Select Page

રૂા.૭.૬૮ કરોડના ખોટવાયેલા વિકાસકામ પડકારરૂપઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળી નો કરપ્શન ડિનર ડિપ્લોમેસી

વિસનગર પાલિકા કર્મચારીઓ ભ્રષ્ટાચાર નથી કરતા એટલો ભ્રષ્ટાચાર ચુંટાયેલા હોદ્દેદારો કરે છે. તેમ છતાં ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ સાંજે કર્મચારીઓ સાથે નો કરપ્શન ડિનર ડિપ્લોેમેસી કરી હતી. ઘણા સમયથી ખોટકાયેલા વિકાસ કામ પ્રમુખ માટે પડકારજનક છે. શહેરમાં કોમ્યુનિટી હોલના અભાવે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલને ખુલ્લા કોટન શેડમાં કાર્યક્રમ કરવા મજબુર થવુ પડે છે. જોકે આ દશા માટે તો કેબિનેટ મંત્રી જ જવાબદાર છે છતાં આવા અનેક મહત્વના વિકાસ કામ કરવા પ્રમુખે કમર કસવાની જરૂર છે. વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાં કોન્ટ્રાક્ટરોને ટેન્ડર ભરતા રોકવામાં આવતા હતા. કોન્ટ્રાક્ટરો કોઈ પણ ચિંતા વગર ટેન્ડર ભરે અને કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો લાભ લઈ વધુમાં વધુ વિકાસ થાય તેવુ કરવાની જવાબદારી પ્રમુખની છે.
વિસનગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની તા.૧૩-૯-૨૦૨૩ના રોજ ચુંટણી યોજાઈ હતી. ત્યારબાદ તા.૧૮-૯-૨૦૨૩ને સોમવારના રોજ વિજય મુહુર્ત ૧૨-૩૯ કલાકે ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો અને વિષ્ણુજી ઠાકોરે ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જેમની સાથે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પીનાબેન શાહ અને પક્ષના નેતા જયેશભાઈ પંડ્યાએ પણ જવાબદારી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ સાંજે હરિહર સેવા મંડળમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં નો કરપ્શન ડિનર ડિપ્લોમેશીનુ આયોજન થયુ હતુ. આ કાર્યક્રમમા ચાર્જ સંભાળનાર હોદ્દેદારો ઉપરાંત પાલિકાના તમામ સભ્યો અને મહત્વની જવાબદારી સંળાળતા પાલિકા કર્મચારીઓએ હાજરી આપી હતી. પ્રમુખે પાલિકા સ્ટાફ અમારી તાકાત છે અને હાથપગ છે. યુવાન તથા આવડત ધરાવતા અનુભવી ચિફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદીનો પુરેપુરો લાભ લેવાનો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જેમા પાલિકામા કરપ્શન થશે તો એજ પણ ચલાવી લેવામાં આવશે નહી તેવી ગર્ભિત ચીમકી પણ કર્મચારીઓને આપવામાં આવી હતી. જોકે અત્યાર સુધીના હોદ્દેદારોએ શરૂઆતમાં આવોજ કરપ્શન નહી કરવાનો ઉત્સાહ બતાવ્યો છે. પરંતુ બિલાડી આગળ દૂધ ખુલ્લુ મુકવામા આવે તેમ એવી પરિસ્થિતિ સર્જાય છે કે જવાબદાર હોદ્દેદારો દલા તલવાડીની ભૂમિકામા આવી જાય છે. જે જોઈને સ્ટાફ પણ બે હાથ અજમાવી લે છે. બીન ભ્રષ્ટાચારી પ્રમુખ પાલિકાને બહુ ઓછા મળ્યા છે. પુરેપુરૂ કામ થાય તો થયેલા વિકાસ કામની કાકરી પણ ખરે નહી. જવાબદાર હોદ્દેદારો પણ લલચાયા વગર નો કરપ્શનનુ પાલન કરે તો અભુતપુર્વ વિકાસ થઈ શકશે.
એ તો નગ્ન સત્ય છે કે, ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બન્યા બાદ તેમની વગનો ઉપયોગ કરી જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. વર્ષાબેન પટેલ વિકાસ કામ માટે ખુબ દોડ્યા પરંતુ જોઈએ તેવો સહકાર મળ્યો નથી જેથી પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સામે અટકેલા મહત્વના વિકાસ કામ પડકારરૂપ છે. રૂા.૪ કરોડના ખર્ચે પાલિકા ભવનનુ કામ શરૂ થયુ નથી. પ્રથમ પ્રયત્નમા કોઈ ટેન્ડર આવ્યુ નથી. પાલિકા ભવનમાં રૂા.૨.૩૭ કરોડની વહિવટી મંજુરી બાકી છે. રૂા.૯૯.૮૫ લાખના ખર્ચે બનનાર જી.ડી.હાઈસ્કુલની અદ્યતન લેબોરેટરીની તાંત્રીક અને વહિવટી મંજુરી બાકી છે. દેણપ ચાર રસ્તાથી શુકન હોટલ સુધીની ૬૦૦ એમ.એમ.ડી.આઈ. પાઈપ લાઈનની રૂા.૧.૩૭ કરોડના ખર્ચનો વહિવટી બાકી છે. આ સીવાય શહેર માટે એક કોમ્યુનિટી હોલ, સ્વિમીંગ પુલ, ખુલ્લી કેનાલ ઢાકતી કમલપથ યોજના જેવા અનેક મહત્વના વિકાસ કામ હજુ હાથ ધરાયા નથી. વહિવટમાં માર્ગદર્શન આપતા સિનિયર કોર્પોરેટર રૂપલભાઈ પટેલને સાથે રાખી પ્રમુખ ઉત્તમભાઈ પટેલ એક યાદગાર વિકાસ કામ કરી બતાવે તેવી શહેરીજનોની અભિલાષા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us