વિસનગરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયોવડાપ્રધાને વિશ્વના ઉદ્યોગપતિઓને આમંત્રિત કરવાનુ કાર્ય કર્યુ છે-મંત્રી ઋષિભાઈ પટેલ
વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતીમાં સોમવારે શહેરની જી.ડી.હાઈસ્કુલના સંકુલમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ ,પ્રાન્ત ઓફિસર દેવાંગભાઈ રાઠોડ, જીલ્લા આરોગ્ય અધિકારી ડા.મહેશભાઈ કાપડીયા, ચિફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, પાલિકા પુર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, પાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પિનાબેન શાહ, પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, પુર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ સહિત પાલિકા સભ્યો, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમે આ સરકારમાં ચુંટાઈને પ્રજાના કામો કરવા ગયા છીએ. ત્યાં મજા કરવા નથી ગયા-સાંસદ શારદાબેન પટેલ
આ વિકસીત યાત્રાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી
યોજનાઓના લાભથી એકપણ લાભાર્થી વંચિત રહી ન જાય તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળો રથ શહેર અને તાલુકાના ગામેગામ ફરી લોકોને સરકારી યોજનાની માહિતી આપી રહ્યા છે. સરકારે સગર્ભા માતાઓ, નવજાત શીશુમાં કુપોષણ દુર કરવાનો નિર્ધાર કર્યો છે. સરકારે કુપોષણના કારણે સગર્ભા માતા અને નવજાત શીશુનુ મૃત્યુ ન થાય તેની સતત ચિંતા કરી છે. સરકારે કોરોનાકાળમાં સ્વનિધી યોજનામાં નાના વેપારીઓને એક ટકાના વ્યાજદરે લોન આપી આર્થિક મદદ કરી હતી. વાયબ્રન્ટ ગુજરાતના આયોજનથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આજે વિશ્વના ઉદ્યોગપતિઓને
ભારતમાં આમંત્રણ આપવાનુ ગૌરવપુર્ણ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર વિહોણા પરિવારોનું પોતાના ઘરનુ સ્વપ્ન પુરૂ કર્યુ છે. આજે સરકારની વિકસીત ભારત સંકલ્પ યાત્રાના કારણે આયુષ્યમાન કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના, જેનરીક સ્ટોર્સ, બેન્કોમાં જનધન ખાતા સહિત સરકારની વિવિધ યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર દરેક જન કલ્યાણકારી યોજનાનો લોકોને લાભ પહોચાડી રહી છે. આ વાયદો નહી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે.
જ્યારે સાંસદસભ્ય શારદાબેન પટેલે જણાવ્યુ હતુ કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ બાદ આ સરકારે જ પ્રજાની ચિંતા કરી છે. ત્યારે અમે આ સરકારમાં ચુંટાઈને પ્રજાના કામો કરવા ગયા છીએ ત્યાં મજા કરવા નથી ગયા. તેમ જણાવી બાકી લાભાર્થીઓને સરકારની તમામ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કરી લોકોને સરકારી લાભો લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શહેરના લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાયના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.