વડનગરને કંસાર અને ખેરાલુને થુલી
બાયપાસ બસોના મુદ્દે ખેરાલુ ડેપોને ઈરાદાપૂર્વકનો અન્યાય
વડનગરને કંસાર અને ખેરાલુને થુલી
બાયપાસ બસોના મુદ્દે ખેરાલુ ડેપોને ઈરાદાપૂર્વકનો અન્યાય
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં હવે કોઈ રણીઘણીન હોય તે રીતે ડ્રાઈવર કંડકટરો વર્તી રહ્યા છે. ખેરાલુમાં બાયપાસ જતી તમામ બસો ડેપોમાં લાવવા માટે ખેરાલુ તાલુકા રેલ્વે એન્ડ રોડ પેસેન્જર એસોશિએશન દ્વારા વારંવાર લેખીત તેમજ મૌખિક માંગણીઓ કરી છે. છતા ડ્રાઈવર કંડકટરો ગાંઠતા નથી. ભાજપના પદાધિકારીઓ સાથે ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા પણ વારંવાર રજુઆતો કરાઈ છે. પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી જેથી હવે પેસેન્જર એસોશિએશન દ્વારા ઉગ્ર આંદોલન કરવા વિચારાઈ રહ્યુ છે.
વડોદરા વિભાગીય નિયામક દ્વારા વડોદરા, છોટા ઉદેપુર, બોડેલી, પાદરા, ડભોઈ, કરજણ અને વાઘોડીયા ડેપોને ર૧-૧૧-ર૦ર૧ના રોજ પત્ર લખી સ્પષ્ટ સુચના આપી છે. પરંતુ તેનો અમલ થતો નથી. તાજેતરમાં પાદરા-અંબાજી પાદરા બસમાં બેસેલા મુસાફરોએ એસ.ટી.બસ ખેરાલુ ડેપોમાં જશે તેવું પુછતા કંડકટરે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ડેપો મેેનેજરે અમને કોઈ સુચના આપી નથી જેથી બસ ખેરાલુ બાયપાસ જશે. મુસાફરો વિસનગરથી ઉતરી ગયા હતા. પરંતુ આવુ કયાં સુધી ચાલશે ? ખેરાલુ શહેર ભાજપના મંત્રી દિનેશભાઈ રાણાએ આ બાબતે તમામ અધિકારીઓને ફોન ઉપર જાણ કરી હતી પરંતુ હજુ સુધી પાદરા-અંબાજી-પાદરા બસ ખેરાલુ શહેરમાં આવતી નથી. ર૦રરની ખેરાલુ વિધાનસભાની ચુંટણી પહેલા બસો ખેરાલુથી બાયપાસ કરીને પાદરા ડેપો મેનેજર ભાજપના મત ઓછા કરી કોંગ્રેસને ફાયદો કરાવી રહ્યા હોય તેવું લાગે છે. ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ તેમજ ખેરાલુ નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈ પણ ખેરાલુ તાલુકા રેલ્વે એન્ડ રોડ એસોસિએશનના સભ્ય છે છતા કોઈ મક્કમ પગલા ભરવા કાર્યવાહી કરતા નથી. ખેરાલુથી બાયપાસ જતી બસોને રોકવા આંદોલન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો હોય તેવુ લાગતુ નથી.