Select Page

બાયપાસમાં સંપાદિત જમીનમાં ફેરફાર નહી કરવા જાહેરનામુ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં બીજુ જાહેરનામુ

વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં બાયપાસ હાઈવેની પ્રક્રિયા તેજ ગતિથી આગળ વધી રહી છે. બાયપાસ માટે સંપાદિત જમીનમાં કોઈ ફેરફાર નહી કરવા માટે કલમ ૧૧(૧) નુ જાહેરનામુ મહેસુલ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જમીન સંપાદન કરવા અંગે સંતોષ થશે તો સમયમર્યાદાની અંદર આખરી જાહેરનામુ બહાર પાડવામાં આવશે.
વિસનગરમાંથી પસાર થતા હાઈવેના કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા બાયપાસની ઘણા વર્ષથી માંગ હતી. તત્કાલીન માર્ગ મકાન વિભાગના મંત્રી આનંદીબેન પટેલે વર્ષ ૨૦૧૨ માં વિસનગર બાયપાસ જમીન સંપાદન મંજુર કરી ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારબાદ બાયપાસની ફાઈલ અભરાઈએ ચડી ગઈ હતી. રાજકીય કિન્નાખોરીમાં વિસનગરને બાયપાસના લાભથી વંચીત રખાયુ હતુ. પરંતુ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ બાયપાસની ફાઈલ ઉપરથી ધુળ ખંખેરી જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધારી હતી. વિધાનસભાની ચુંટણી પહેલા ઓક્ટોબર ૨૦૨૨ માં જમીન એક્વાયરની પ્રક્રિયા માટે ૧૦એ નુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીના કારણે જમીન સંપાદનની કાર્યવાહી અટકી હતી. વિધાનસભાની ચુંટણી બાદ સેકન્ડ સી.એમ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં તા.૨૦-૨-૨૦૨૩ ના રોજ મહેસુલ વિભાગ દ્વારા કલમ ૧૧(૧) નુ બીજુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
બાયપાસ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ક્ષેત્રફળ હે-૪૩-૮૩-૦૬ ચો.મી. જમીન વિસનગરની હદમાં આવેલ છે. જેમાં કુલ ૨૨૮ સર્વે નંબરનો સમાવેશ થાય છે. જાહેરનામુ પ્રસિધ્ધ કરી સંપાદિત જમીનમાં હિત ધરાવતા વ્યક્તિઓને જાણ કરવામાં આવી છેકે, કોઈપણ સર્વેયરને અથવા અન્ય કર્મચારીઓને જમીનમાં દાખલ થવા અથવા જમીનનો સર્વે કરતા અટકાવવા નહી. જાહેરનામામા મહત્વની બાબત એ છેકે, જાહેરનામુ બહાર પડ્યા બાદ કલેક્ટરની પરવાનગી વગર આ જમીનની કે તેના કોઈ ભાગની કોઈપણ સ્વરૂપે તબદીલી જેમા વેચાણ, ભાડા પટ્ટે આપવી, ગીરવે મુકવી, નામ બદલવુ અથવા નોધણીમાં ફેરફાર કરવા નહી જો તેમ કરવામાં આવે તો અધિનિયમની કલમ-૨૭ હેઠળ જમીન સંપાદન વખતે વળતરનુ મૂલ્યાંકન કરતી વખતે આવા ફેરફાર ઉપર વિચારણા કરવામાં આવશે નહી. ગુજરાત સરકારને જો ઉપર જણાવેલ જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવા અંગે સંતોષ થશે તો અધિનિયમની કલમ-૧૯ હેઠળ અધિનિયમમાં નિયત કરેલ સમયમર્યાદાની અંદર આખરી જાહેરનામુ બહાર પાડશે. સંપાદન બાબતે કોઈ વાંધો હોય તો જાહેરનામા પ્રસિધ્ધિની તારીખથી ૬૦ દિવસની અંદર કલેક્ટર અથવા અધિકૃત અધિકારીને રજુઆત કરી શકશે. રાજ્ય સરકારે ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી નં-૧, મહેસાણાને અધિનિયમની જોગવાઈઓ હેઠળ આ જમીનો માટે કલેક્ટર તરીકેની ફરજો બજાવવા માટે નિયુક્ત કરેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us