મહેસાણા જીલ્લા ભાજપને કારણે પાટણ લોકસભાના ક્ષત્રિયો નારાજ સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રીની નિમણુંકના ૨૪ કલાકમાં રાજીનામુ લેવાયુ
સતલાસણા તાલુકા ભાજપ સંગઠનનું મહામંત્રી પદ હંમેશા વિવાદાસ્પદ રહ્યુછે. સાચા અને આખા બોલા કાર્યકરોના રાજીનામા લેવાય છે. અને જી હજુરી કરનાર લોકોની બોલબાલા છે. અગાઉ સામાન્ય બોલાચાલીમાં દશરથસિંહ પરમારનું રાજીનામુ લેવાયુ તેજ રીતે ખોટો વિવાદ ઉભો કરીને સતલાસણા તાલુકાના ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના ચુસ્ત વફાદાર સૈનિક ભીમપુર ગામના ઠાકોર નરેશજીની સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી પદે નિમણુક કર્યાના ૨૪ કલાકમાં રાજીનામું લઈ લેતા સતલાસણા સહિત પાટણ લોકસભા અને ખેરાલુ વિધાનસભાના ક્ષત્રિય ઠાકોર સમાજમા ભાજપ વિરોધમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે.
સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી પદે ખાલી પડેલી જગ્યા ઉપર નવા હોદ્દેદારોની નિમણુક માટે ત્રણ આગેવાનોના નામો જીલ્લા ભાજપ સંગઠનને મોકલ્યા હતા. જેમાં પ્રભારી, ધારાસભ્ય, જીલ્લા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ચર્ચા કરાઈ તે પછી ત્રણ નામો મોકલ્યા હતા. જેમાં નરેશજી વિરાજી ઠાકોર (ભીમપુર), ભાટી દલાજી મોહનજી (ધરોઈ) તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ઠાકોર વરનરાજજી રાણાજી (મોટીભાલુ સરપંચ)ના નામો મોકલ્યા હતા. જીલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો જેનાથી સારી રીતે પરિચિત હતા તેવા ઠાકોર નરેશજીને જીલ્લા ભાજપ સંગઠને મહામંત્રી તરીકે નિમણુક કરી હતી. ત્યારબાદ સતલાસણા તાલુકા ભાજપમાં વર્ચસ્વ ધરાવતા ક્ષત્રિય રાજપુત સમાજના પરમાર અને ચૌહાણ સમાજના હોદ્દાની લડાઈનો ભોગ નરેશજી ઠાકોર બન્યા હતા.
પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે સુદાસણાના વિરેન્દ્રસિંહ પરમારનું જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે રાજીનામું લેવાયુ તેજ રીતે નરેશજી ઠાકોરનુ રાજીનામું લેવાયુ છે-ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી
આ બાબતે નરેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, સંગઠને મારૂ સન્માન કરી પદ આપ્યુ તે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર પરંતુ પાર્ટીના પ્રોટોકલ પ્રમાણે મારૂ રાજીનામું ૨૪ કલાકમાં લઈ લીધુ તેનુ મને પહેલા દુઃખ થયુ પરંતુ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણી હું સંગઠનનું કામ ચાલુ રાખીશ.
આ બાબતે ઠાકોર સમાજના એક અગ્રણીએ જણાવ્યુ હતુ કે, ઠાકોર સમાજના વ્યક્તિ ક્યારેય સતલાસણા તાલુકા ભાજપ સંગઠનમાં સન્માનજનક પદ મળ્યુ નથી. પહેલી વખત વિનુસિંહ ચૈહાણને કારણે પદ મળ્યુ અને તે છીનવી લેતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છે. તાલુકા પંચાયતમાં નરેશજી ઠાકોરની પત્નિએ કોઈપણ વિવાદ વગર કિશોરસિંહ ચૌહાણની પત્નિને મત આપ્યો છે. સતલાસણા તાલુકામાં ઠાકોર સમાજના ૧૧૦૦૦ મત છે. છતાં સંગઠનમાં સન્માનજનક પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો મળતો નથી. ખેરાલુ અને સતલાસણા એ.પી.એમ.સી. ચેરમેનો પાસે બે હોદ્દા છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને જીતાડવા ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર રામસિંહ ઠાકોરનો વિરોધ કરી જીતાડ્યા છે. જેથી આજે આ પરિણામ ભોગવવુ પડ્યુ છે. ઠાકોર સમાજના મોટાભાગના લોકો પાર્ટીના વફાદાર સૈનિક તરીકે ફરજ નિભાવે છે. જેથી સમાજમાં ભારે નારાજગી પેદા થઈ છે. આગામી લોકસભાની ચુંટણીમાં ધારાસભ્યને કારણે ઘણા પ્રશ્નો ઉદ્ભવશે જેનુ નુકશાન ભાજપને જ થશે.
આ બાબતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીના પ્રોટોકલ પ્રમાણે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે. અગાઉ જ્યારે અજમલજી ઠાકોર ધારાસભ્ય હતા ત્યારે વિરેન્દ્રસિંહ પરમાર (સુદાસણા), સતલાસણા એ.પી.એમ.સી.ના ચેરમેન હતા ત્યારે તાલુકા પંચાયતની ચુંટણી આવતા તેમના પત્નિ જીત્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા જેથી વિરેન્દ્રસિંહ પરમારનો જીલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખનો હોદ્દો છીનવાયો હતો. તે જ રીતે સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે નિમણુક પામનાર નરેશજી ઠાકોરની ધર્મપત્નિ સતલાસણા તાલુકા પંચાયતમાં સભ્ય હોવાથી તેમનુ જીલ્લા ભાજપ સંગઠને રાજીનામું લીધુ છે.
નરેશજી ઠાકોરના રાજીનામા બાબતે સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત યાત્રા ભાલુસણા પહોચી ત્યારે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા સાથે અમે ભાલુસણા પહોચ્યા હતા. જ્યાં સંગઠનમાં મહામંત્રી પદ માટે ત્રણની પેનલના નામો લખી ધારાસભ્યની સહી લેવા એટલે કે સંમતિ લેવા ગયા ત્યારે ધારાસભ્યએ ત્રણ ઠાકોર સમાજના નામ જોઈ ઉશ્કેરાયા હતા અને સહિ કરવાની સ્પષ્ટ ના કહી હતી. ત્યારે ધારાસભ્ય સમક્ષ રજુઆત કરી કે, ઠાકોર સમાજના ૧૧૦૦૦ મત છે. તેમને પ્રાધાન્ય આપવાથી ભાજપને ફાયદો થવાનો છે. છતાં સહી કરી ન હોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સતલાસણા તાલુકા ભાજપ સંગઠનમાં ઠાકોર સમાજને પ્રમુખ કે મહામંત્રીનું પદ મળ્યુ નથી. વિનુસિંહ ચૌહાણ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ છે કે જેણે ઠાકોર સમાજને પ્રાધાન્ય આપી પેનલમાં ત્રણ ઠાકોર સમાજના નામ જીલ્લા ભાજપ સંગઠનને મોકલ્યા છે.
આ બાબતે ભારે હોબાળો થતા જીલ્લા ભાજપ સંગઠન દ્વારા નરેશજી ઠાકોરનુ રાજીનામું લઈ લીધુ છે પણ મંજુર કરી બીજા કોઈની નિમણુક કરી હોય તેવુ લાગતુ નથી. જીલ્લા ભાજપ સંગઠનને નરેશજી ઠાકોરનું રાજીનામું લીધુ પણ ઠાકોર સમાજનો વિરોધ અને આક્રોશનો ભોગ ન બનવુ હોય તો વિનુસિંહ ચૌહાણે મોકલેલી પેનલના બીજા બે ઠાકોર પૈકી ગમે તે એકને મહામંત્રી બનાવવો પડશે નહી તો લોકસભાની ચુંટણીમાં મોટા પ્રમાણમાં ભાજપને નુકશાન થાય તેવુ લાગે છે.