Select Page

વિસનગર તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓથી અરજદારો પરેશાન

વિસનગર તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓથી અરજદારો પરેશાન
  • તાલુકા પંચાયતની વિકાસશાખાના ત્રણ-ચાર સ્થાનિક કર્મચારીઓ ઉપર રાજકીય છત્રછાયા હોવાથી તેમને ફરજ ઉપર ગુલ્લી મારવામાં કોઈ ડર નથી

વિસનગર તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટી.ડી.ઓ. કચેરીના કામે બહાર જાય કે રજા ઉપર હોય ત્યારે વિકાસશાખાના ત્રણ-ચાર કર્મચારીઓ કોઈ પણ બહાને ફરજ ઉપર ગુલ્લી મારી રહ્યા છે. આ કર્મચારીઓ સ્થાનિક રહેતા હોવાથી તેઓ રોજે રોજ બપોરે ૧૨ થી ૧૨-૩૦ વાગે કામ પડતુ મુકી ઘરે જમવા નિકળી જાય છે. જેના કારણે તાલુકાના સદસ્યો, અરજદારો અને તલાટીઓને પોતાના કામ માટે બે-ત્રણ કલાક તાલુકા પંચાયતમાં બેસી રહેવું પડે છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આવા આળસુ અને ગુલ્લીબાજ કર્મચારીઓની બદલી નહી કરે તો આવનારી ગ્રામ પંચાયતોની તથા લોકસભાની ચુંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપને નુકશાન સહન કરવુ પડશે.
વિસનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન છે. પરંતુ ભાજપના મોટાભાગના સદસ્યો તાલુકા પંચાયતની વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા નથી. જેના કારણે બિન અનુભવી સદસ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસકામો કરાવવા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં દોડધામ કરે છે. જેમાં તાલુકાના સદસ્યો, અરજદારો અને તલાટીઓ મોટેભાગે બપોરના સમયે પોતાના કામ માટે તાલુકા પંચાયતમાં આવે છે. આ દરમિયાન વિકાસ શાખાના સ્થાનિક રહેતા ત્રણ-ચાર કર્મચારીઓ કોઈપણ વહીવટી કામના બહાને બપોરે ૧૨ થી ૧૨-૩૦ વાગે ઘરે જમવા નિકળી જાય છે. જેના કારણે તાલુકા સદસ્યો, તલાટીઓ અને અરજદારોને પોતાનુ કામ કરાવવા બે થી ત્રણ કલાક બેસી રહેવુ પડે છે. જોકે આ ત્રણ-ચાર ગુલ્લીબાજ કર્મચારીઓ પંચાયતની વહીવટી કામગીરીના અનુભવી સદસ્યોના કામ ઝડપી કરતા હોવાથી તેઓ વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ ગુલ્લીબાજ ત્રણ-ચાર કર્મચારીઓની ફરિયાદ કરતા નથી. સવારથી સાંજ સુધી નિષ્ઠાપુર્વક ફરજ કરતા વિકાસશાખાના કર્મચારીઓમાં પણ છુપી નારાજગી ઉભી થઈ છે. નિષ્ઠાવાન કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે આ ત્રણ-ચાર કર્મચારીઓ ઉપર રાજકીય છત્રછાયા હોવાથી તેમને બદલી થવાનો કોઈ ડર નથી. આ કર્મચારીઓ પોતાની વિરૂધ્ધ ડી.ડી.ઓ. અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને સીધી રજુઆત કરી શકે તેવા ભાજપના ચાર-પાંચ સદસ્યો, સરપંચો અને તલાટીઓના કામ ઝડપથી કરતા હોવાથી કેટલાક તલાટીઓમાં પણ નારાજગી છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ વિકાસશાખાના આળસુ અને ગુલ્લીબાજ સ્થાનિક ત્રણ-ચાર કર્માચારીઓની બદલી નહી કરે તો આવનારી ગ્રામ પંચાયતોની તથા લોકસભાની ચુંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપને મોટુ નુકશાન સહન કરવુ પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપર લોકો ભાજપને મત આપશે તેવુ ગણિત ખોટુ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us