Select Page

ગોઝારીયા તાલુકામાં સમાવવા તંત્રની હિલચાલ સામેધામણવા-કાંમલપુર(ખ) ગ્રામજનોનો વિસનગરથી અલગ થવા સામે રોષ

ગોઝારીયાને તાલુકો બનાવવાની માગણી સંતોષવાની લ્હાયમાં સરકાર અને વહિવટી તંત્ર બરોબરનુ ફસાયુ છે. નવા બની રહેલા તાલુકામાં નજીકના તાલુકાની ગ્રામ પંચાયતોને સમાવવાની હિલચાલથી મોટાભાગની ગ્રામપંચાયતોએ પોતાના મુળ તાલુકાથી છુટા પાડવા સામે વિરોધ નોધાવ્યો છે. વિસનગર તાલુકાના ધામણવા અને કાંમલપુર(ખ)ના ગ્રામજનોએ ગોઝારીયામાં સમાવવા બાબતે વિરોધ નોધાવ્યો છે. ગ્રામજનોએ ચીમકી આપી છેકે જો વિસનગર તાલુકાથી અલગ પાડવામાં આવશે તો નાછુટકે ગાંધી ચીન્ધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે. આવેદન પત્ર આપતા ઉગ્ર આંદોલન કરવાનો મિજાજ પણ ગ્રામજનોમાં જોવા મળ્યો હતો.
કર્મભૂમિથી અલગ થવાનુ કોઈને ગમે નહી. વિસનગર તાલુકો એ જોડાયેલા ગ્રામપંચાયતોની અને ગ્રામજનોની કર્મભૂમિ છે. આઝાદી બાદ બબ્બે ત્રણ ત્રણ પેઢીઓથી લોકો વિસનગર સાથે સંકળાયેલા છે. ત્યારે સરકારે ગોઝારીયાને તાલુકો બનાવવાનુ આપેલુ વચન પુરૂ કરવામાં વિસનગર તાલુકાના ધામણવા અને કાંમલપુર(ખ) ને નવા તાલુકામાં સમાવવાની હિલચાલથી આ બન્ને ગામના ગ્રામજનોમાં કર્મભૂમિથી અલગ થવાનો ભારે રંજ જોવા મળી રહ્યો છે. સરકાર અને તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતા ગ્રામજનોની લાગણીને અવગણી મૂળ તાલુકામાંથી અલગ પાડવાની હિલચાલ વધતા હવે આ બન્ને ગામના ગ્રામજનો “કરો યા મરો ના” મૂડમા આવી ગયા છે. ગોઝારીયા તાલુકામાં સમાવવા સામે ધામણવા તથા કાંમલપુર(ખ)ના ગ્રામજનો દ્વારા વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વિગેરેને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. ધામણવા ગામના સરપંચ મનુભાઈ પટેલ, વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર ભરતભાઈ પટેલ, પૂર્વ સરપંચ રમેશજી ઠાકોર, પૂર્વ ડેલીગેટ અંબાલાલ પટેલ, કાંમલપુર(ખ)ના સરપંચ લક્ષ્મણજી ઠાકોર, પૂર્વ સરપંચ રમણભાઈ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા સહિઓ કરીને આવેદન પત્ર આપવામાં આવ્યુ છેકે, સરકાર દ્વારા નવીન બનાવવામાં આવી રહેલ ગોઝારીયા તાલુકામાં બન્ને ગામનો સમાવેશ કરવાનુ ધ્યાને આવતા ગ્રામજનો તેનો વિરોધ કરે છે. અમારા ગામ છેવાડાના ગામ હોવા છતા તાલુકાના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આ બન્ને ગામનો વિકાસ કર્યો છે. કેબીનેટ મંત્રીએ ગ્રામજનોના તમામ પ્રશ્નોની નોધ લીધી છે. આ બન્ને ગામનો નાતો વિસનગર સાથે છે. ગ્રામજનો સામાજીક, શૈક્ષણિક, આરોગ્ય, ધંધાકીય તમામ રીતે વિસનગર સાથે જોડાયેલા છે. ગામની સેવા સહકારી મંડળી, દૂધ ઉત્પાદક મંડળી વિગેરે સંસ્થાઓ પણ ગોઝારીયા નવીન તાલુકામાં જવા તૈયાર નથી. ગ્રામજનો પણ નવા બનતા તાલુકામાં જવા માટે તૈયાર નથી. બન્ને ગ્રામજનોની લાગણીને અવગણીને ગોઝારીયા તાલુકામાં સમાવેશ કરવામાં આવશે તો નાછુટકે ગાધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us