
વિસનગર પાલિકાની તા.૨૫-૧૦ની જનરલમાં કમિટિઓની રચના થશે

પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સાથે સંકલન રાખે તેવા ચેરમેનોને જવાબદારી સોપાય તે જરૂરી
- કમિટિઓની ચર્ચા માટે કેબીનેટ મંત્રીશ્રી સાથેની ગુપ્ત મંત્રણાને લઈ અનેક તર્કવિતર્ક
સેનાપતિ ભલે ગમે તેટલો મજબુત હોય પરંતુ સૈનિકોમાં ઉત્સાહ ન હોય તો જંગ જીતી શકાતો નથી. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેરના વિકાસ તથા વિવિધ પ્રશ્નોના નિકાલ માટે ઉત્સાહી છે. પરંતુ કામ કરવાનો ઉત્સાહ ન હોય અને પ્રમુખ સાથે સંકલન રાખી શકે નહી તેવા સભ્યોને કમિટિની જવાબદારી સોપવામાં આવશે તો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો લાભ લઈ શહેરનો અભૂતપૂર્વ વિકાસ કરવો અશક્ય બનશે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી બાદ કમિટિઓની રચનામાં કોને જવાબદારી સોપવામાં આવે તેની ઉત્સુક્તા સભ્યો તેમજ શહેરીજનોમાં જોવાઈ રહી છે. કમિટિઓની રચના માટે કેબીનેટ મંત્રી સાથેની ગુપ્ત મંત્રણાને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તા.૨૫-૧૦ ની પાલિકાની જનરલમાં કમિટિઓની રચનાનો ગંજીફો ચીપાશે.
પાલિકા પ્રમુખના ચાર્જનો સમયગાળો અઢી વર્ષ આમ જોવા જઈએ તો ખુબજ ટુંકો કહી શકાય. પહેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી બાદ તુર્તજ કમિટિઓની રચના થતી હતી. જેથી શહેરના વિકાસના કામ ઝડપથી હાથ ધરાતા હતા. વિસનગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા.૧૩-૯ ના રોજ યોજાઈ તેના ૪૨ દિવસ બાદ તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ ૨૫ કમિટિઓની રચના થશે. કારોબારીમાં પીનાબેન શાહને ચેરમેન પદની જવાબદારી સોપવામાં આવી છે. એ સીવાયની મહત્વની કમિટિ જોઈએ તો ટાઉન પ્લાનીંગ, સ્વચ્છતા, બાંધકામ, લાઈટ, શિક્ષણ, વોટર વર્કસ માટે કેટલાક સભ્યોએ લોબીંગ શરૂ કરી દીધુ છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પાસે વગ ધરાવતા આગેવાનો દ્વારા મહત્વની કમિટિઓ માટે ભલામણો પણ થઈ રહી છે. પાલિકાના ત્રણ થી ચાર સભ્યોએ કેબીનેટ મંત્રીશ્રીનો સીધો સંપર્ક કરી મહત્વની કમિટિની જવાબદારી માટે માગણી કરી હોવાનુ પણ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત્ત કમિટિઓના ચેરમેનની ચર્ચા માટે મંત્રી ઋષિભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, ખુશાલ પટેલ તથા જીલ્લા મંત્રી ચેતનાબેન દવે સાથે ચર્ચા થઈ હોવાનુ પણ જાણવા મળ્યુ છે. કમિટિઓ માટે પાંચ હોદ્દેદારો સાથે થયેલી ચર્ચા બાદ કોને કંઈ કમિટિ મળશે તેની અટકળો થઈ રહી છે.
વર્ષાબેન પટેલ તેમના પ્રમુખ કાળમાં શહેરનો સારો વિકાસ કરી શકવા સક્ષમ હતા. સિનિયર સભ્યોના સાથ સહકાર વગર ગાંધીનગરના ધક્કા ખાઈને આપબળે જેટલો વિકાસ થાય તેટલો કરી શક્યા છે. મહત્વની કમિટિઓના ચેરમેન સાથે સંકલન હોત તો અનેક મહત્વના વિકાસ શક્ય હતા. પરંતુ સિનિયર સભ્યોએ પ્રમુખની સાથે રહી કામ કરવાની જગ્યાએ નડવાનુ કામ વધારે કર્યુ છે. પ્રમુખ ઉત્તમભાઈ પટેલ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની રાહબરીમાં શહેરનો અભૂતપૂર્વ વિકાસ કરવા ઉત્સાહી છે, પરંતુ પ્રમુખ સાથે સંકલન રાખી શકે નહી તેવા સભ્યોને કમિટિઓ આપવામાં આવશે. તો બાકીના અઢી વર્ષ પણ વિવાદમાં પસાર થાય તેવી શક્યતા છે. જેથી જાણવા મળ્યા પ્રમાણે પ્રમુખની પસંદગી પ્રમાણે પાલિકાની ટીમ તૈયાર થાય તેવી પુરેપુરી શક્યતા છે. તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ પાલિકાના સભાખંડમાં સાંજે ૪-૦૦ કલાકે જનરલ મળશે. જેમાં કંઈ કમિટિની કોને જવાબદારી સોપવામાં આવે છે તેની આતુરતાનો અંત આવશે.