અકસ્માતે મૃત્યુમાં રૂા.૧ લાખ વળતર અપાશે-ચેરમેન પ્રિતેશભાઈ પટેલ
વિસનગર માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડીરેક્ટરને મોડે મોડે જ્ઞાન થયુ
- ગૃપ અકસ્માતમાં વિમા કંપનીઓના નવા નિયમથી પ્રિમિયમ ભરી શકાય તેમ નથી-વળતરનો ખર્ચ માર્કેટયાર્ડ ભોગવશે
ભુકંપ કે કુદરતી હોનારતમાં મોટા પ્રમાણમાં મૃત્યુ થાય તો માર્કેટયાર્ડને મોટુ આર્થિક ભારણ સહન કરવુ પડે તેવા નકારાત્મક વિચારોના કારણે વિસનગર માર્કેટયાર્ડ દ્વારા અકસ્માત વળતર યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ બોર્ડ ઓફ ડીરેક્ટર્સને મોડે મોડે જ્ઞાન આવતા હવે અકસ્માતે મૃત્યુમાં રૂા.૧ લાખ વળતર આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. હોદ્દો ટકાવી રાખવા મોટા અને ખોટા રાજકીય ખર્ચાઓને આંગળી ઉંચી કરી મંજુરી આપતા ડીરેક્ટરો એક વર્ષ સુધી વળતર યોજનાનો નિર્ણય નહી કરતા જરૂરીયાતમંદ પરિવારના ઘણા લોકોએ અકસ્માતે મૃત્યુમાં સહાયનો લાભ ગુમાવ્યો છે તે પણ એક સત્ય છે.
વિસનગરના પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસાના માર્કેટયાર્ડના ચેરમેન કાળ દરમ્યાન વર્ષ ૨૦૦૬-૦૭ થી તાલુકાની જનતાને ગૃપ અકસ્માત વિમા યોજનાનુ રક્ષણ આપવામાં આવ્યુ હતુ. જેમાં શરૂઆતમાં રૂા.૫૦,૦૦૦ વળતર આપવામાં આવતુ હતુ. ઋષિભાઈ પટેલના ધારાસભ્ય કાળમાં તેમની માર્કેટયાર્ડના ચેરમેનની ફરજ દરમ્યાન રૂા.૧,૫૦,૦૦૦ લાખનુ રક્ષાકવચ આપતુ વિમા પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ. વિસનગર માર્કેટયાર્ડ દ્વારા ગૃપ અકસ્માત વિમા યોજના તાલુકાના અને શહેરના ખેડૂતો, ખેતમજુરો, પશુપાલકો, શ્રમજીવી વર્ગ વિગેરે માટે આશિર્વાદરૂપ હતી. ગરીબ કે મધ્યમ વર્ગ પરિવારમાં ઘરના મોભીનુ અકસ્માતે મૃત્યુ થતુ તેવા સંજોગોમાં ગૃપ અકસ્માત વળતર યોજના ઘણી સહાયરૂપ બનતી હતી. ત્યારે માર્કેટયાર્ડ દ્વારા ઓક્ટોબર-૨૦૨૨ થી આ યોજના બંધ કરવામાં આવતા ઘણા તર્ક વિતર્ક થયા હતા. પ્રચાર સાપ્તાહિકે છ માસ પહેલા માર્કેટયાર્ડ ગૃપ અકસ્માત યોજના બંધ કરી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કરતા બોર્ડ ઓફ ડીરેક્ટર્સ આળસ ખંખેરી ફરીથી આ યોજના શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતે વળતર યોજના લોકો માટે કેટલી સહાયરૂપ છે તેનુ મોડે મોડે પણ જ્ઞાન થતા માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સ માર્કેટયાર્ડના ખર્ચે આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. ચેરમેન પ્રિતેશભાઈ પટેલે જણાવ્યુ છેકે, જે તે વખતે ગૃપ અકસ્માત યોજનાનુ પ્રિમિયમ ભરવા માટે બે વખત ટેન્ડરીંગની નિવિદા આપી હતી. છેલ્લે તા.૧૨-૮-૨૦૨૩ ના રોજ જાહેરાત આપી હતી. ઈન્સ્યુરન્સ કંપનીઓ નવા નિયમ મુજબ લાભકર્તા તમામનુ કે.વાય.સી. માગ્યુ હતુ. વિસનગર તાલુકાના લાભાર્થી ૨.૫૦ લાખ લોકોનુ કે.વાય.સી. આપવાનુ કઠીન હતુ. છેલ્લે એવો નિર્ણય કરવામાં આવ્યો છેકે ઉંઝા, મહેસાણા અને સતલાસણા માર્કેટયાર્ડની જેમ વિસનગર માર્કેટયાર્ડ પણ અકસ્માતે મૃત્યુમાં રૂા.૧ લાખ સુધીની સહાય આપશે. તા.૧૬-૧૦-૨૦૨૩ ના રોજ મળનારી બોર્ડની મીટીંગમાં ઠરાવ મંજુર કરી તેનો તાત્કાલીક અમલ કરવામાં આવશે. ચેરમેન પ્રિતેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ચેરમેનની જવાબદારી સ્વિકાર્યા બાદ છેલ્લા બે વર્ષમાં બેન્કમાં રૂા.૫૦-૫૦ લાખની બે એફ.ડી. કરાવી છે. રૂા.૮ કરોડનુ ફંડ પડ્યુ છે. ટેકનિકલ કારણોસર વિમા કંપની પાસેથી ઈન્સ્યોરન્સ લઈ શકતા નહોતા અને પ્રિમિયમ ભરી શકતા નહોતા. તાલુકાના લોકોને અકસ્માતે મૃત્યુમાં સહાયના લાભ માટે અત્યાર સુધી રૂા.૨૦ લાખથી માંડી રૂા.૪૫ લાખ સુધી પ્રિમિયમ ભરવામાં આવ્યુ છે. વિમા કંપનીઓ ક્લેઈમ મંજુર નહી કરતા માર્કેટયાર્ડના ખર્ચે ગ્રાહક સુરક્ષામાં કેસ કરી રૂા.૯૦ લાખનુ વળતર લોકોને અપાવ્યુ છે. વિમા કંપનીઓ ક્લેઈમ નામંજુર કરી વળતર આપવામાં હેરાન કરતી હતી. જેથી હવે અકસ્માતે મૃત્યુમાં માર્કેટયાર્ડજ રૂા.૧ લાખ સુધીનુ વળતર આપશે.