Select Page

દૂધ ઉત્પાદકોને ફાયદો કરાવવામાં મંત્રી ઋષિભાઈ પટેલનુ યોગદાન છે-અશોકભાઈ ચૌધરી

ગુંજામાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજાયો

વિસનગર તાલુકાના ગુંજા ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. તથા કિયાદર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સંયુક્ત ઉપક્રમે તા.૩-૯ના રોજ મહેસાણા દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, દુધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ (સેવાલીયા), દિલીપભાઈ ચૌધરી (કિયાદર), તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, જીલ્લા સદસ્ય અરવિંદભાઈ પટેલ, મહેસાણા એ.પી.એમ.સી.ના ડિરેક્ટર વિષ્ણુભાઈ ચૌધરી, પવનભાઈ ચૌધરી, દુધ સાગર ડેરીના પુર્વ કર્મચારી બાબુભાઈ ચૌધરી, સુંશી સરપંચ મહેશભાઈ પટેલ, કિયાદર સરપંચ ભરતભાઈ ચૌધરી, ગુંજાળાના ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ગુંજાના સરપંચ બાબુભાઈ ચૌૈધરી, સહયોગના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી સહિત વિસનગર તથા આજુબાજુના તાલુકાના દુધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દુધ ઉત્પાદકો દ્વારા ગામમાં સન્માન યાત્રા કાઢી ચેરમેન અશોકભાઈ ચૌધરીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
વિસનગર તાલુકાના ગુંજા ગામમાં દુધ સાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવેલ ઐતિહાસિક ભાવવધારાને લઈને ગુંજા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. અને કિયાદર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સંયુક્ત ઉપક્રમે દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ભવ્ય સત્કાર સમારોહ યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, મહેસાણા અને પાટણ જીલ્લાના દુધ ઉત્પાદકોએ દુધસાગર ડેરીનો વહીવટ સુધારવા નવા નિયામક મંડળને દુધસાગર ડેરીની ચુંટણીમાં જીતાડ્યા હતા. ડેરીના પારદર્શક વહીવટથી દુધનો ભાવ રૂા.૬૫૦ થી વધીને આજે રૂા.૭૩૦ પહોચ્યો છે. અને કિલો ફેટે રૂા.૮૦ વધ્યા છે. કિલો ફેટે રૂા.૭૦ વધે તો વર્ષે રૂા. ૨૫૦ કરોડનો સિધો પશુપાલકોને ફાયદો થયો. જેમા ગુંજા દુધ મંડળીને રૂા.૩૬ લાખના બદલે રૂા.૯૩ લાખ અને કિયાદર દુધ મંડળીને રૂા.૯.૮૬ લાખના બદલે રૂા.૨૬.૨૫ લાખનો વધારો મળ્યો છે. દુધસાગર ડેરીમાં આવી નાની- મોટી ૧૫૦૦ જેટલી દુધ મંડળીઓ આવેલી છે. જેના પાંચ લાખ જેટલા પશુપાલકોને ગયા વર્ષ કરતા બે થી અઢી ગણો દુધમા ભાવ વધારો મળ્યો છે. નવા નિયામક મંડળના વહીવટમાં પશુપાલક બહેનોને તેમની મહેનતનુ ફળ મળી રહ્યુ છે. ત્યારે પશુપાલકોએ જુના વહીવટદારોને ભાવ વધારા વિશે પુછવુ જોઈએ. અત્યારે તો ડેરીના કરકસરયુક્ત પારદર્શક વહીવટના કારણે ડેરીના પશુપાલકોને તેમના હક્કના પૈસા મળતા થયા છે. જોકે દુધસાગર ડેરીના તમામ પશુપાલકોને ફાયદો કરાવવામાં વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલનુ પણ મહત્વનુ યોગદાન છે. ઋષિભાઈએ સત્તાની પરવા કર્યા વગર પશુપાલકોના હિતમાં મારી સાથે ખભેખભો મિલાવી સહયોગ આપ્યો છે. ત્યારે દુધસાગર ડેરીમાથી સત્તા જતી રહી છે તેવા લોકો ગામેગામ જઈ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. મોતીભાના ૩૨ વર્ષના શાસનમાં દુધસાગર ડેરી એશિયાખંડમાં પ્રથમ નંબરનુ સ્થાન ધરાવતી હતી. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી દુધસાગર ડેરી ભ્રષ્ટાચારથી ખદબદતી હતી. વર્ષ ૨૦૧૦માં ડેરીનુ વાર્ષિક ટર્નઓવર રૂા.૩૦૦૦ કરોડ હતુ ત્યારે બનાસડેરીનુ ટર્નઓવર રૂા.૨૮૦૦ કરોડ રૂપિયા હતુ. સાબર ડેરીનુ ટર્નઓવર ૧૭૦૦ કરોડ રૂપિયા હતુ. અને અમુલ ડેરીનુ ટર્નઓવર રૂા.૨૨૦૦ કરોડ રૂપિયા હતુ. જેમા દુધસાગર ડેરીનુ વાર્ષિક ટર્નઓવર અને દુધમા પ્રથમ નંબર હતો. વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૦ સુધી દુધસાગર ડેરીનુ ટર્નઓવર રૂા. ૩૦૦૦ કરોડ થી રૂા.૫૦૦૦ કરોડ થયુ. જ્યારે બનાસ ડેરીનુ ટર્નઓવર રૂા. ૨૮૦૦ કરોડથી વધીને ૧૨૦૦૦ કરોડ થયુ. સાબર ડેરીનુ ટર્નઓવર રૂા. ૧૭૦૦ કરોડથી વધી રૂા. ૬૦૦૦ કરોડ તેમજ આણંદની અમુલ ડેરીનુ ટર્નઓવર રૂા.૨૨૦૦ કરોડથી વધીને ૭૦૦૦ કરોડ પહોંચ્યુ હતુ. આમ મહેસાણા દુધ સાગર ડેરીના જુના નિયામક મંડળના વહીવટમાં ડેરી પ્રથમ નંબરેથી ચોથા નંબરે પહોંચી ગઈ હતી. જેનુ મુખ્ય કારણ પશુપાલકોને યોગ્ય ભાવ વધારો નહી મળતા તેઓને પશુપાલનના વ્યવસાયમાંથી રસ ઉઠી ગયો હતો. હવે અમારા નવા નિયામક મંડળના પારદર્શક વહીવટમાં દુધ સાગર ડેરી ફરીથી પ્રથમ નંબરે આવશે. તેમજ આગામી સમયમાં ડેરીના દુધ ઉત્પાદકોને ફાયદો થતો રહેશે તેવી ખાત્રી આપી હતી. જ્યારે દુધસાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલે જણાવ્યુ હતુ કે, દુધસાગર ડેરીના નવા પાવડર પ્લાન્ટ માટે રૂા.૨૭૨ કરોડનુ ટેન્ડર આવ્યુ હતુ. જેમાં ત્રણથી ચાર કંપનીઓએ રૂા.૨૭૨ કરોડનુ ટેન્ડર ભર્યુ હતુ. ત્યારે ડેરીના નિયામક મંડળે ટેન્ડર ભરનાર L-1 અને L-2 કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી રૂા. ૨૭૨ કરોડનુ ટેન્ડર રૂા.૧૭૨ કરોડમા આપી રૂા. ૧૦૦ કરોડનો ફાયદો કર્યો હતો. ડેરીને ચેરમેન અશોકભાઈ ચૌધરીના પારદર્શક વહીવટથી દુધ ઉત્પાદકોને ફાયદો થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દુધસાગર ડેરીના દુધ ઉત્પાદકો મોટી સંખ્યામાં હાજર રહી ચેરમેન અશોકભાઈ ચૌધરીનુ ભવ્યાતિભવ્ય ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts