ર્ડાક્ટર ફાર્મા કંપનીની કઠપૂતળી ન બને અને માનવતાવાદી દ્રષ્ટીકોણ રાખેજેનરિક દવાઓના ઉપયોગથી દર્દીનેઘણો આર્થિક ફાયદો થાય છે
તંત્રી સ્થાનેથી…
ર્ડાક્ટરને ભગવાનનુ બીજુ રૂપ માનવામાં આવે છે. એવા ઘણા સેવાભાવી ર્ડાક્ટર છે જેમનો ધ્યેય પૈસા કમાવવાનો નહી પરંતુ માનવ સેવા કરવાનો છે. હમણા થોડા સમય પહેલાજ પદ્મભૂષણ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ર્ડા.બી.એમ.હેગડેએ રાજકોટમાં યોજાયેલ એક કાર્યક્રમમાં દર્દિની આર્થિક પરિસ્થિતિનો વિચાર કર્યા વગર ફક્ત પૈસાને નજર સમક્ષ રાખી પ્રેક્ટીસ કરતા ર્ડાક્ટરોને ફાર્મા કંપનીઓની કઠપૂતળી કહ્યા હતા. તબીબી જગતમાં એવા ઘણા ર્ડાક્ટર છેકે જે બ્રાન્ડેડ ફાર્મા કંપની સીવાયની દવા પ્રીસ્ક્રીપ્શનમાં લખતા નથી. બ્રાન્ડેડ કંપનીની દવાઓ ખૂબજ મોઘી હોય છે. દવા લખનાર ર્ડાક્ટરને ૩૦ થી ૪૦ ટકા સુધીનુ તગડુ કમિશન મળે છે. પરંતુ મેડિકલ સ્ટોર્સ દર્દિને એમ.આર.પી.થીજ દવા આપે છે. કમિશનની લાલચમાં જરૂરીયાત કરતા વધારે દવા દર્દિને લખી આપવામાં આવે છે. વિશ્વની પાવરફૂલ ફાર્મા કંપનીઓનુ તબીબી જગત ઉપર વર્ચસ્વ જોવા મળી રહ્યુ છે. દવાના ખરીદ વેચાણમાં આખુ વિશ્વ નાણાંના જોરે ચાલે છે. મોટી કંપનીઓની દવાઓ બજારમાં ઠલવાય છે અને પછી આ દવાના વેચાણ માટે આખુ સ્કેન્ડલ ચાલે છે. ભારતના નાગરિકો બ્રાન્ડેડ કંપનીની મોઘી દવાઓની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે વિશ્વની તેમજ દેશની નામાંકિત ફાર્મા કંપનીઓની શેહ શરમમાં આવ્યા વગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫ મા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરી. જન ઔષધિ કેન્દ્રોમાં મળતી દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં ૫૦ થી ૯૦ ટકા સસ્તી હોય છે. દેશના લાખ્ખો ગરીબ અને મધ્યમવર્ગના લોકો જન ઔષધિ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. ભારતમાં અત્યારે ૯૦૦૦ જેટલા જન ઔષધિ કેન્દ્રો છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૫૦૦ કરોડની જન ઔષધિ કેન્દ્રમાંથી જેનરિક દવાઓનુ વેચાણ થયુ. ૭ વર્ષમાં આ યોજનામાં ૧૮૦૦૦ કરોડનો લાભ થયો હોવાનો એક અંદાજ છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશમાં જન ઔષધિ કેન્દ્રનો આંકડો ૧૦,૦૦૦ પાર લઈ જવાનો છે. કોરોના કાળમાં દવાઓની માગમાં ન જોયો હોય તેવો વધારો જોવા મળ્યો હતો. કોવિડ-૧૯ ની સામાજીક આર્થિક અસર એવી રહી છેકે સામાન્ય વ્યક્તિની ખર્ચ કરવાની ક્ષમતા સરેરાશ ઘટી છે. ઉપરાંત્ત જીવલેણ રોગોમાં વધારો થયો છે. આવા સંજોગોમાં પોસાય તેવી દવાઓની માગ વધતા જેનરિક દવાઓજ નિયમિત દવાઓનો ઉપયોગ કરતા લોકોના હિતમાં છે. ર્ડાક્ટર સાથે આર્થિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરવાથી સેવાભાવી માનવતાવાદી ર્ડાક્ટર જેનરિક દવાઓ લખી આપે છે. જેનરિક દવાઓ વિશે મતમતાંતર છે. પરંતુ જ્યારે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોમાં જેનરિક દવાઓનુ વેચાણ થતુ હોય ત્યારે સમજવુ કે આ દવાઓ બ્રાન્ડેડ દવાથી સહેજ પણ ઉણી ઉતરતી નથી. જેનરિક દવાઓ ૧૦૦ ટકા સાચી, સસ્તી, બ્રાન્ડેડ કંપનીની જેમજ ફાયદાકારક તેમજ બ્રાન્ડેડ કંપનીની જેમજ વિશ્વાસપાત્ર છે. જેનરિક દવાઓનો ઉપયોગ બ્રાન્ડેડ દવાઓની જેમજ થાય છે. જેનરિક દવા નકલી કે સસ્તી હોવાથી હલકી ગુણવત્તાવાળી હોવાનુ માનવુ ખોટુ છે. બ્રાન્ડેડ દવાઓ પાછળ સંશોધન, માર્કેટીંગ, પ્રમોશન બ્રાન્ડીંગના કારણે વધારે ખર્ચ થતો હોવાથી મોંઘી છે. જ્યારે જેનરિક દવાઓનો ટ્રાયલ પહેલેથીજ થઈ ગયો હોય છે. કંપની પાસે જે ફોર્મ્યુલા છે તેજ પ્રમાણે દવાનુ ઉત્પાદન કરવાનુ હોય છે. જેથી જેનરિક દવા ખુબજ સસ્તી હોય છે. જેનરિક દવા બ્રાન્ડેડ કંપનીની દવાની જેમજ અસર કરતી હોવા છતા કમિશનની લાલચમાં ર્ડાક્ટર જેનરિક દવા નહી લખતા હવે કેન્દ્ર સરકારે પણ કડક વલણ અપનાવ્યુ છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને ર્ડાક્ટરોને જેનરિક દવા લખવાની સૂચના આપી છે. પ્રીસ્ક્રીપ્શનમાં જેનરિક દવાઓનો સમાવેશ કરવામાં નહી આવે તો કડક કાર્યવાહી કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જેનરિક દવાઓને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આકરૂ વલણ અપનાવાયુ છે.