Select Page

ખેરાલુ સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશનનું રૂા.૪.રપ કરોડનુ ટેન્ડર ખુલશે

ખેરાલુ સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશનનું રૂા.૪.રપ કરોડનુ ટેન્ડર ખુલશે

ગુજરાત સરકારના અમૃત સરોવરમાં સ્થાન મેળવનાર

ખેરાલુ પાલિકાના પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલના પ્રયત્નોથી સવળેશ્વર તળાવને ગુજરાત સરકારના અમૃત સરોવરમા સ્થાન મળ્યુ હતુ. જેની દરખાસ્ત બનાવવામા પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ જયારે સત્તા ઉપર હતા ત્યારે સરાહનીય પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશનની દરખાસ્ત ગુજરાત સરકારમા પહોચાડી હતી. સમય અનુસાર હેમન્તભાઈ શુકલની પ્રમુખપદેની અઢી વર્ષની ટર્મ પૂરી થતા સવળેશ્વર તળાવની દરખાસ્ત અટકી પડી હતી. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીની જાહેરાત થતા આચાર સંહિતા સવળેશ્વર તળાવ બ્યુટીફિકેશનની કામગીરી અટકી ગઈ હતી. ખેરાલુ વિધાનસભામા ધારાસભ્ય પદે સરદારભાઈ ચૌધરીની જીત થતા હેમન્તભાઈ શુકલના બે ડ્રીમ પ્રોજેક્ટો પૈકી સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશન બાબતે રજૂઆત થઈ હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ હેમન્તભાઈ શુકલને અટકેલી કામગીરી પુર્ણ કરવા જવાબદારી સૌપી હતી. હેમન્તભાઈ શુકલ સત્તામા ન હોવા છતા સવળેશ્વર તળાવની મંજૂરીઓ માટે ગાંધીનગર ધક્કા ખાવાનુ શરૂ કર્યુ હતુ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે સતત મોનીટરીંગ કરી સવળેશ્વર તળાવ માટે દોડાદોડી પુર્ણ કરી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી સવળેશ્વર તળાવનુ રૂા.૪,રપ,૪૯,૯૦૦/- નુ ટેન્ડરીંગ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામા કરાયુ હતુ. જે સમય મર્યાદામા ટેન્ડરો ખોલવાના હતા પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ અને દિવાળી આવતી હોવાથી દિવાળી પછી ટેન્ડર ખુલી ગયુ છે.
સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશન માટે રૂા.૪,રપ,૪૯,૯૦૦/- રૂપિયા ખર્ચાશે જેમા ખોદાણ તથા તોડફોડ, આર.સી.સી.સ્ટ્રકચર વર્ક, ટોયલેટ બ્લોક, વોટર હન્ટ, તળાવનુ સ્ટોન પીંચીંગ, પેવર બ્લોક આશરે ૬૦૦ મીટરના તળાવ ફરતે રોડ માટે પત્થરની સંરક્ષણ દિવાલો, તળાવ ફરતે ફેબ્રિકેશન વર્ક, વ્યાયામના સાધનો, તળાવ ફરતે લાઈટીંગ માટે ઈલેક્ટ્રીક કામ, બોક્સ કલ્વર્ટ, તળાવ ફરતે કમ્પાઉંડવોલ, લેન્ડસ્કેપ (બગીચા ડેવલપમેન્ટ) જેમા લીમડા, પીપળા, વડ વાવવા જેવી અસંખ્ય આઈટમો સાથે તળાવમા ફુવારા લગાવવાનુ પણ લોકો માંગણી કરી રહ્યા છે.ખેરાલુ શહેરના સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશનમા સારા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે અને ખેરાલુ શહેરના સ્ટેશન રોડ સ્થીત બગીચાના ડેવલપમેન્ટમાં જે વ્યાપક ભ્રષ્ટાચાર થયો તેવો ભ્રષ્ટાચાર ન થાય તેનુ ધ્યાન રાખવાની જવાબદારી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની કહેવાશે. ખેરાલુ શહેરનુ નસીબ સારુ છે કે પાલિકા સભ્યો પાસે હાલ સત્તા નથી નહી તો ખોટી વાંધા અરજીઓ અને ખોટા વિવાદો ઉભા કરીને કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર લેતા પહેલા હૈરાન પરેશાન કરી મુક્યો હોત. સવળેશ્વર તળાવના બ્યુટીફિકેશનનુ કામ ઝડપથી શરૂ થયા અને ધારાસભ્યનુ સતત મોનીટરીંગ રહે તે પણ જરૂરી છે. ખેરાલુ શહેરના લોકોને હરવા ફરવાનુ નવુ સ્થળ મળશે. તેમજ પોતાના સ્વાસ્થ્ય માટે ચિંતીત લોકોને ચાલવા માટે ૬૦૦ મીટરનો વોકીંગ ટ્રેક મળશે તે નિશ્વિત છે.
ખેરાલુ શહેર અને પાલિકાનો નિયમ છે કે વિવાદ વગર કોઈ કામની શરૂઆત થતી નથી પરંતુ સવળેશ્વર તળાવનુ બ્યુટીફિકેશનની કામગીરી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નો થી કોઈપણ પ્રકારના વિવાદ વગર શરૂ થશે જે ખેરાલુ માટે ઐતિહાસિક ક્ષણ કહેવાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us