Select Page

૫૦ બેડની આયુર્વેદ હોસ્પિટલ માટે રૂા.૧ કરોડ મંજુર

૫૦ બેડની આયુર્વેદ હોસ્પિટલ માટે રૂા.૧ કરોડ મંજુર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વિસનગરને વધુ એક ભેટ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરમાં આયુર્વેદિક હોસ્પિટલને મંજુરી મળી હતી. જે માટે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલીક રૂા.૧ કરોડ મંજુર કરવામાં આવતા ૫૦ બેડની અદ્યતન હોસ્પિટલનુ નિર્માણ કાર્ય ટુંક સમયમાં હાથ ધરાશે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
છેલ્લા પંદર વર્ષથી વિસનગર શહેર વિકાસ કાર્યો અને સુવિધાઓથી વંચીત રહ્યુ છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. હવે જ્યારે મોકો મળ્યો છે ત્યારે પાંચ વર્ષમાં પંદર વર્ષનુ સાટુ વાળવા માટે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી કટીબધ્ધ હોવાનુ જણાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યુ છેકે, દરેક જીલ્લા મથકે આયુષ હોસ્પિટલોનુ આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત જે જીલ્લાઓમાં આયુષ હોસ્પિટલ ન હતી તે જીલ્લાઓમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં નવી બાબતમાં કુલ ૧૨ હોસ્પિટલોને મંજુરી આપવામાં આવેલ. વિસનગર શહેર દિન પ્રતિદિન વિકાસ પામી રહ્યુ છે. શહેરીકરણની અસરોથી વિસનગરમાં વસતી પણ વધતી જાય છે. વિસનગર પ્રગતિશીલ અને તાલુકા કક્ષાનુ શહેર હોઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ થવાથી આયુષ ચિકિત્સા પધ્ધતિનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહે તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ૫૦ બેડની આયુર્વેદિક હોસ્પિટલ મંજુર થઈ હતી. આ હોસ્પિટલ માટે નવી જમીન સંપાદનનો કોઈ પ્રશ્ન નહોતો. વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઘણી જગ્યા બીન ઉપયોગી હતી. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યા ફાળવવામાં આવતા આયુષ કચેરી ગાંધીનગર દ્વારા ૫૦ બેડની હોસ્પિટલ માટે નવુ મકાન બનાવવા એક કરોડ રૂપિયાની તાત્કાલીક અસરથી મંજુરી આપવામાં આવી છે. અત્યારે લોકો આયુર્વેદિક સારવાર તરફ વળ્યા છે. ત્યારે વિસનગરમાં બની રહેલ આયુર્વેદિક હોસ્પિટલમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આયુર્વેદના અનુભવી ર્ડાક્ટરની વિનામુલ્યે સારવાર મળશે. હોસ્પિટલમાં થઈ રહેલા વિકાસના કારણે મોટાભાગની જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્વસ્તિક સોસાયટીના પાછળના ભાગે આવેલ વર્ગ-૩ અને ૪ ના જે સ્ટાફ ક્વાટર્સ હતા તેને તોડી નાખી જગ્યા સાફ કરવામાં આવી રહી છે. જ્યા બે થી ત્રણ માળની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનુ નિર્માણ થશે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વગ અને પોતાના મત વિસ્તાર પ્રત્યેની લાગણીથી આવનાર એક બે વર્ષમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એલોપેથીક અને આયુર્વેદિક સારવાર માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts