Select Page

પ્રાથમિક શાળા નં.૫નુ કંમ્પાઉન્ડ દારૂ-જુગારનો અડ્ડો

વિસનગર પોલીસે એવા તો કેવા ચશ્મા પહેર્યા છે

  • શાળાના તત્કાલિન મહિલા આચાર્યએ વર્ષ ૨૦૧૯માં શાળા કંમ્પાઉન્ડમા ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ બાબતે પોલીસને રજુઆત કરી હતી
વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનં.૫માં શાળા છુટ્યા બાદ અસામાજીક તત્વો શાળાના કમ્પાઉન્ડમાં બેસી દારૂ પીતા અને જુગાર રમતા હોવાની અગાઉના મહિલા આચાર્યશ્રીએ શહેર પોલીસ સ્ટેશને લેખિત રજુઆત કરી હતી. છતાં પોલીસ આ સરકારી શૈક્ષણિક સંસ્થામાં ઘણા સમયથી ચાલતી દારૂ જુગારની બદી દુર કરી શકી નથી. જે શિક્ષિત અને સંસ્કારી નગરી માટે શરમજનક બાબત છે. પોલીસે એવા તો કેવા ચશ્મા પહેર્યા છે કે, તેમને આ અસમાજીક તત્વોનો અડ્ડો દેખાતો નથી?
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં દારૂ- જુગાર સહિત અન્ય  ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા માટે અસામાજીક તત્વો સામે કડક પગલા લેવા પોલીસ તંત્રને આદેશ કર્યો છે. ગૃહ વિભાગના આદેશથી નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો સામે કાયદાકીય પગલા લઈ તેમને જેલ હવાલે કરી રહ્યા છે છતાં અસામાજીક તત્વો પોલીસનો ડર રાખ્યા વગર બેરોકટોક ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહ્યા છે. શૈક્ષણિક અને શિક્ષિત નગરી વિસનગરમાં કડા દરવાજા વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નં.૫માં શાળા છુટ્યા બાદ આ શાળાનુ કમ્પાઉન્ડ ઘણાસમયથી દારૂડીયા અને જુગારીયાઓ માટે માઉન્ટ આબુ સમાન બની ગયુ છે. અસામાજીક તત્વો દારૂ પીવા અને જુગાર રમવા શાળા છુટવાની રાહ જોઈ રહ્યા હોય છે. જેમા રજાના દિવસોમાં તો દારૂડીયા અને જુગારીયાઓને આ શાળાનુ કંમ્પાઉન્ડ સ્વર્ગ જેવુ લાગે છે. શાળા છુટ્યા બાદ શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને બંધ કરવા માટે શાળાના મહિલા આચાર્યએ તા.૪-૫-૨૦૧૯ના રોજ શહેર પોલીસ સ્ટેશને લેખિત રજુઆત કરી હતી. ત્યારે પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી નહી કરતા અત્યારે આ શાળાનું કંમ્પાઉન્ડ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયુ છે. આ બાબતે શાળાના હાલના જાગૃત મહિલા આચાર્ય અને જાગૃત શિક્ષક શૈલેષભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અમારી શાળા છુટ્યા પછી કેટલાક અસમાજીક તત્વો અહી દારૂ પીવે છે અને પત્તાનો જુગાર રમે છે. અસામાજીક તત્વોએ દારૂના નશામાં શાળાની મિલકત અને બગીચાને પણ નુકશાન કર્યુ છે. આ અંગે અમે અગાઉ બે થી ત્રણ વખત પોલીસને રજુઆત કરી હતી. પરંતુ આજદીન સુધી અસામાજીક તત્વોનો ત્રાસ દુર થયો નથી. જોકે આ શાળાના આચાર્યશ્રીએ શહેર પોલીસ સ્ટેશનમાં પી.આઈ. એસ.એસ.નિનામા આવ્યા પછી અસામાજીક તત્વોની હેરાનગતી બાબતે કોઈ રજુઆત કરી નથી. ત્યારે બાહોશ પી.આઈ. એસ.એસ.નિનામા સરકારી શાળામા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા માટે અસામાજીક તત્વો સામે કાયદાનો કોરડો વીંઝે તેવી માગણી છે. જોકે પોલીસને આ સરકારી સંસ્થામાં ચાલતી દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કેમ દેખાતી નથી તે વિચારવા જેવુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts