Select Page

વિસનગર નાગરીક બેંકની ૩૩૭ કરોડની વસુલાતમાં ડીરેક્ટરોને કારણદર્શક નોટીસ

૧૬ શાખાના ૨૦૯૨૭ સભાસદ અને ૨,૭૮,૪૨૨ થાપણદારોને ગેરવહિવટથી નુકશાન

  • સેટલમેન્ટ કમિટીએ ગેરવ્યાજબી રીતે રકમો માંડવાળ કરી વ્યાજનુ નુકશાન કર્યુ
  • માત્ર કાગળ ઉપર લોન મંજુર કરી રોકડેથી ઉપાડ થયા હતા

વિસનગર નાગરીક સહકારી બેંકની બાકી ધિરાણની રકમ રૂા.૩૩૭ કરોડની વસુલાત માટે બોર્ડ ઓફ ડીરેક્ટર્સને આપવામાં આવેલી કારણદર્શક નોટીસનો અહેવાલ જોતા એ સ્પષ્ટ પણે કહી શકાય કે બેંકને લુંટવામાં અને લુંટાવવામાં આવી હતી. સભાસદો અને થાપણદારો સાથે વિશ્વાસઘાત કરી ગેરવહિવટ કરતા શહેરની જીવાદોરી સમાન બેંક ડૂબી હતી. આર.બી.આઈ.ની ગાઈડલાઈનનુ ઉલ્લંઘન કરી ડીરેક્ટરોએ ખોટી રીતે દાન, વ્યાજ માંડવાળ, સીક્યુરીટી વગર અને સીક્યુરીટી કરતા વધારે લોન મંજુર, મેળાપીપણાથી તથા વસુલાતમાં દેખરેખ નહી રાખી આર્થિક નુકશાન પહોચાડવુ જેવા કારણોથી બોર્ડ ઓફ ડીરેક્ટરની જવાબદારી ઉપસ્થિત થતા જવાબ માગવામાં આવ્યો છે. બેંક ડુબી તેના ૨૧ વર્ષ બાદ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવેલી નોટીસથી ડીરેક્ટરોની કરતુતોનો પર્દાફાશ થયો છે.
વિસનગર નાગરીક સહકારી બેંક લી એ શહેરની જીવાદોરી સમાન હતી. બેંકમાં નજીકના અને વગદાર લોકોનેજ ધિરાણ મળતુ હતુ. છતા આ બેંક શહેરના વેપારીઓ માટે સહાયરૂપ હતી. બેંકના ચેરમેન ભોળાભાઈ પટેલ અને તેમના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ઉપર આંધળો વિશ્વાસ રાખી થાપણદારો મહેનત અને પરસેવાની કમાણીના પૈસા ડીપોઝીટ કરાવતા હતા. ત્યારે આ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ થાપણદારો સાથે વિશ્વાસઘાત કરી દલા તલવાડીની જેમ બેંકને લુંટી રહ્યા હતા અને લુંટાવી રહ્યા હતા. બેંકમાં ગેરવહિવટના કારણે સરકારની ભીંસ વધતા છેવટે બોર્ડ ઓફ ડીરેક્ટર્સે રાજીનામા આપતા આર.બી.આઈ.એ ૧૩-૮-૨૦૦૨ ના રોજ બેંકને ક્લીયરીંગ હાઉસમાંથી રદ કરી કસ્ટોડીયનની નિમણુંક કરી હતી. ત્યારબાદ તા.૧૧-૭-૨૦૦૩ ના રોજ ફડચા અધિકારીની નિમણુંક કરાઈ હતી.
ફડચા અધિકારીઓએ બેંકની ફાઈલો ફંફોસી બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા કરવામાં આવેલ કૌભાંડો અને ગેરવહિવટનો અહેવાલ મોકલી આપ્યા બાદ ૭ વર્ષ રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય એ બાકી ધિરાણની વસુલાત માટે બોર્ડ ઓફ ડીરેક્ટર્સને ૨૨ પેજની કારણદર્શક નોટીસ આપતા નાગરીક બેંક ડૂબ્યા બાદ ૨૧ વર્ષે ફરીથી બેંકના કૌભાંડોનુ ભૂત ધુણ્યુ છે. કારણદર્શક નોટીસની વિગતો જોતા ડીરેક્ટરોએ કેવી ગેરરીતી કરી છે તેનો પર્દાફાશ થયો છે. આર.બી.આઈ.ના નિયમો ઘોળીને પી જઈ કોઈપણ જાતની સીક્યોર્ડ જામીનગીરીઓ મેળવ્યા સીવાય તેમજ જરૂરી પેપર વર્ક કર્યા સીવાય પેઢીઓ, કંપનીઓ તથા સભ્યોને બેફામ ધિરાણો કર્યા હતા. અમુક કિસ્સામાં એકજ પાર્ટીની જુદી જુદી ફર્મ્સની રચના કરી બોગસ રજુ કરેલા ડૉક્યુમેન્ટ ઉપર તેમજ સીક્યોરીટી મોર્ગેજ કર્યા વગર મોટી રકમના ધિરાણોની લ્હાણી કરવામાં આવી હતી. રીન્યુઅલ, લીમીટ વધારો તથા મોરેટોરીયમ સાથે ૪૫ ખાતા તથા ગૃપ ધિરાણવાળા ૨૭ ખાતા મળી કુલ ૭૨ ધિરાણ ખાતાઓનો ફડચા અધિકારીએ અભિપ્રાય આપ્યો હતો. બોર્ડ ઓફ ડીરેક્ટર્સના સભ્યો, તેઓના કુટુંબીજનો, સગા સબંધીઓ, સ્નેહી મિત્રો અને અરસ પરસ સંકળાયેલા ઈસમોના સંલગ્ન ખાતેદારોને કરેલા ધિરાણની વસુલાત ન આવવાને કારણે બેંક ડૂબતા ક્લીયરીંગ હાઉસમાંથી રદ થઈ હતી.
રજીસ્ટ્રારની નોટીસમાં સ્પષ્ટ જણાવ્યુ છેકે બેંકની મહેસાણા, અમદાવાદ અને સુરતની કુલ ૧૬ શાખાઓના ૨૦૯૨૭ સભાસદ અને ૨,૭૮,૪૨૨ થાપણદારોના નાણાનો બોર્ડ ઓફ ડીરેક્ટોએ પ્રમાણીકપણે પારદર્શક વહિવટ નહી કરવાના કારણે બેંકને મોટુ આર્થિક નુકશાન પહોચ્યુ છે. કુલ બાકી ધિરાણમાં ૪૩ ટકા જેટલુ ધિરાણ બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરોને કરી જોખમ પાત્ર ધિરાણ કરાયુ છે. એકાઉન્ટ ઓપનીંગ ફોર્મમાં એકજ વ્યક્તિનો ફોટો બે અલગ અલગ નામથી છે. ઘણા બધા ધિરાણ ખાતાઓમાં લોન લેનાર બીજા ખાતામાં જામીનદાર છે અને જામીનદાર લોન લેનાર છે. મંજુર કરેલી લોનમાં રોકડેથી ઉપાડ થયો છે. જે હેતુ માટે લોન આપવામાં આવી હતી તે હેતુ માટે લોન વપરાઈજ નથી. માત્ર કાગળ ઉપર લોન મંજુર થઈ છે.
એક તરફ વિસનગરની ઘણી ધાર્મિક, સામાજીક અને સેવાકીય સંસ્થાઓની કરોડો રૂપિયાની ડીપોઝીટો બેંકમાં ડુબી છે ત્યારે બીજી તરફ એન.પી.એ.નુ પુરેપુરુ પ્રોવિઝન કર્યા વગર ખોટી રીતે આભાસી ચોખ્ખો નફો બતાવી તેમાંથી ધર્માદા ફંડ કાઢી સંસ્થાઓમાં મોટુ દાન કર્યુ છે. બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાંથી સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે ધિરાણમાં ગેરવ્યાજબી રીતે રકમો માંડવાળ કરી છે.
આમ કૌભાંડી રીતરસમોના કારણે સભાસદો અને થાપણદારોની બચતના રોકેલા નાણાં ડુબી ગયા છે. બેંકનુ આજની તારીખે ૩૩૭ કરોડ ૪૦ લાખ ૨૭ હજાર ૧૭૭ નુ લેણું બાકી છે. ધર્માદામાં ૮ કરોડ ૮૯ લાખનુ દાન આપ્યુ છે. તેમજ ૯ શાખાના કુલ ૧૬૫ બાકીદારોના કિસ્સામાં ૨ કરોડ ૬૯ લાખ વ્યાજ જતુ કર્યુ છે. બેંકીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ ની જોગવાઈ, આર.બી.આઈ. તથા સહકારી ખાતાની માર્ગદર્શક સુચનાઓનુ ઉલ્લંઘન કરી બોર્ડ ઓફ ડીરેક્ટર્સે ધર્માદા, વ્યાજ માંડવાળ, સીક્યોરીટી વગર લોન મંજુર કરી મેળાપીપણાથી તથા વસુલાતમાં દેખરેખ નહી રાખી બેંકને મોટુ નુકશાન પહોચાડ્યુ છે. આ બાકી ધિરાણ બાબતે બેંકના સંચાલક મંડળના જવાબદાર સભ્યોની એટલે કે ડીરેક્ટરોની જવાબદારી ઉપસ્થિત થતી હોઈ તા.૧૧-૧૦-૨૦૨૩ ના રોજ લેખીતમાં પુરાવા સહિત જવાબ આપવા રજીસ્ટ્રાર દ્વારા નોટીસ આપવામાં આવી છે. અન્યથા આ અંગે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૯૩ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કલમ ૯૩ મુજબ બેંકના જવાબદાર ડીરેક્ટરો અન્ય કોઈ સહકારી સંસ્થાના હોદ્દા ઉપર રહી શકશે નહી.

  • કયા ડીરેક્ટરોને નોટીસ આપી

(૧) ભોળાભાઈ ચતુરભાઈ પટેલ (ચેરમેન) (૨) જયંતિલાલ કેશવલાલ પટેલ (વા.ચેરમેન) (૩) ઈશ્વરભાઈ ત્રિભોવનદાસ પટેલ (એમ.ડી.) (૪) ઉર્મીશકુમાર રતિલાલ મહેતા (ડીરેક્ટર) (૫) શંકરલાલ ઈશ્વરભાઈ પટેલ (ડીરેક્ટર) (૬) નટવરલાલ મુળચંદ શાહ (ડીરેક્ટર) (૭) જયંતિલાલ અમરતલાલ પટેલ (ડીરેક્ટર) (૮) શીવાભાઈ દ્વારકાદાસ પટેલ (ડીરેક્ટર) (૯) બાબુભાઈ હરગોવનદાસ પટેલ (ડીરેક્ટર) (૧૦) મુકેશકુમાર પ્રભુદાસ પટેલ (કો.ઓપ્ટ.ડીરેક્ટર) (૧૧) કૌશિકકુમાર ભોળાભાઈ પટેલ (ડીરેક્ટર) (૧૨) ભાઈચંદભાઈ અમથાદાસ પટેલ (ડીરેક્ટર) (૧૩) કાનજીભાઈ બબલદાસ પટેલ (ડીરેક્ટર) (૧૪) રામભાઈ કાળીદાસ પટેલ (ડીરેક્ટર) (૧૫) મનુભાઈ કેશવલાલ પટેલ (ડીરેક્ટર) (૧૬) રમણલાલ નારણદાસ પટેલ (ડીરેક્ટર) (૧૭) પ્રકાશકુમાર સતીષભાઈ પટેલ (ડીરેક્ટર) (૧૮) બાબુભાઈ એસ.શાહ (કો.ઓપ્ટ. ડીરેક્ટર) (૧૯) જયંતિલાલ વિશ્વનાથ રાવલ (ડીરેક્ટર) (૨૦) નટવરલાલ આર.પટેલ (જન.મેનેજર) (૨૧) રસીકભાઈ એ.કંસારા (સી.ઓફીસર) (૨૨) નરેશભાઈ એન.મણીયાર (સી.ઓફીસર) (૨૩) બાબુભાઈ શીવાભાઈ શાહ (બ્રાન્ચ મેનેજર, ઉસ્માનપુરા) (૨૪) કાન્તીભાઈ પટેલ (બ્રાન્ચ એજન્ટ, સુરત) (૨૫) જીજ્ઞાશુ વાય.દીક્ષીત (બ્રાન્ચ એજન્ટ, સુરત), સર્વે માજી પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ધી વિસનગર નાગરિક સહકારી બેંક લી. (ફડચામાં) ગંજબજાર, મુ.તા.વિસનગર, જી.મહેસાણા

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts