કોઈએ માગણી ન કરી તો સિંચાઈ વિભાગે લાગણી ન કરીધરોઈનુ ઓવરફ્લો પાણી કેનાલમાં આપવા તંત્ર ઉદાસીન
વરસાદ ખેચાતા ચોમાસુ પાક બગડવાની ખેડૂતોને ભીતી છે. ત્યારે લાગણીહિન સિંચાઈ વિભાગના કારણે ધરોઈ ડેમનુ ઓવરફ્લો પાણી કેનાલમાં છોડવામાં આવ્યુ નથી. ડેમનુ પાણી નદીમાં વહી જાય છે ત્યારે વિસનગર કેનાલમાં છોડવામાં આવ્યુ હોત તો અનેક ખેડૂતોને લાભ મળી શક્યો હોત. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારની કામગીરીમાં વ્યસ્ત રહેતા તાલુકાના ખેડૂતોની મુશ્કેલીથી બેધ્યાન હોવાથી કેનાલના પાણીનો લાભ મળી શક્યો નથી. જ્યારે ધરોઈ કેનાલ પિયત સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલે સિંચાઈ વિભાગની એકને ગોળ તો બીજાને ખોળની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ચોમાસાની શરૂઆત તો સારી રહી પરંતુ સમય પહેલા ધોધમાર વરસતા અને જરૂરીયાત છે ત્યારે છેલ્લા ૨૫ દિવસથી કોરૂ ધાકોર રાખતા ચોમાસાના કારણે અત્યારે ખેડૂતોને ઉભો પાક સુકાવાનો ભય સતાવી રહ્યો છે. આ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે ધરોઈ ડેમ વહેલો ઓવરફ્લો થયો છે. ધરોઈ ડેમમાંથી તા.૩૦-૭-૨૩ ના રોજ ૪૬૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પાણીની આવક થતા જરૂરીયાત પ્રમાણે સતત જાવક કરવામાં આવી હતી. છેલ્લા ૨૫ દિવસથી વરસાદ નથી. આવા સંજોગોમાં ધરોઈ કેનાલનુ પાણી ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની રહે તેમ છે. પરંતુ વિસનગર પંથકના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારની કામગીરીમાં વ્યસ્ત હોવાથી પંથકના ખેડૂતોના પ્રશ્ને કોઈ લક્ષ નહી હોવાથી સુચનાના અભાવે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ નથી. હાલ નદીમાં પાણી જાય છે એની જગ્યાએ કેનાલમાં પાણી આપવામાં આવ્યુ હોત તો ખેડૂતોને ઘણી રાહત થાય તેમ હતી. પરંતુ ભાજપની નબળી નેતાગીરીના કારણે છતા પાણીએ ખેડૂતો સિંચાઈના પાણી માટે વંચીત રહ્યા છે.
ડેમના ડાબા કાંઠાની નહેરમાં પાણી ચાલુ છે ત્યારે જમણા કાંઠાની નહેરમાં પાણી કેમ આપવામાં આવતુ નથી તે માટે ધરોઈ સિંચાઈ વિભાગનો સંપર્ક કરવામાં આવતા જણાવ્યુ હતું કે, કેનાલમાં સફાઈ ચાલુ છે. રીપેરીંગ ચાલુ છે. પાણી છોડવામાં આવે તો કોઈ ધ્યાન રાખનાર નથી તેમજ કેનાલમાં પાણી માટે કોઈ માગણી કરવામાં આવી નથી તેવા કારણો બતાવવામાં આવ્યા હતા. કેનાલમાં ધરોઈના પાણીની માગણી કેમ કરવામાં ન આવી તે માટે ધરોઈ જુથ પિયત સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, પિયત સંઘ જો માગણી કરે તો સિંચાઈ વિભાગ દ્વારા તેનુ બીલ આપવામાં આવે છે. તળાવો ભરવા ગ્રામ પંચાયતોએ સરકાર સમક્ષ માગણી કરવી જોઈએ. ખેડૂતોને પાક સુકાતો બચાવવા સિંચાઈની જરૂર છે. ત્યારે ખેડૂતોના હિતને લક્ષમાં રાખી કેનાલમાં પાણી છોડવુ જોઈએ. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે તો કેનાલમાં છોડવુ જોઈએ.
જશુભાઈ પટેલે સિંચાઈ વિભાગની બેવડી નીતિ સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ધરોઈ જુથ સહકારી સંઘમાં નોધાયેલ ખેડૂતો કેનાલ ઉપર મશીન મુકીને પાણી ખેચે તો તેમને બીલ આપવુ પડે છે. આ સીવાય ઘણા ખેડૂતો કેનાલમાંથી ગેરકાયદેસર પાણી ખેચે છે. જ્યારે ધરોઈ કેનાલથી કે પાઈપલાઈનથી ગ્રામ પંચાયતનું કોઈ તળાવ ભરવામાં આવ્યુ હોય અને આ તળાવ ઉપર મશીનો મુકીને પાણી ખેચવામાં આવે તો ખેડૂતો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. કાયદેસર રહેનાર ખેડૂતો જોડેથી ચાર્જ વસુલાય છે જ્યારે ગેરકાયદેસર રહેતા ખેડૂતોને મફતમાં પાણી અપાય છે. ધરોઈ સિંચાઈ વિભાગ બેવડુ ધોરણ અપનાવી રહ્યુ છે. ભૂતકાળમાં ધરોઈ જુથ પિયત સંઘ દ્વારા ચોમાસામાં કેનાલમાં પાણી છોડવાની માગણી કરતા મંડળીને બીલ ફટકારવામાં આવ્યુ હતુ. જેથી મંડળી દ્વારા કેનાલમાં પાણી છોડવાની માગણી કરવામાં આવી નથી. પરંતુ ડેમનુ પાણી નદીમાં છોડવામાં આવે છે તો ખેડૂતોના હિતમાં કેનાલમાં છોડવુ જોઈએ.