Select Page

વિસનગરમાં ૭૦૦૦ સ્ટ્રીટલાઈટનુ મેઈન્ટેનન્સ હવે પાલિકા હસ્તક

વિસનગરમાં ૭૦૦૦ સ્ટ્રીટલાઈટનુ મેઈન્ટેનન્સ હવે પાલિકા હસ્તક

EESL કંપની સાથેનો કોન્ટ્રાક્ટ શોર્ટ ક્લોઝ કર્યો

  • સંતોષપૂર્ણ કામગીરી નહી હોવાથી પાલિકાએ બીલ મંજુર નહી કરતા સરકારે પાલિકાની ગ્રાન્ટમાંથી રૂા.૭૦ લાખ કાપી બારોબાર એજન્સીને ચુકવ્યા હતા

વિસનગર શહેર સ્ટ્રીટ લાઈટમાં અસંતોષજનક સેવા આપનાર એજન્સીની ચુંગાલમાંથી છુટ્યુ છે. એજન્સી સાથેનો કરાર શોર્ટ ક્લોઝ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવને બહાલી આપી હવે સ્ટ્રીટ લાઈટનુ મેઈન્ટેનન્સ પાલિકાએ કરવાનો નિર્ણય કર્યો છે. પાલિકાએ સ્ટ્રીટ લાઈટના ભાવ મંગાવવા અને થતો ખર્ચ મંજુર કરવાની સત્તા પ્રમુખને આપવામાં આવી છે.
લાઈટ એનર્જીની બચત કરવાના બહાને વિસનગરમાં એલ.ઈ.ડી.લાઈટો નાખવાનો કોન્ટ્રાક્ટ મેસર્સ એનર્જી એફીસીયન્સી સર્વિસ લી.ને આપવામાં આવ્યો હતો. સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે વખતે વિકાસમંચનુ પાલિકામાં શાસન હતુ. વિકાસમંચના સભ્યોએ ધાર્યુ હોત તો ભાજપ સરકારના આ ફતવાનો વિરોધ કરી શક્યુ હોત. પરંતુ કોન્ટ્રાક્ટ મંજુર કરવા સરકારનુ ચીફ ઓફીસર ઉપર દબાણ હોવાથી કેટલાક સભ્યોના કારણે તા.૧૩-૧૨-૨૦૧૬ થી એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો હતો. જેમાં શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી.માં પરિવર્તિત કરી ૭ વર્ષ માટે નિભામણી અને મરામત કરવાની કામગીરી સોપવામાં આવી હતી.
પાલિકા સાથે કરાર થતાજ એજન્સીએ શહેરની તમામ સ્ટ્રીટલાઈટમાં એલ.ઈ.ડી. લાઈટ નાખી હતી. એજન્સીએ હલકી ગુણવત્તાની એલ.ઈ.ડી. નાખી હોવાથી મોટાભાગની લાઈટો તુર્તજ બંધ થઈ ગઈ હતી. ચોમાસામાં ઘણી જગ્યાએ લાઈટો બંધ થઈ ગઈ હતી. ત્યારે એજન્સી એલ.ઈ.ડી. લાઈટનો સપ્લાય કરતી નહોતી. એજન્સીની સંતોષપૂર્ણ કામગીરી નહી હોવાથી વિકાસ મંચના સભ્યોએ એજન્સીનુ બીલ અટકાવ્યુ હતુ. પરંતુ ભાજપના મોટા નેતાઓની ભાગીદારી ધરાવતી આ એજન્સીને બીલ ચુકવવા માટે વિસનગર પાલિકાની ગ્રાન્ટમાંથી બારોબાર રૂા.૭૦ લાખ કાપી નાખ્યા હતા. પાલિકામાં ભાજપનુ શાસન આવતાજ EESL એજન્સીની કરતુતોથી હેરાન થવુ પડ્યુ હતુ. એજન્સી સાથે કરાર કર્યો હોવાથી પાલિકા નવી એલ.ઈ.ડી.લાઈટ ખરીદી શકતી નહોતી અને બીજી બાજુ એજન્સી માલ આપતી નહોતી. પાલિકામાં ભાજપના શાસનમાં સતત બે ચોમાસામાં સ્ટ્રીટલાઈટ એજન્સીની હેરાનગતીથી ત્રાસીને છેવટે પાલિકાએ તા.૧૫-૮-૨૦૨૩ ના રોજ મેસર્સ એનર્જી એફીસીયન્સી સર્વિસ લી. સાથેનો કરાર શોર્ટ ક્લોઝ એટલે કે અધવચ્ચેથી કરાર અટકાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને પાલિકા સભ્યોએ સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. હવે પાલિકા શહેરની લગભગ ૭૦૦૦ સ્ટ્રીટ લાઈટોની મરામત કરશે. ટેન્ડરીંગ કરી ભાવો મંગાવી નવી એલ. ઈ.ડી.લાઈટની ખરીદી કરવામાં આવશે. પાલિકાના આ ઠરાવથી શહેરના લોકોને EESL ચુંગાલમાંથી છુટકારો મળ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us