વર્ક ઓર્ડર આપ્યા બાદ બે દિવસ ગાયો અદ્રશ્ય થઈ ગઈ-હાલ જૈસે થે પરિસ્થિતિપાલિકાની ગાયો પકડવાની કાર્યવાહી ચાર દિન કી ચાંદની જેવી
ગાયો પકડવામાં વિસનગર પાલિકાની કાર્યવાહી ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવી જોવા મળી રહી છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ ગાયો પકડવામાં આવતા બે દિવસ રખડતા પશુ અદ્રશ્ય થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. રખડતી ગાયોને પણ જાણે ખબર પડી ગઈ હતી કે ચોથો શનિ અને રવિવારની રજા છે. બે દિવસ પાલિકાનુ કોઈ રણીધણી નથી એટલે ચક્કાજામ કરવામાં વાધો નથી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર મોટા ઉપાડે જાહેરાત કરવામાં જેટલા ઉત્સાહિત હોય છે તેટલો ઉત્સાહ ગ્રાઉન્ડ ઉપર કામ કરવામાં દેખાતો નથી.
છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં રખડતા પશુઓનો ત્રાસ નગરજનો સહન કરી રહ્યા હતા. રખડતી ગાયો અને આખલાઓ લોકોને અડફેટે લેતા અને અકસ્માતનો ભોગ બનાવતા. તમાશો જોતી પાલિકા સામે લોકોનો રોષ હતો. વિસનગર કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ કિર્તિભાઈ કલાનિકેતને રખડતા પશુ પકડવાની કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલન કરવામા આવશે તેવી ચીમકી આપતાજ પાલિકા તંત્રની આંખો ખુલી હતી.
શહેરમાં રખડતા પશુ પકડવાના પાંચમા પ્રયત્નના ટેન્ડર બાદ પણ કોઈ ટેન્ડર નહી આવતા છેવટે પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદીના પ્રયત્નોથી કોન્ટ્રાક્ટરને સંમત કરી વર્ક ઓર્ડર આપવામા આવ્યો હતો. તા.૨૩-૮-૨૦૨૩ને બુધવારના દિવસે કોન્ટ્રાક્ટરે પ્રથમ મહેસાણા રોડ ઉપર ૩૦ જેટલી ગાયો પકડી આદર્શની સામે પાલિકાની કંમ્પાઉન્ડ ધરાવતી જગ્યામાં પુરી હતી. જેમાંથી પાંચ જેટલા ગોપાલકોએ ગાય દીઠ રૂા.૫૦૦૦/- દંડ ભરીને ગાયોને છોડાવી ગયા હતા. બાકીની ૨૫ ગાય અમદાવાદ પાંજરાપોળ મુકવામા આવી હતી. કોન્ટ્રાક્ટરે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરતાજ શહેરના માર્ગો ઉપરથી રખડતી ગાયો સાથે આખલા પણ અદ્રશ્ય થઈ ગયા હતા.
બે દિવસની કડક કાર્યવાહી બાદ ફરીથી શહેરમાં વોહી રફતાર યથાવત પરિસ્થિતિ જોવા મળી હતી. ચોથો શનિવાર અને રવિવારની રજાના કારણે પાલિકામાં કોઈ દેખરેખ રાખનાર નહી હોવાથી ગાયોએ માર્ગો ઉપર ચક્કાજામ કર્યાનુ જોવા મળ્યુ હતુ. અગાઉ જ્યારે વિસનગરમાં સરકારના કોઈ કેબીનેટ કક્ષાના નેતા આવવાના હોય ત્યારે માર્ગો ગાયમુક્ત કરવામાં આવતા હતા. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો શુક્રવારથી રવિવાર સુધી માદરે વતનમાં પડાવ હતો. તેમ છતા શહેરમાં રખડતી ગાયો જોવા મળતા એમ કહી શકાય કે પાલિકાના મતે ઘરના મંત્રીની કોઈ કદર નથી. શુક્રવારની સાંજથીજ ગાયો રોડ ઉપર કબજો જમાવતા ગૌરવપથ રોડ ઉપર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાયો પકડવાથી પાલિકાની દેખાવ પુરતી કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો હતો.