠનના નિર્ણય આગળ ઝુકી જતા ઋષિભાઈ પટેલને એ યાદ ન આવ્યુ કે વર્ષ ૨૦૧૭ માં ઈતર સમાજ સાથે રહ્યો ન હોતતો શુ થયુ હોત.
વર્ષોથી મત લીધા છે પરંતુ ભાજપે અને કેબીનેટ મંત્રી ઋષિભાઈએ ૨૨ વર્ષથી ઈતર સમાજને પાલિકા પ્રમુખ પદનું સન્માન આપ્યુ નથી
આગામી સપ્ટેમ્બર માસમાં પાલિકા પ્રમુખની મહિલા સીટના અઢી વર્ષ પૂર્ણ થતા હોઈ વર્ષોથી ભાજપ અને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના સમર્થનમાં રહેનાર ઈતર સમાજના પાલિકા સભ્યોમાં ફરી આશા બંધાઈ છેકે ૨૨ વર્ષ બાદ ફરીથી કેબીનેટ મંત્રી ઈતરના નેતા બનશે અને પાલિકા પ્રમુખ પદનુ સન્માન આપશે. જોકે માગ્યા વગર મા પણ પીરસતી નથી એટલે માગ્યા વગર મળતુ નથી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં પીંડારીયા તળાવ પાસે ભાજપ સંગઠનની ટીફીન બેઠક મળી હતી. જેમાં પાલિકાના ઈતર સમાજના સભ્યો દ્વારા ઈતર સમાજને પાલિકા પ્રમુખનો લાભ આપવા માટે રજુઆત કરી હતી. જે અગાઉ ઈતર સમાજના પાલિકાના એક સભ્યના નિવાસ્થાને ગુપ્ત બેઠક મળી હતી. જેમાં એક હોટલમાં ઈતર સમાજના સભ્યોની મીટીંગ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ હિલચાલ લીક થતા જાણવા મળ્યા પ્રમાણે સંગઠનની સુચનાથી મીટીંગનો નિર્ણય પડતો મુકવામાં આવ્યો હતો. જોકે ભાજપ સંગઠન પોચુ હોય ત્યાં આગળી કરે છે. પરંતુ આખો કાઢી પાલિકામાં વટથી દાવો કરી પ્રમુખ પદ નહી મળે તો રાજીનામુ ધરી દઈશુ તેવુ જાહેરમાં કહેનાર સભ્યને કંઈ કહી શકતુ નથી. આંખો કાઢનાર સભ્યને કંઈ કહી નહી શકતુ સંગઠન પક્ષની શિસ્તના નામે ઈતર સમાજના સભ્યોને એક થતા રોકી રહ્યુ છે.
પાલિકા પ્રમુખ પદ માટે ઈતર સમાજના સભ્યોની રજુઆત બાદ ઈતર સમાજમાં સક્ષમ સભ્ય નથી, પ્રમુખ પદનો હોદ્દો સંભાળી શકે નહી તેવી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કયા પ્રમુખના ચાર્જમાં હોબાળા થયા નથી. ચુંટણી સમયે ઉમેદવારની પસંદગી કરતી વખતે જીતી શકે કે નહી તેવી સક્ષમતા જોવામાં આવે છે. તો પ્રમુખની પસંદગીમાં આ સક્ષમતા કેમ અવગણવામાં આવે છે. પીનાબેન શાહને પડતા મુકી વર્ષાબેન પટેલને પ્રમુખ બનાવ્યા તો વર્ષાબેન પટેલના શાસનમાં કયા હોબાળા થયા નથી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઈતર સમાજના ફક્ત મત લેવામાજ માને છેકે પછી સન્માન આપવામાં પણ માને છે તે સમય બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us