કચરાથી ફેલાતી ગંદકી અને રખડતી ગાયો અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ
- પાંજરામા કચરો નાખવા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અપીલ
વિસનગરમાં સ્વચ્છતા અને લોકોની સુખાકારી માટે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી કચરો નાખવા પાંજરૂ મુકવામાં આવ્યુ છે. ગાય મોઢુ નાખી શકે નહી તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. કચરો ફેલાશે નહી તો ગાયોની પણ હેરાનગતી રહેશે નહી. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ બનશે તો અન્ય વિસ્તારમા પાંજરા મુકવામાં આવશે. સ્વચ્છતાથી જ શહેરની સુંદરતા વધે છે. ત્યારે મુકવામાં આવેલા પાંજરામાંજ કચરો નાખી સહકાર આપવા પ્રમુખે અપીલ કરી છે.
વિસનગરમા ગૌરવ પથ રોડ ઉપર રખડતી ગાયોનો જે ત્રાસ છે તેનુ મુળ કારણ ખુલ્લામાં નાખવામાં આવતો કચરો છે. સાંજે શાકભાજીના વેપારીઓ બગડી જાય એવા અને બગડેલા શાકભાજી રોડ ઉપર નાખે છે. ત્યારે દુકાન વધાવીને જતા કેટલાક વેપારીઓ પણ બાગ પોલીસ ચોકી પાસે કચરો ભરેલી પ્લાસ્ટીક થેલીઓ નાખે છે. આ સીવાય કેટલીક મહિલાઓ પણ ખુલ્લામાં કચરાનો નિકાલ કરે છે. ગૌરવ પથ રોડ ઉપર અને ખાસ કરીને બાગ પોલીસ ચોકી પાસે કચરો નાખવામા આવતા રખડતી ગાયો કચરો ખાવા માટે પ્રેરાય છે. કચરા સાથે પ્લાસ્ટીક થેલી ખાવાના કારણે ગાયને પણ નુકશાન થાય છે. બાગ ચોકી પાસે પુષ્કળ પ્રમાણમાં કચરો નાખવામાં આવતા કચરો ફેલાવાથી ગંદકી થાય નહી, સ્વચ્છતા રહે તેમજ રખડતી ગાયોનો ત્રાસ ઓછો થાય તે માટે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેરમાં સ્વચ્છતા અને લોકોની સુખાકારી માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બાગ ચોકી પાસે ૮ ફુટ લંબાઈનુ ૫ ફુટ પહોળાઈનુંઅને ૩ ફુટ જેટલુ ઉંચાઈનુ પાંજરૂ મુકવામાં આવ્યુ છે. પાંજરાની ઉંચાઈ એટલી છે કે જેમા ગાય મોઢુ નાખી શકે નહી. પાલિકા પ્રમુખનો આ અભિગમ ખુબજ સારો છે. પરંતુ લોકોનો સહકાર મળે તો જ તેમાં સફળતા મળે તેમ છે. પાંજરૂ મુકવામાં આવ્યુ છે તેમ છતાં શાકભાજીવાળા અન્ય વેપારીઓ તેમજ કેટલીક મહિલાઓ કચરો પાંજરામા નહી પરંતુ ખુલ્લામાં નાખે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે. જેમાં લોકોના સાથ સહકારથી મળતા સ્વચ્છતા અભિયાન મહદઅંશે સફળ રહ્યુ છે અને લોકો ખુલ્લામાં કચરો નહી નાખવા ટેવાયા છે. સ્વચ્છતા માટે તંત્ર ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ જ્યાં સુધી પ્રજાનો સહકાર ન મળે ત્યાં સુધી સફળતા મળતી નથી.
ગૌરવ પથ રોડ ઉપર સ્વચ્છતા રહે અને રખડતી ગાયોના ત્રાસમાંથી છુટકારો મળે તે માટેના પાંજરૂ મુકવાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છે કે, શહેરના નાગરિકો જ્યાં સુધી ખુલ્લામાં કચરો નાખશે ત્યાં સુધી ગંદકી રહેશે અને રખડતી ગાયોની સમસ્યા રહેશે. રોડ ઉપર કચરો હશે જ નહી તો ગાયો પણ આવશે નહી. પ્રમુખે નારાજગી વ્યક્ત કરી છે કે, પોલીસ ચોકી પાસે પાંજરૂ મુકવા છતાં લોકો કચરો બહાર નાખે છે. પોલીસ ચોકી પાસે મુકવામાં આવેલા પાંજરાનો લોકો કચરો નાખવા ઉપયોગ કરશે અને આ પ્રોજેેક્ટમા સફળતા મળશે પછી શહેરમા કયા સ્થળે પાંજરૂ મુકવા તેનો નિર્ણય કરવામાં આવશે. કચરો પાંજરામાં નાખી સહકાર આપવા માટે પ્રમુખે નગરજનોને નમ્ર વિનંતી સાથે અપીલ કરી છે.